Comments

દેશની કૌટુંબિક આવકનો સર્વે 2026માં

ભારતની માથા દીઠ સરેરાશ વાર્ષિક આવક 2388 (બે હજાર ત્રણસો અઠયાસી) ડોલરની છે જે ભારતીય રૂપિયામાં લગભગ બે લાખ છ હજાર રૂપિયા થાય. દેશની કુલ વાર્ષિક રાષ્ટ્રીય આવકનો દેશની જનસંખ્યાના આંકડાથી ભાગાકાર કરવાથી જે રકમ મળે તેને દેશની વાર્ષિક સરેરાશ માથાદીઠ આવક ગણાય છે.આ આંકડો ખાસ આધારભૂત ગણી ન શકાય. એક મોટો વર્ગ આ આંકડાથી પણ ઘણી ઓછી આવક ધરાવતો હશે. જો પાંચ જણના કુટુંબમાં, ખાસ કરીને મજૂરના કુટુંબને સરેરાશ આવકમાં ગણીએ તો પત્ની અને ત્રણ બાળકો સાથે એની આવક દસ લાખ ત્રીસ હજાર રૂપિયા થાય.

ભારતમાં એવાં કરોડો કુટુંબો જે છે જે વરસ દહાડે બે લાખ પણ કમાઈ શકતાં નથી. શ્રીમંતો, કોર્પોરેશનો,કંપનીઓ, ધંધાર્થીઓ અને સરકારી નોકરો વગેરેની મોટી આવકો મળીને સરેરાશ થોડી ઊંચે આવે છે. બાકી મજૂરી, છૂટક કામો કરતો વિશાળ વર્ગ કોઇ હિસાબ કિતાબ રાખતો નથી. દેશનાં સાઠ ટકા કિસાનો પણ હિસાબો રાખતાં નથી. શ્રીમંતોમાં કાળાં અને ભ્રષ્ટાચારનાં નાણાંનો વ્યાપક ફેલાવો છે. જયારે વાર્ષિક આવક તો જે સફેદ નાણાંના રૂપમાં થાય છે તેને જ ગણતરીમાં લેવામાં આવે છે. પરિણામે કોઇ પણ દેશની માથા દીઠ વાર્ષિક આવકનો સાચો આંકડો પામવાનું ખૂબ મુશ્કેલ છે. સિંગાપુર, સ્વીડન, ફીનલેન્ડ કે નોર્વે જેવા નાની વસતિ, સ્વચ્છ વ્યવહારો અને વહીવટો ધરાવતા દેશમાં તે માપવાનું શકય છે.

ભારત જેવા બેસુમાર વસતિ, બેસુમાર રોકડના ખાનગી વહેવારો, બેસુમાર ભ્રષ્ટાચાર, બેસુમાર ગરીબી અને નિરક્ષરતાના દેશમાં માથાદીઠ આવક એક અછડતો, જેવો તેવો સંકેત આપે છે અને દુનિયાની સરખામણીમાં આપણે કયાં ઊભા છીએ તેનો થોડો આભાસ કરાવે છે. આજે ભારતના અર્થતંત્રનું કદ ચાર ટ્રિલિયન અમેરિકી ડોલર સાથે દુનિયામાં ચોથા ક્રમે પહોંચ્યું છે પણ માથાદીઠ આવકમાં કુલ બસ્સો દેશોમાંથી ભારત 158મા ક્રમે છે. એક લાખ, ચાલીસ હજાર, નવસો એકતાલીસ ડોલરની આવક સાથે લકઝમબર્ગ નામનો દેશ દુનિયામાં સૌથી આગળ છે. લગભગ 89 હજાર એકસો ડોલરની માથાદીઠ આવક સાથે અમેરિકા સાતમા ક્રમે છે. સાઉત સુદાનની સૌથી ઓછી, માત્ર 251 ડોલરની છે.

