સુરતના યુવા ઉદ્યોગપતિ વિરલ દેસાઈને ઊર્જા સંરક્ષણમાં યોગદાન બદલ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ‘નેશનલ એનર્જી કન્ઝર્વેશન’ એવોર્ડથી સન્માનિત કરાયા. ઊર્જા સંરક્ષણ માટે સતત ત્રીજીવાર નેશનલ એનર્જી કન્ઝર્વેશન’ એવોર્ડ પ્રાપ્ત થયો, સાથોસાથ પર્યાવરણ સંરક્ષણ માટે દક્ષિણ ગુજરાતમાં 6.50 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરનાર વિરલ દેસાઈને તેમના પર્યાવરણ અને ઉર્જા સંરક્ષણ માટે સાતમીવાર રાષ્ટ્રીય સન્માન એનાયત કરવામાં આવ્યું છે. વિરલ દેસાઈની કંપની ઝેનિટેક્સને ઉર્જા સંરક્ષણમાં ઉમદા પ્રદાન બદલ ટેક્ષટાઈલ ક્ષેત્રની કેટેગરીમાં દેશભરમાંથી પ્રથમ સ્થાન મળ્યું છે.
‘ગ્રીનમેન’ તરીકે જાણીતા વિરલ દેસાઈને ચોથીવાર દેશના રાષ્ટ્રપતિ દ્વારા અને કુલ સાતમીવાર રાષ્ટ્રીય સન્માનથી નવાજવામાં આવ્યા છે. ઉર્જા સંરક્ષણના ક્ષેત્રમાં અત્યંત પ્રતિષ્ઠિત અને સર્વોચ્ચ ગણાતો ‘નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ’ કેન્દ્રીય ઊર્જા મંત્રાલય દ્વારા દર વર્ષે આપવામાં આવે છે. તા.14મી ડિસે.-રાષ્ટ્રીય ઊર્જા દિને નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત સમારોહમાં વિવિધ ક્ષેત્રના ઉર્જા સંરક્ષકોને રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મુ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનોહરલાલ ખટ્ટર દ્વારા એવોર્ડ એનાયત કરાયા હતા.
એવોર્ડથી સન્માનિત કરવા બદલ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરતા યુવા ઉદ્યોગપતિ વિરલ દેસાઈએ જણાવ્યું હતું કે ઊર્જા બચત તેમજ રિન્યુએબલ એનર્જીની દિશામાં ગુજરાતે દેશભરમાં આગવી પહેલ કરી છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં તેમના કાર્યકાળમાં સેંકડો ઉદ્યોગપતિઓને કંપનીના પ્લાન્ટ્સ વિન્ડમિલ અને સોલાર એનર્જી સંચાલન પર સ્વિચ કરાવી દીધા હતા.
સુરતમાં ઝેનિટેક્સ નામે પોતાનું ટેક્સટાઈલ પ્રોસેસિંગ હાઉસ ધરાવતા વિરલ દેસાઈ પાછલા પંદર વર્ષોથી તેમની ફેક્ટરીને સંપૂર્ણપણે પવન ઊર્જા પર ચલાવે છે. આ સંદર્ભે તેઓ વધુમાં કહે છે કે, ‘મને પવન ઊર્જાના યથાર્થ ઉપયોગની પ્રેરણા વડાપ્રધાનશ્રીએ અને રાજ્યમાં યોજાતી ‘વાયબ્રન્ટ સમિટ’એ આપી છે. ‘વાયબ્રન્ટ ગુજરાત’ જેવી અનેક સમિટ્સના માધ્યમથી રાજ્ય સરકારે ઉદ્યોગોને ગ્લોબલ વિઝન આપ્યું છે. અનેક પ્રકારની સબસિડી, ઝીરો કાર્બન એમિશન કન્સેપ્ટ, અનેકવિધ પ્રોત્સાહક યોજનાઓ અને ઈન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી નિયમો વડે મેં પરંપરાગત રીતે ચાલતા બિઝનેસને ગ્લોબલ કોર્પોરેટ ટચ આપવાનો પ્રયાસ કર્યો છે.’
વિરલ દેસાઈએ વધુમાં કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2021માં ગ્લાસગો સમિટમાં વિશ્વને જે વાયદો આપ્યો છે કે વર્ષ 2070 સુધીમાં ભારતનું કાર્બન ઉત્સર્જન શૂન્ય હશે. તેમના આ સ્વપ્નને પૂરૂ કરવા આજથી જ સૌ સજાગ બની અથાક પ્રયત્નો થકી ભારતને પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં શિરમોર બનાવવામાં યોગદાન આપીએ તે જરૂરી છે.
