સુરત એક એવું શહેર છે કે જેની તાસિર દેશના તમામ શહેર કરતાં અલગ છે. સુરતીઓ મોજીલા તો છે જ સાથે જીદ્દી પણ છે અને જે ધારે તે જ કરે છે અને ધારેલુ કામ પાર પાડીને જ રહે છે. સુરતીઓ આમ તો લાઇનમાં રહેવા માટે ટેવાયેલા નથી. કોઇ સરકારી કચેરીમાં કામ હોય કે પછી ટિકીટ લેવા માટે લાઇનમાં ઊભા રહેવાનું હોય ત્યાં જો હરી હરી નોટથી કામ થઇ જતું હોય તો તે આપી દે છે પરંતુ કતારમાં ઊભા રહેતા નથી.
બાળકના એડમિશનનું ફોર્મ લેવા કે ભરવા માટે જાતે લાઇનમાં ઊભા રહેતા નથી તેના બદલે રૂપિયા ખર્ચીને માણસને ઊભા રાખે છે. દસ્તાવેજનો ટોકન લેવાની લાઇનમાં પણ રૂપિયા ખર્ચીને માણસ ઊભા રાખે છે. રવિવારે ફાફડા લેવા માટે, ચંડી પડવા નિમિત્તે ઘારી લેવા માટે કે પછી પોંકની સિઝનમાં પોંક લેવા માટેની લાઇન માત્ર અપવાદ ગણી શકાય તેમ છે. આ એક જ એવી લાઇન છે જેમાં સુરતીઓ લાઇનમાં ઊભા રહે છે.
જ્યાં લાઇનમાં ફરજિયાત ઊભા રહેવું પડે તેમ જ હોય તેવી સ્થિતિમાં પણ સુરતીઓ વચ્ચેનો રસ્તો શોધતા જોવા મળે છે. ત્યારે રેડ સિગ્નલ પર લાઇનમાં ઊભા રહેવાની વાત તો દૂરની વાત છે. અત્યાર સુધી ઝેબ્રા ક્રોસિંગના પટ્ટા ફક્ત પાડવા માટે જ હોય તેવું લાગી રહ્યું હતું પરંતુ હાલના દિવસોમાં સુરતે કલ્પના પણ કરી નહીં હોય તેવા દ્રશ્યો તમામ મુખ્ય ચાર રસ્તા ઉપર જોવા મળી રહ્યાં છે. વાત માનવામાં આવે તેવી નથી પરંતુ સાચી છે કે, સુરતીઓ રેડ સિગ્નલ જોઇને તેમના વાહનો ઊભા રાખે છે. વાત અહીંયાથી અટકી જતી નથી તેઓ ઝેબ્રા ક્રોસિંગનું પણ સન્માન કરી રહ્યાં છે.
સુરતમાં અત્યાર સુધી અનેક પોલીસ કમિશનર આવી ચૂક્યા છે અને તેઓ હંમેશા સુરતને કંઇને કંઇ આપતા ગયા છે. સુધીર સિન્હાએ સુરતમાં ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટની રચના કરી હતી અને ત્યારથી જ ટ્રાફિક બ્રિગેડની રચના થઇ. રાકેશ અસ્થાનાની વાત કરીએ તો તેમણે સુરતને કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમની ભેંટ આપી. આશિષ ભાટિયા જેના માટે જાણીતા છે તે કામ તેમણે સુરત માટે કર્યું હતું. તેમણે સુરતમાંથી અંડર વર્લ્ડની કમર તોડી નાંખી હતી.
તેઓ કમિશનર હતા ત્યારે ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમની દુનિયામાં એક વાત ચાલતી હતી કે ‘ભાટિયા કો સુરત સે જાને દો ફીર દેખેંગે’. તેવી જ રીતે સતીષ શર્માએ પણ સુરતની ટ્રાફિક વ્યવસ્થા સુધારવામાં મહત્વનો ફાળો ભજવ્યો અને તેમના કારણે જ રાજમાર્ગ પર ત્યારે ટ્રાફિક જોવા મળતો નથી. અજય તોમર બાળકીની બાબતે ખૂબ સંવેદનશીલ હતા. જો નાની બાળકી ગાયબ થઇ જાય તો તે મળે નહીં ત્યાં સુધી ક્રાઇમબ્રાન્ચના અધિકારીઓ સહિત 200થી વધુ પોલીસ કર્મચારીની ટીમ કામ પર લાગી જતી હતી.
ત્યારે હવે સુરતના નવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતને માત્ર પોલીસ કમિશનર નહીં પણ સાથે સાથે મેજિશિયન કહીએ તો પણ કંઇ ખોટું નથી કારણ કે, તેમણે સુરત માટે જે કર્યું છે તેને મિરેકલ જ કહી શકાય. અનુપમસિંહ ગહલૌત કહે છે કે, ‘અન્ય શહેરોમાં જે રીતે ટ્રાફિકના નિયમોનું પાલન થાય છે તે રીતે સુરતમાં થતુ ન હતું. તેના કારણે અકસ્માતો થતા હતાં. જો કે, તેનું બંને પક્ષ સમાધાન કરી લેતા હતાં અને પોલીસ સુધી આવતા ન હતાં એટલે આ અકસ્માતો રેકોર્ડ ઉપર તો આવતા જ ન હતાં. જે રેકોર્ડ ઉપર આવે છે તે જીવલેણ અકસ્માત છે.
જો પ્રજાના જીવનું રક્ષણ કરવું હોય તો ટ્રાફિક નિયમન મહત્વનું પાસુ ગણી શકાય. તેથી જ રેડ સિગ્નલનો અમલ કરાવવાનું શરૂ કર્યું અને 90 ટકા સુરતીઓએ હોંશે હોંશે અમલ કરવાનું શરૂ કરી દીધું છે. કેટલીક સિગ્નલ ઉપર સમય વધારે નીકળે છે પરંતુ તે દિશામાં પણ કામ ચાલી રહ્યું જેથી તે સમસ્યા પણ દૂર થઇ શકશે. આ નિયમોનું પાલન થશે તો પોલીસ અનેક લોકોને ઇજામાંથી કે પ્રાણઘાતક અકસ્માતમાંથી બચાવી શકશે અને તેના માટે જ પોલીસ કામ કરી રહી છે.’ કોઇ સારા હેતુ માટેનું કામ હોય ત્યારે અડચણ તો આવતી જ હોય છે. એક સિગ્નલ ઉપર લાંબો સમય ઊભા રહેવું પડે છે તેને કેટલાક લોકો સમસ્યા ગણાવી રહ્યાં છે. પરંતુ આ એવા લોકો છે જેમણે કદાચ કોઇ દિવસ મુંબઇ જોયું નહીં હોય. મુંબઇ અને સુરતની વસ્તી, વાહનો અને ટ્રાફિકની દ્રષ્ટીએ સરખામણી પણ કરી શકાય તેમ નથી કારણે કે મુંબઇ સામે સુરત તેના એક પરા જેટલું જ છે.