સુરત: કતારગામ (Katargam) કરાડવા ગામ ખાતે રીઝર્વેશન પ્લોટ (Plot) પર નિર્માણધીન મંદિરના (Temple) ડિમોલીશન (Demolition) માટે ગયેલા પાલિકાના (SMC) અધિકારીને ઘેરી હુમલો (Attack) કરાયો હોવાના વિડીયો (Video) સામે આવ્યા છે. જોકે કોઈ અનહોની થાય એ પહેલાં પોલીસે આક્રોશ સાથે મેદાને ઉતરાયેલા કેટલાક ગામવાસીઓની અટક કરી લીધી હોવાનું પણ સ્પષ્ટ વીડિયોમાં દેખાય છે. શુક્રવારના રોજ પાલિકાની ટીમ ડીમોલેશન માટે ગઈ હતી. લોકોએ ઘેરી વળતા અધિકારીઓ જીવ બચાવી રોડ પર ભાગતા હોવાનું સામે આવ્યું છે. અધિકારીઓ લોકોનો ગુસ્સો જોઈ જે વાહન મળ્યું એમાં બેસી ને ભાગતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં પણ આ બાબતે પાલિકા અધિકારીઓએ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હતી.
સુરત પાલિકાના કતારગામ ઝોનમાં ટીપી સ્કીમ નંબર 50માં ફાઈનલ પ્લોટ નંબર 95 માં પ્લે-ગ્રાઉન્ડનું રિઝર્વેશન મુકવામાં આવ્યું છે. આ પહેલા નિર્ણય કયો હતો. આ જગ્યા સંપાદન મુક્ત કરવામાં આવી હતી પરંતુ સરકાર માંથી આ સ્કીમ માટે ફરી નિર્ણય કર્યો તેમાં બે લાખ ચો.મી. જગ્યામાં પ્લે-ગ્રાઉન્ડ નું રિઝર્વેશન મુકવામાં આવ્યું છે. જોકે, થોડા દિવસ પહેલા સ્થાનિકો દ્વારા આ જગ્યામાં જલારામ બાપાનું મંદિર બનાવવાની કામગીરી હાથ ધરી હતી અને મંદિર પ્લિન્ચ લેવલ સુધી બાંધકામ કરી દેવામાં આવ્યું હતું.
મંદિરનું આ બાંધકામ દુર કરવા માટે પાલિકા તંત્ર પહોંચ્યું હતું સ્થાનિકોએ બે દિવસનો સમય માગ્યો હતો. જોકે, પાલિકા તંત્રે ત્વરિત ડિમોલિશનની કામગીરી શરુ કરતા લોકો રોષે ભરાયા હતા. જલારામ બાપાના મંદિરના ડીમોલેશન કામગીરીની વાત વાયુવેગે આસપાસના વિસ્તારમાં પ્રસરી જતાં મોટી સંખ્યામાં લોકોના ટોળા સાથે બજરંગ દળના કાર્યકરો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેઓએ ડિમોલિશનની કામગીરી અટકાવવા માટે ભારે ધમપછાડા કર્યા હતા. જોકે, પાલિકાએ પોલીસની મદદથી આ મંદિરના ડિમોલીશનની કામગીરી પુરી કરી હતી. મંદિરના ડિમોલિશનની કામગીરી પુરી થયા બાદ ભેગા થયેલા લોકો અને પાલિકા- પોલીસના સ્ટાફ વચ્ચે ઝપાઝપી થઈ હતી. જેમાં લોકોએ પાલિકા-પોલીસને ઘેરી લીધા હતા જેના કારણે દોડધામ થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટનામાં પોલીસે છ લોકોની અટકાયત કરી છે.