ભારતની વાત કરીએ તો વિકાસ ઝડપભેર થઇ રહ્યો છે. છતાં કુટુંબ દીઠ વાર્ષિક આવકના સાચા આંકડાઓ ન મળે તો સમતોલ વિકાસની દિશા સ્પષ્ટ ન બને. યોગ્ય નીતિ નિર્ધારણ જરૂરી છે. આ હેતુ સાધવા માટે ભારત સરકાર આવતા 2026ના વરસથી એક સુનિયોજિત અને સમાવેશી હાઉસહોલ્ડ (કુટુંબ) ઇન્કમ સરવે કરાવવા જઇ રહી છે. સરકારની સૂચના મુજબ સરેરાશ કૌટુંબિક આવક નક્કી કરવા માટે વિવિધ ડેટાઓ અથવા આંકડાઓની મદદ લેવાશે જેથી વધુ ચોક્કસ અને ખાતરીદાયક પરિણામો મળે. હાઉસ હોલ્ડ ઇનકમ સર્વે (એચઆઈએસ)ની સાથે સાથે 2027માં દેશની વસતિગણતરી પણ થવાની છે. પિરિયોડિક લેબર ફોર્સ સર્વે (પીએલએફએસ) પણ યોજાશે. આ બધાના સમન્વય વડે રાષ્ટ્રને સાચી વિગતો પ્રાપ્ત થશે. સરેરાશ કૌટુંબિક આવકના મુદ્દાની અનેક દશકોથી અવગણના થઇ છે જે હવે હાથ ધરાશે.

આ નવા સર્વે દ્વારા એ પણ જાણી શકાશે કે નવી ટેકનોલોજીના આવિષ્કાર અને વપરાશની દેશનાં શ્રમિકો પર કેવી અસર પડે છે? તેઓની આવક વધી છે કે ઘટી છે? તેમજ ઉદ્યોગો અને વ્યવહારોમાં ડિજિટાઈઝેશન વધ્યું છે તેથી દેશના વિકાસ અને લોકોની સુખાકારીમાં સકારાત્મક ફરક પડયો છે કે નહીં? માથાદીઠ અને કુટુંબ દીઠ આવકના આંકડાઓ વિષે સ્પષ્ટતા નહીં હોવાથી નીતિઓ અને તેનો અમલ છે કે છેવાડેના જન સુધી પહોંચે છે કે નહીં તે નક્કી કરવું મુશ્કેલ છે. ભ્રષ્ટાચારના રાક્ષસને કરોડો માથાં છે. તેનો સંહાર કરવાનું પ્રજાએ જ અને પ્રજાની સરકારોએ જ લગભગ અશકય બનાવી દીધું છે. પરંતુ ડિજિટાઈઝેશન ડાયરેકટ બેનિફિટ, બેન્ક એકાઉન્ટસ વગેરે કારણોસર ઘણો ફરક પડી રહ્યો છે. જીએસટી, ઇનકમટેકસ રિટર્ન, તત્કાલ ટેકસ રિફંડ વગેરે નવી રીતિ-નીતિઓને કારણે હિસાબ કિતાબમાં મોટો ફાયદો થયો છે.

માત્ર હાઉસહોલ્ડ ઇનકમનો સર્વે જ કાફી નથી. હાઉસહોલ્ડ કન્ઝમ્પશન અર્થાત્ નાણાંના વપરાશનો સર્વે પણ મહત્ત્વનો છે. હમણાંનાં વરસો સુધી આ બન્ને પ્રકારના આંકડાઓનો કોઇ તાળો બેસતો ન હતો. ઘણી વખત હાઉસ હોલ્ડ ઇનકમના આંકડા નથી હોતા તેથી એક કુટુંબ સરેરાશ જે ખર્ચ કરે તેને જ ઇનકમના આંકડા ગણી લેવામાં આવ્યા છે. ધારી લેવામાં આવતું કે ઇનકમ હશે તો જ ખર્ચ કરતા હશે ને? પરંતુ બધાં કુટુંબો જેટલું કમાય એટલું બધું વાપરી નાખતાં ન હોય તેના થકી, આવકનો સાચો આંકડો ન મળે. હવે જે સર્વે થશે તેને અનેક પ્રકારની આવક અને ખર્ચના પેટા મથાળાંઓમાં વર્ગીકૃત કરાશે. તે માટે લોકોની સાથે યોગ્ય રીતે વાતચીત અને પૂછપરછ કરી શકે તેવા તાલીમબદ્ધ સ્ટાફની જરૂર પડશે. રાષ્ટ્ર અને રાષ્ટ્રના અર્થતંત્રનો ઝડપી વિકાસ ઇચ્છતાં હોય એ નાગરિકોની ફરજ છે કે સર્વે માટે આવેલા સ્ટાફને સહકાર આપે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top