SURAT

‘હું સ્ત્રી છું, જેથી સ્ત્રીઓના કાયદામાં ફસાવી દઇશ’

સુરત(Surat) : સ્ત્રીઓના (Women) કાયદામાં ફસાવી દેવાની ધમકી આપીને ઠગાઇ કરતી દિલ્હીની (Delhi) મહિલા વેપારી અંશુ ચૌધરી અને તેના ભાગીદારની સામે વધુ એક ફરિયાદ (Complaint) નોંધવામાં આવી છે. અંશુ ચૌધરી અને તેના ભાગીદારે સુરતના કુબેરજી વર્લ્ડ માર્કેટમાં વેપાર કરતા વેપારી પાસેથી 23 લાખનો માલ લઇને પેમેન્ટ (Payment) આપ્યું ન હતું.

પ્રાપ્ત વિગતો મુજબ પરવત પાટીયા માધવબાગ સોસાયટી નંદનવન રો હાઉસમાં રહેતા ભાર્ગવ ભરતભાઈ પટેલ (ઉ.વ.૩૦) સારોલી ગામ કુબેરજી વર્લ્ડ માર્કેટમાં દુકાન ધરાવે છે. તેમની પાસેથી દિલ્હીમાં વેપાર કરતા વેપારી અંશુ ચૌધરી તેમજ ચંદ્રેશ રામીકાએ રૂા. 23.38 લાખની કિંમતનું કાપડ ખરીદ્યું હતું. સમય મર્યાદામાં પેમેન્ટ ચૂકવવામાં નહીં આવતા ભાર્ગવભાઇએ ઉઘરાણી કરી હતી. આ દરમિયાન અંશુ ચૌધરીએ ‘હું સ્ત્રી છું, જેથી સ્ત્રીઓના કાયદામાં ફસાવી દઇશ’ તેવી ધમકી આપીને રૂપિયા આપ્યા ન હતા. બનાવ અંગે ભાર્ગવભાઇએ સલાબતપુરા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અંશુ ચૌધરી સામે અગાઉ ક્રાઇમ બ્રાન્ચે પણ ગુનો નોંધ્યો હતો. અંશુ ચૌધરીને સામે સુરત શહેરમાં જ ત્રણથી ચાર જેટલી ફરિયાદો નોંધાઇ છે.

પારડીમાં વેરો નહીં ભરનાર 7 ફ્લેટ અને એક દુકાન સીલ
પારડી : પારડી પાલિકાએ વેરો નહીં ભરનારા બાકીદારોને નોટિસ ફટકારવાની સાથે જરૂર પડતા મિલકત પર સીલ મારવાની શરૂઆત કરી છે. જેમાં બાકી વેરો નહીં ભરનારાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. પારડી નગરપાલિકા નાણાંકીય વર્ષ આગામી માર્ચમાં પૂર્ણ થવાનું છે ત્યારે માર્ચ એન્ડિંગ સુધીમાં નગરપાલિકાએ જુદા જુદા વેરાની વસૂલાતનો ટાર્ગેટ પૂરો કરવા માટે અત્યારથી કમર કસી લીધી છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષથી વેરા બાકી દારો પાસેથી કડક હાથે કામગીરી લેવાનું શરૂ કર્યું છે. બાકીદારોને પાલિકાએ નોટિસ ઈસ્યુ કરવા સહિતની કાર્યવાહી કરી છે. જે બાદ પણ વેરો નહીં ભરનારાઓની મિલકત સીલ કરવાની કાર્યવાહી કરતાં બાકી વેરો ન ભરનારાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. બે દિવસમાં પારડી પાલિકાએ પાર્થ રેસિડેન્સીમાં એક ફ્લેટ, સિલ્વર પેલેસમાં ત્રણ ફ્લેટ, શ્રી એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ, સ્ટેટ બેન્કની ગલીમાં આઈસ્ક્રીમની શોપ, પંચરત્ન બિલ્ડિંગમાં બે ફ્લેટમાં સીલ મારવા જેવી કાર્યવાહી કરતા બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે.

Most Popular

To Top