સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની (VNSGU) પબ્લિક એડમિનિસ્ટ્રેશનની પીએચ.ડી.ની (Ph.d) પ્રવેશ પરીક્ષામાં (Exam) 100માંથી 38 એમસીક્યુમાં ભાષાંતરમાં ભૂલો મળી હતી. જેને કારણે વિદ્યાર્થીઓએ (Student) પરેશાન થવું પડ્યું હતું. વિદ્યાર્થીઓને પડતી હાલાકીને જોતાં યુનિવર્સિટીએ તપાસ કમિટી બનાવવાનો નિર્ણય કર્યો છે.
- વિદ્યાર્થીઓ પરેશાન થતા જ બોર્ડ ઓફ ટીચિંગે કુલપતિને તપાસ કમિટી રચવાનો આદેશ કર્યો
- યુનિવર્સિટીએ પ્રોવિઝનલ રિઝલ્ટ જાહેર કર્યું પણ વિદ્યાર્થીઓની ફરિયાદથી ફાઇનલ રિઝલ્ટ જાહેર કર્યું નથી
- ભારે ચર્ચાઓ બાદ બેઠકમાં અંતે તપાસ કમિટીની રચના કરીને તેની સત્તા કુલપત્તિને આપવાનો નિર્ણય કરાયો
યુનિવર્સિટીમાં સોમવારે બોર્ડ ઓફ ટીચિંગની બેઠક મળી હતી, જેમાં ગત 21 ઓગસ્ટ, 2022ના રોજ યોજોલી પીએચ.ડી.ની પબ્લિક એડમિનિસ્ટ્રેશનની પ્રવેશ પરીક્ષા મામલે ચર્ચા થઈ હતી. આ પરીક્ષામાં એમસીક્યુમાં અંગ્રેજીના ગુજરાતી ભાષાંતરમાં ભૂલ હોવાની વિદ્યાર્થીઓની ફરિયાદ હતી. જે મામલે મુદ્દે પેપર સેટરની સ્પષ્ટતા મેળવવામાં આવી હતી. ઉપરાંત ડીનોના પણ અભિપ્રાય લેવામાં આવ્યા હતા. ભારે ચર્ચાઓ બાદ બેઠકમાં અંતે તપાસ કમિટીની રચના કરીને તેની સત્તા કુલપત્તિને આપવાનો નિર્ણય કરાયો હતો. માત્ર ચાર જ વિદ્યાર્થીએ પબ્લિક એડમિનિસ્ટ્રેશનની પ્રવેશ પરીક્ષા આપી હતી. એમણે લેખિતમાં ફરિયાદ કરી હતી કે 100 એમસીક્યુ પુછાયા હતા, તેમાંથી 38થી વધારે એમસીક્યુના અંગ્રેજીમાંથી ગુજરાતી ભાષાંતરમાં ભૂલો હતી. યુનિવર્સિટીએ પ્રોવિઝનલ રિઝલ્ટ જાહેર કર્યું છે. પણ વિદ્યાર્થીઓની ફરિયાદથી ફાઇનલ રિઝલ્ટ જાહેર કર્યું નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીએ 10 ફેકલ્ટીના પીએચ.ડી.ના 33 વિષયમાં 1,779 વિદ્યાર્થીએ પ્રવેલ લેવા માટે ઓનલાઇન ફોર્મ ભર્યાં હતાં, જેમાંથી જીએસઆર, નેટ અને સ્લેટ પાસ કરનારા 301 વિદ્યાર્થીને પીએચ.ડી.ની પ્રવેશ પરીક્ષામાંથી મુક્તિ અપાઈ હતી. જ્યારે 1251 વિદ્યાર્થીએ યુનિવર્સિટીનાં 6 સેન્ટર પર જઇ પરીક્ષા આપી હતી. જે પરીક્ષામાં માત્ર ૩૭૫ વિદ્યાર્થી પાસ થતાં પરિણામ 29.98 % ટકા આવ્યું છે. અહીં જનરલ અને ઇડબ્લ્યૂએસ કેટેગરી માટે ૧૦૦ કે તેથી વધારે તથા એસસી, એસટી, ઓબીસી અને દિવ્યાંગ વિદ્યાર્થીઓએ ૯૦ કે તેથી વધારે માર્ક્સ લાવવા ફરજિયાત છે.