સુરત(Surat) : વરાછા(Varachha), પુણા(Puna) સહિતના વિસ્તારોમાંથી પસાર થતી કોયલી ખાડી(Koyli Bay) રિ-મોલ્ડિંગ(Re-moulding), રિ-સ્ટ્રકચર(Re-structure)નો પ્રોજેકટ ત્રણ તબક્કામાં હાથ ધરાઇ ચુકયો છે. અગાઉના કામ પુર્ણ થવાના આરે છે. સીમાડાનાકા પાસે સાકેત ધામ સોસાયટીથી મમતા પાર્ક ખાડી બ્રિજ સુધી અને લક્ષમણ નગરથી કરંજ એસટીપી સુધીના 8.30 કિલોમીટર વિસ્તારમાં કામગીરી હવે પુરી થવાના આરે છે. સરિતા વિહાર સોસાયટીથી એપીએમસી માર્કેટ સુધીના 1.35 કિલોમીટર વિસ્તારમાં કામગીરી પૂરી કરી દેવામાં આવી છે. જ્યારે કરંજ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી સરિતા વિહાર સોસાયટી સુધીના 1.5 કિલોમીટર લંબાઈમાં ખાડીના રિ- મોલ્ડિંગ અને રિ-સ્ટ્રકચરની કામગીરી ચાલુ છે. હવે બાકીના વિસ્તારોમાં રિ- મોલ્ડિંગ અને રિ-સ્ટ્રકચરની કામગીરી કરવા માટે 274.35 કરોડનું ટેન્ડર સ્થાયી સમિતિએ મંજૂર કરી દીધું છે. જો કે ઇજારદારે આ કામ મુશ્કેલ હોવાથી વર્ષ 2015-16ના એસઓઆર કરતા 77 ટકા અને વર્ષ 2011-12ના એટલે કે અંદાજો બન્યા ત્યારના એસઓઆરથી 84 ટકા ઉંચુ ટેન્ડર ભર્યુ હતું, આ પ્રોજેક્ટ માટે 162.84 કરોડના અંદાજ સામે બીજા પ્રયાસમાં એક જ એજન્સીની ઓફર આવી હતી તે 274.34 કરોડની હતી જો કે આ કામ માટે અન્ય કોઇ એજન્સી નહીં મળતા શાસકોએ આ ટેન્ડર મંજુર કરી દીધુ છે. મહત્વની વાત એ છે કે આ ખાડીના વિકાસ માટે છેક 2006થી માંગણી ઉઠી રહી છે. હાલના ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી ત્યારે સ્થાયી સમિતિના સભ્ય હતા અને રણજીત ગીલીટવાલા સ્થાયી સમિતિ ચેરમેન હતા ત્યારે સ્થાયી સમિતિમાં જોધાણીએ આ રજૂઆત કરી હતી અને સરકારે જે તે સમયે આ પ્રોજેકટ માટે ગ્રાન્ટ આપવા સંમતી આપી હતી. આખરે વરાછાવાસીઓની આ મહત્વની માંગ પુરી થવામાં સફળતા મળી છે.
- ખાડીના વિકાસ સાથે આઠ કીમીનો કોરીડોર, ગંદકીમાંથી મુક્તિ સહિતના લાભો થશે
- જો કે પ્રોજેકટ અઘરો હોવાથી 77 ટકા ઉંચુ ટેન્ડર મંજુર કરાયું
- હાલના ડેપ્યુટી મેયર દિનેશ જોધાણીએ 16 વર્ષ પહેલા સ્થાયી સમિતિમાં રજૂઆત કરી હતી તે સમયે સરકારે પ્રોજેક્ટ માટે ગ્રાન્ટ આપવા સંમતી આપી હતી
મંજુર થયેલા પ્રોજેકટ મુજબ ગંદકીથી ખદબદતી કોયલી ખાડીમાં 15 મીટર પહોળાઈ અને 3.50 મીટર ઉંડાઈમાં આરસીસી બેરલ- ડાયાફ્રામ વોલ ટાઈપનું સ્ટ્રકચર બનશે. આરસીસી સ્ટ્રકચર બનાવીને તેને કવર કરીને ઉપરથી રસ્તો બનાવામાં આવી રહ્યો છે. તેથી વરાછા રોડ, લંબેહનુમાન રોડ અને પુણા-બોમ્બે માર્કેટ રોડને સમાંતર વધુ એક કનેક્ટિવિટી ખાડી પર બનનારા આઠ કીમીના કોરીડોરથી મળશે. ખાડીની ગંદકી દુર થશે, વહન ક્ષમતામાં પણ વધારો થશે.
