સુરત: નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી દ્વારા દેશ વિરોધી તમામ પ્રવૃતિઓ પર ચાંપતી નજર રાખવામાં આવતી હોય છે. ગજવા-એ-હિન્દ નામનું એક સંગઠન આતંકવાદી પ્રવૃતિ સાથે જોડાયું હોવાની અને તેમાં દક્ષિણ ગુજરાતના (South Gujarat) ચોક્કસ યુવાનો સંકળાયા હોવાની આશંકાને પગલે એનઆઈએની (NIA) ટીમ સુરત (Surat) અને વાપીના (Vapi) કેટલાક યુવાનોના ઠેકાણાં પર ત્રાટકી હતી. તેઓના મોબાઈલ (Mobile) કબજે લઈ પૂછપરછ હાથ ધરી હતી. જે પૈકી સુરતમાં મુગલીસરામાં રહેતા અને ડિલિવરી બોય તરીકે કામ કરતાં સોહેલની બુધવારે રાત્રે પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જ્યારે વાપીના સેલવાસ રોડ ખાતે રહેતા મૂળ યુપીના બે ભાઈઓની એનઆઈએ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
શહેરના અઠવા પોલીસની હદમાં આવેલા મુગલીસરા વિસ્તારમાં બુધવારે રાત્રે નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (NIA)એ સુરત શહેરમાં ધામા નાંખ્યા હતા. સોહેલ નામના એક યુવકની એન્ટી નેશનલ એક્ટિવિટી કરવા બાબતે પુછપરછ કરી હતી. સોહેલ પાકિસ્તાનના એક વોટ્સએપ ગ્રુપ ગઝવા-એ- હિંદનો એક્ટિવ સભ્ય હતો. એનઆઈએની ટીમે તેનો મોબાઈલ ફોન કબજે લીધો છે, તે હાલ સુરતમાં ડિલીવરી બોય તરીકે કામ કરે છે. ભારત વિરોધી આ ગ્રુપમાં સોહેલ દ્વારા દેશ વિરોધી ટીપ્પણી કરવામાં આવતા એનઆઇએ દ્વારા ગઇ રાત્રિએ તેને દબોચવામાં આવ્યો હતો.
પાકિસ્તાનના વોટ્સગ્રુપમાં હિન્દુ કોમ ઉપરાંત દેશના ભાગલા પાડવા વિશે વાત કરવામાં આવી હતી. તેમાં આઇએસઆઇએસ ગ્રુપને ભારતમાં એકટિવ કરવા તથા ભારતના દેશના ટોચના નેતાઓ વિશે અભદ્ર લખાણો આ ગ્રુપમાં લખાતા હોવાની વિગત જાણવા મળી છે. એનઆઇએને બાતમી મળી હતી કે સુરત અને આસપાસના વિસ્તારના કેટલાક યુવાનો આવા દેશદ્રોહી ગ્રુપમાં એકટિવ છે. તેથી એનઆઇએ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરોડા કાર્યવાહીમાં સ્થાનિક પોલીસને દૂર રાખવામાં આવી હતી.
સુરતમાં જિલાની બ્રિજ, કોટ વિસ્તાર એનઆઇએના રડાર પર
પોલીસ સૂત્રોએ જણાવ્યાનુસાર અગાઉ પણ નદી પારના જિલાની બ્રિજ વિસ્તારમાં એનઆઇએ દ્વારા દરોડા કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત અગાઉ મુગલીસરા વિસ્તારમાં એક યુવાનની પણ પૂછપરછ કરવામાં આવી હતી. દરમિયાન સુરતના કોટ વિસ્તાર, ઉન, લિંબાયત, જિલાની બ્રિજ વિસ્તારમાં દેશદ્રોહી તત્વો સક્રિય હોવાની ચર્ચા છે. એનઆઇએ દ્વારા હાલમાં તો આ વિસ્તારોના તમામ સોશ્યલ મિડીયા ગ્રુપ્સ ચેક કરવામાં આવી રહ્યાં છે. તેમાં એન્ટિનેશનલ એક્ટિવિટી ધરાવતા ગ્રુપ પર સઘન વોચ રાખવામાં આવી રહી છે. આ ગ્રુપોમાં હિન્દુ વિરોધી તથા દેશમાં જેહાદ છેડવાની વાતો કરવામાં આવતી હોવાની વિગતો જાણવા મળી છે.
દેશવિરોધી પ્રવૃતિ કરી રહેલા એક ગ્રુપ સામે ફરિયાદ
દેશમાં કેટલાક તત્વો હજી પણ એન્ટી નેશનલ એક્ટિવીટી સાથે સંકળાયેલા છે. ભારત સરકારની એજન્સીઓની આવા લોકો અને ગ્રુપ ઉપર ખાસ નજર હોય છે. નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી દ્વારા થોડા સમય પહેલા એન્ટી નેશનલ એક્ટિવિટી કરી રહેલા આવા એક ગ્રુપની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં પાકિસ્તાનથી ઓપરેટ થતા એક વોટ્સએપ ગ્રુપમાં કેટલાક ભારતના લોકો પણ જોડાયેલા હતા. અને આ ગ્રુપમાં દેશ વિરોધી મેસેજ અને કાર્યો થતા હતા. તેવી આંતરિક માહિતીના આધારે એનઆઈએ દ્વારા તેની તપાસ શરૂ કરાતા રેલો દક્ષિણ ગુજરાત સુધી આવ્યો હતો.
વાપીમાં બે ભાઈઓની એનઆઈએ દ્વારા પૂછપરછ
વાપી: વાપીમાં સેલવાસ રોડ સ્થિત ગોદાલનગર પાસે એક એપાર્ટમેન્ટમાં રહેતા મૂળ યુપીના બે ભાઈઓની એનઆઈએની ટીમે ગુરુવારે પૂછપરછ કરી હતી. ગજવા-એ-હિંદને લઈને ચાલતી તપાસના ભાગરૂપે એનઆઈએની ટીમે ગુરુવારે ગુજરાતના ત્રણ જિલ્લામાં પૂછપરછ કરી હતી. વલસાડ જિલ્લામાં વાપીમાં સેલવાસ રોડ સ્થિત એક એપાર્ટમેન્ટમાં બે ભાઈઓની પણ આ અંગે પૂછપરછ થઈ હતી. સાંજે બંને ભાઈઓને એનઆઈએની ટીમે છોડી મૂક્યા હોવાનું પણ સ્થાનિક સૂત્રોમાંથી જાણવા મળે છે. આખા દેશ વ્યાપી એનઆઈએની ટીમની તપાસનો રેલો વાપી સુધી પહોંચતા આ વાતને લઈને અહીં ભારે ચર્ચા ચાલી હતી. જોકે સત્તાવાર રીતે કોઈ પણ માહિતી મળી શકી ન હતી. દિલ્હીમાં ૨૦૨૨માં નોંઘાયલા એક કેસના સંદર્ભે બંને ભાઈની પૂછપરછ થઈ હોવાનું કહેવાય છે.