ગ્રીનમેન વિરલ દેસાઈ અન્ય ઉદ્યોગપતિ માટે છે પ્રેરણારૂપ
વિરલ દેસાઈ સતત ઊર્જા અને પર્યાવરણ સંરક્ષણ માટે પ્રયત્નશીલ રહે છે. વર્ષ 2014માં વડાપ્રધાનશ્રીએ ‘સ્વચ્છ ભારત મિશન’ લોન્ચ કર્યું, જેને સમર્થન આપવા તેમણે સુરતમાં ‘ક્લિન ઈન્ડિયા,ગ્રીન ઈન્ડિયા’ નામનું કેમ્પેઈન લોન્ચ કર્યું હતું. જે અંતર્ગત તેઓ તેમની પર્યાવરણ સેનાની મિત્રોની ટીમ સાથે દક્ષિણ ગુજરાતમાં 6.50 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરી ચૂક્યા છે.
તેમણે સુરતના ઉધના રેલ્વે સ્ટેશનને પણ ક્લાયમેટ એક્શન અને ઈકો સિસ્ટમ રિસ્ટોરેશનની થીમ પર મોડેલ સ્ટેશન તરીકે તૈયાર કર્યું છે, આ રેલ્વે સ્ટેશનને ઈન્ડિયા બુક રેકોર્ડ્સમાં ભારત, એશિયા અને વિશ્વના પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશનરૂપે સ્થાન આપવામાં આવ્યું છે. અહીં રેલવે સ્ટેશનના પરિસરમાં જાપાનની મિયાવાકી પદ્ધતિથી અર્બન ફોરેસ્ટ પણ તૈયાર કરવામાં આવ્યું છે. જેનું નામ ભારતીય સૈન્યના વીર શહીદ જવાનોની સ્મૃત્તિ જીવંત રહે એ માટે ‘શહીદ સ્મૃતિવન’ રાખવામાં આવ્યું છે.
આ વનમાં ઓગણીસ હજાર સ્ક્વેરફીટની જગ્યામાં ઓગણીસ હજારથી વધુ મોટા નેટિવ સ્પિસિસના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. બિલકુલ આ જ થીમ સાથે વિરલ દેસાઈએ ઉદવાડા રેલવે સ્ટેશન પર પણ અઢી હજારથી વધુ નાનામોટા રોપા અને વૃક્ષોનું વાવેતર કર્યું છે.
છેલ્લાં નવ વર્ષથી વિરલ દેસાઈ ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન એન્ડ ક્લાયમેટ ચેન્જ’ નામની ચળવળ ચલાવી રહ્યા છે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલના મૂલ્યો પર આધારિત આ ચળવળમાં વિદ્યાર્થીઓ અને યુવાનો સુધી પહોંચીને મોટાપાયે જાગૃતિ અભિયાનો ચલાવવામાં આવે છે.
આ જાગૃતિ અભિયાનો પછી વિરલ દેસાઈ દ્વારા યુવાનોને ‘પર્યાવરણ સેનાની’ બનાવવામાં આવે છે. આ અભિયાન અંતર્ગત તેમણે સાત અર્બન ફોરેસ્ટ બનાવ્યા છે અને દસ મોટા અર્બન ફોરેસ્ટ તૈયાર કરવાનો પ્રકલ્પ પણ હાથ ધરવામાં આવ્યો છે, જ્યાં આ આંદોલન સાથે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું સુરત ક્લસ્ટર પણ સત્તાવાર રીતે જોડાયું છે.
એક તરફ સરકાર દ્વારા જી૨૦ સમીટનું આયોજન કરવામાં આવે છે, ત્યારે વિરલ દેસાઈ જેવા યુવાનો અને ઉદ્યોગપતિઓ પર્યાવરણ સંરક્ષણની દિશામાં પ્રશંસનીય કામગીરી કરે એ આપણા સૌ માટે ગર્વની વાત છે. આખરે આપણે વિશ્વ સમક્ષ ગર્વપૂર્વક એ બાબત રજૂ કરી શકીશું કે વિશ્વના પર્યાવરણ સંરક્ષણમાં ભારતનું યોગદાન પણ અનન્ય છે.