નીતિ આયોગના વિઝન સાથે ‘સુરત આર્થિક ક્ષેત્ર’ (SER) બનવા તરફ ડગ માંડતું શહેર
ગાંધીનગર,તા.18
તાપી નદીના કિનારે વસેલું ઐતિહાસિક ‘સૂર્યપુર’ એટલે કે આજનું સુરત, તેની સાહસિક વૃત્તિ અને ઔદ્યોગિક કુશળતાના દમ પર ભારતનું આર્થિક પાવરહાઉસ બનીને ઉભરી આવ્યું છે. 16મી સદીમાં જે શહેર વિશ્વના વેપારીઓ માટે ભારતનું ‘પ્રવેશદ્વાર’ ગણાતું હતું, તે આજે 21મી સદીમાં વૈશ્વિક બિઝનેસ મેપ પર અગ્ર હરોળમાં બિરાજમાન છે. આ ગતિશીલ પરિવર્તનને વધુ વેગ આપવા માટે સુરત આગામી ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ (દક્ષિણ ગુજરાત) ની યજમાની કરવા માટે સજ્જ થયું છે.
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)
આગામી સમયમાં યોજાનારી આ કોન્ફરન્સ દક્ષિણ ગુજરાત માટે નવા રોકાણો અને રોજગારીની તકોના દ્વાર ખોલશે. આધુનિક શહેરી આયોજન અને ઉન્નત કનેક્ટિવિટીને કારણે સુરત આજે દેશના અન્ય શહેરો માટે ‘રોલ મોડેલ’ સાબિત થઈ રહ્યું છે.
સુરતની જનતાએ જે રીતે આપત્તિઓને અવસરમાં બદલી છે, તે જોતા કહી શકાય કે આ શહેર હવે માત્ર ગુજરાતનું જ નહીં પરંતુ ભારતના વિકાસના નવા યુગનું નેતૃત્વ કરવા તૈયાર છે.
સુરતના વિકાસના બે મજબૂત સ્તંભ
- હીરા ઉદ્યોગ: વિશ્વના 90% કુદરતી હીરા અને 25% લેબ-ગ્રોન હીરાનું પ્રોસેસિંગ એકમાત્ર સુરતમાં થાય છે. અહીં 6,000 થી વધુ એકમો કાર્યરત છે, જે લાખો પરિવારો માટે આજીવિકાનો સ્ત્રોત છે.
- ટેક્સટાઇલ સેક્ટર: એશિયાના સૌથી મોટા કાપડ કેન્દ્ર તરીકે સુરત આજે ચોકસાઈ અને સર્જનાત્મકતાનો પર્યાય બની ગયું છે.
નીતિ આયોગનું વિઝન: સુરત આર્થિક ક્ષેત્ર (SER)
કેન્દ્ર સરકારના નીતિ આયોગે સુરતની ક્ષમતાને ઓળખીને તેને ‘ગ્રોથ હબ’ (G-Hub) પહેલ હેઠળ પસંદ કર્યું છે. વર્ષ 2047 સુધીમાં સુરત સહિત ભરૂચ, નવસારી, તાપી, ડાંગ અને વલસાડના સમગ્ર પટ્ટાને ‘સુરત ઇકોનોમિક રીજન’ (SER) તરીકે વિકસાવવાનો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ પ્રાદેશિક અસમાનતા દૂર કરી દક્ષિણ ગુજરાતને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવશે.
વૈભવી વારસો અને વેપારનું વૈશ્વિક કેન્દ્ર
સુરતનો ઇતિહાસ જળમાર્ગો અને જહાજ નિર્માણની કળા સાથે અતૂટ રીતે જોડાયેલો છે. એક સમયે બ્રિટિશ, પોર્ટુગીઝ, ફ્રેન્ચ અને ડચ વેપારીઓ આ બંદર પર આધિપત્ય જમાવવા સ્પર્ધા કરતા હતા. આજે એ જ વારસાને આધુનિક ઓપ આપીને સુરતે પોતાની ઓળખ ‘સિલ્ક સિટી’ અને ‘ડાયમંડ સિટી’ તરીકે સ્થાપિત કરી છે.