કોયલી ખાડી રિ-મોલ્ડિંગ/રી સ્ટ્રક્ચરિંગ પ્રોજેક્ટના મુખ્ય મુદ્દા
- ખાડીમાં ગંદકીનું પ્રમાણ ઘટી જશે અને હાલની વહનક્ષમતામાં 60 ટકાનો વધારો થવાનો અંદાજ
- ખાડી રિ-સેક્સનિંગનો સૂચિત પ્રકલ્પ ફ્લડ કંટ્રોલની સ્કીમ નથી, પરંતુ ખાડીના બેંક પ્રોટેક્શનના કારણે પર્યાવરણની દૃષ્ટિએ ખાડીની ચોખ્ખાઈ અને અનટ્રીટેડ સુએઝ વોટરને ખાડીમાં પ્રવેશતા અટકાવી શકાશે
- શહેરમાં મોબિલિટી માટે વધુ એક સમાંતર વ્યવસ્થા ઉપલબ્ધ થશે ખાડી કાંઠાઓની હદનું આકલન કરીને કાંઠાઓના દબાણમાં ઘટાડો શક્ય
- બજેટમાં આ પ્રોજેક્ટ માટે 10 કરોડની જોગવાઇ, બાકી રહેતી રકમ માટે સરકારની વિવિધ યોજનામાંથી ગ્રાન્ટ મેળવવાનું આયોજન ચોમાસા સિવાય ૩૬ મહિનામાં કામગીરી પૂર્ણ કરવાની રહેશે. આર ખાડીના રિ-મોલ્ડિંગ/રિ-સ્ટ્રક્ચરિંગ બે તબક્કાની કામગીરી પૂર્ણ પ્રગતિ હેઠળ
વરાછા, કંરજ અને કામરેજ વિધાનસભા વિસ્તારના લોકોને રાહત થશે
વરાછા વિસ્તારના લોકોની વરસો જુની માંગણી કોયલી ખાડીને બોક્સ ડ્રેઈન કરીને તેના પર રસ્તો બનાવવાના છેલ્લા ભાગ માટેના ટેન્ડર મંજૂર કરી દેવાતા પુરી થઇ છે. છેક વર્ષ 2006થી આ ખાડીને પેક કરવા માટેની માંગણી ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી ત્યારે સ્થાયી સમિતિના સભ્ય હતા ત્યારે કરી હતી. આ ખાડીનો પ્રોજેકટ એટલા માટે પણ મહત્વનો છે કે, કામરેજ, વરાછા અને કરંજ વિધાનસભા વિસ્તારના લાખો લોકોને તેનાથી લાભ થનાર છે. આ વિધાનસભા વિસ્તારના ધારાસભ્યો દ્વારા પણ વખતો વખત રજુઆત કરાઇ હતી સંકલનની મીટીંગમાં કરંજના ધારાસભ્ય પ્રવિણ ધોધારી પણ એકથી વધુ વખત આ મુદ્દે રજૂઆત કરી ચુકયા છે તેમજ સરકાર પાસેથી ગ્રાન્ટ મંજુર કરાવવા મુદ્દે પણ ઘોઘારી સતત સક્રીય રહ્યા હતા. વિધાનસભાની ચૂંટણીમાં આ પ્રોજેકટ પણ સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાં ભાજપનો ગઢ સાચવવામાં મહત્વનો બની રહેશે.