સુરત શહેરને કેન્દ્ર સરકારની ‘સુપર સ્વચ્છ લીગ’માં સતત ત્રીજા વર્ષે સ્થાન મળતા એક તરફ ગૌરવનો માહોલ છે, તો બીજી તરફ આ પસંદગી પર ગંભીર સવાલો ઊભા થયા છે. સુરતના પૂર્વ કોર્પોરેટર વિજય પાનશેરિયાએ ભારતના પ્રધાનમંત્રી Narendra Modiને પત્ર લખીને દાવો કર્યો છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા કચરા વ્યવસ્થાપન અંગે ખોટી અને ભ્રામક માહિતી રજૂ કરવામાં આવી છે.
વિજય પાનશેરિયાના જણાવ્યા મુજબ, Surat Municipal Corporation (SMC) શહેરમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને બગીચાના કચરાના વૈજ્ઞાનિક નિકાલમાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. તેમણે આક્ષેપ કર્યો કે સુરતમાં દરરોજ 3,000 મેટ્રિક ટનથી વધુ સોલિડ કચરો ઉત્પન્ન થાય છે, પરંતુ તેનો મોટો હિસ્સો વૈજ્ઞાનિક રીતે પ્રોસેસ થતો નથી.પરિણામે લેન્ડફિલ સાઇટ્સ પર ભાર વધી રહ્યો છે અને કેટલીક જગ્યાએ ગેરકાયદેસર ડમ્પિંગ પણ થતું હોવાનું તેમણે જણાવ્યું.
બગીચા અને ઉદ્યાન કચરાની બાબતમાં પણ ગંભીર ખામીઓ દર્શાવતા પાનશેરિયાએ કહ્યું કે આ કચરો અલગથી એકત્રિત કે પ્રોસેસ કરવામાં આવતો નથી. તેને સામાન્ય નગરપાલિકા કચરામાં મિશ્ર કરી દેવામાં આવે છે, જેનાથી પર્યાવરણને નુકસાન, ભૂગર્ભ જળ પ્રદૂષણ અને નાગરિકોના આરોગ્ય પર જોખમ ઊભું થાય છે.સાથેજ તેમણે આક્ષેપ કરતા કહ્યું હતું કે ગૃહ મંત્રાલય Ministry of Housing and Urban Affairs (MoHUA)ને સબમિટ કરાયેલા અહેવાલોમાં આંકડાઓ વધારેલા દર્શાવવામાં આવ્યા હોઈ શકે છે.
નોન-ફંક્શનલ પ્રોસેસિંગ પ્લાન્ટ્સ, જૂની મશીનરી અને નિયમ ભંગ કરનારાઓ સામેની કાર્યવાહીનો અભાવ જેવી બાબતો અવગણવામાં આવી હોવાનો પણ તેમણે પત્ર માં ઉલ્લેખ કર્યો. આ સ્થિતિ Swachh Bharat Missionના મૂળ હેતુઓને નબળા પાડે છે અને જાહેર વિશ્વાસ પર પ્રહાર કરે છે.પાનશેરિયાએ માંગ કરી છે કે કેન્દ્રીય ટીમ દ્વારા સ્વતંત્ર ઓડિટ કરવામાં આવે, જેમાં ડેટાની ચકાસણી, સાઇટ ઇન્સ્પેક્શન અને નાગરિક પ્રતિસાદનો સમાવેશ થાય. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સુરતની ‘સુપર સ્વચ્છ લીગ’માં સ્થિતિ સસ્પેન્ડ કરવાની પણ તેમની માંગ છે.
એટલુજ નહી વિજય પાનશેરિયા સોલિડ કચરા નિકાલ સ્થળોની નિષ્ફળતા તથા બગીચા કચરાના ડમ્પિંગ સંબંધિત ફોટોગ્રાફ્સ અને દસ્તાવેજી પુરાવા રજૂ કરવા તૈયાર છે.“સુરતના નાગરિકોને પારદર્શિતા જોઈએ,સુપરફિશિયલ દસ્તાવેજો નહીં,” એમ તેમણે અંતમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું.