નવી દિલ્હી: મહારાષ્ટ્રના (Maharashtra) ગઢચિરોલીમાં આજે બે મહિલા નક્સલવાદીઓએ (Naxalite) પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. ત્યારે ચોંકાવનારી બાબત એ છે કે 49 ગુનાઓ આચર્યા બાદ બંને નક્સલવાદીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. તેમજ આ બંને મહિલા નક્સલીઓ પર લાખોનું ઈનામ રાખવામાં આવ્યું હતું.
મહારાષ્ટ્ર પોલીસે સમગ્ર મામલે માહિતી આપતા જણાવ્યું હતું કે આજે ગુરુવારે મહારાષ્ટ્રમાં માઓવાદીઓનો ગઢ ગણાતા ગઠચિરોલીમાં બે મહિલા નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું હતું. આ નક્સલીઓના નામ અનુક્રમે પ્રમિલા સુખરામ બોગા ઉર્ફે મંજુબાઈ (36) અને અખિલા શંકર પુડો ઉર્ફે રત્નમાલા (34) છે, કે જેમણે ગઢચિરોલી પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.
ગઢચિરોલીના પોલીસ અધિક્ષક દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે બંને નક્સલવાદીઓ પ્લાટૂન પાર્ટી કમિટીના સભ્યો હતા, જે પ્રતિબંધિત માઓવાદી સંગઠન છે. આરોપીઓ પૈકી પ્રમિલા બોગાનું નામ 40 કેસમાં છે, જેમાંથી 20 એન્કાઉન્ટર અને બે આગજનીના આરોપો છે. આ સિવાય પ્રમિલા ઉપર આશરે 8 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.
ચાર હત્યા અને બે એન્કાઉન્ટર કેસ નોંધાયા
આ સાથે જ અખિલા પુડો સામે સાત કેસ નોંધાયેલા છે. જેમાંથી ચાર હત્યાના અને બે એન્કાઉન્ટરના કેસ છે. પુડોની ધરપકડ કરવા માટે 8 લાખ રૂપિયાનું ઈનામ પણ રાખવામાં આવ્યું હતું. આત્મસમર્પણ કરાયેલા નક્સલવાદીઓ માટે સરકારની નીતિ હેઠળ, બોગા અને પુડોને તેમના પુનર્વાસ માટે 5-5 લાખ રૂપિયા મળશે. ત્યારે પોલીસના જણાવ્યા અનુસાર, 2022 થી અત્યાર સુધીમાં 21 નક્સલવાદીઓએ ગઢચિરોલી પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે.
ગઢચિરોલીમાં સુરક્ષા દળો સક્રિય
હાલના દિવસોમાં નક્સલવાદીઓના આશ્રય ગઢચિરોલીમાં સુરક્ષા દળના જવાનો સક્રિય થઇ ગયા છે. ત્યારે માર્ચ મહિનામાં પણ સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં ચાર નક્સલીઓને ઠાર કર્યા હતા. જેના પર 36 લાખ રૂપિયાનું ઈનામ પણ હતું. સુરક્ષા દળોની કાર્યવાહીથી ગ્રામજનોનું મનોબળ પણ વધ્યુ હતું અને તેઓએ નક્સલવાદીઓનો વિરોધ પણ શરૂ કરી દીધો હતો. આ દરમિયાન આ વિસ્તારને તેમના હાથમાંથી છૂટતો જોઈને નક્સલવાદીઓ વારંવાર હુમલાની યોજના બનાવી રહ્યા છે.
અગાઉ સુરક્ષા દળોએ બે નક્સલીઓને ઠાર કર્યા હતા
ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ સુરક્ષા દળોએ બે નક્સલવાદીઓને ઠાર માર્યા હતા. જેમાં 2019માં જાંબુલખેડા વિસ્ફોટમાં સામેલ નક્સલીનો પણ સમાવેશ થાય છે. 2019માં થયેલા આ બ્લાસ્ટમાં 15 પોલીસકર્મીઓ શહીદ થયા હતા. ત્યારે હુમલામાં માર્યા ગયેલા નક્સલવાદી ડેપ્યુટી કમાન્ડર દુર્ગેશ વટ્ટી જાંબુલખેડા વિસ્ફોટના મુખ્ય કાવતરાખોરોમાંનો એક હતો.