16મી જાન્યુઆરીથી દેશભરમાં કોવિડની વેક્સિનેશનની (Vaccination) કામગીરીનો પ્રારંભ કરાયો હતો. ત્યારે સમગ્ર ગુજરાત સહીત સુરતમાં પણ વેક્સીનેશન પ્રક્રિયાના શ્રીગણેશ કરાતા એક ઉલ્લાસનો માહોલ દેખાયો હતો. 16 જાન્યુ. સવારે 10 વાગે મંત્રીઓ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં વેક્સીનેશનનો પ્રારંભ કરાયો હતો. સુરત શહેર અને જિલ્લાની 18 સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ એવા આરોગ્ય કર્મીઓને વેક્સીન આપવામાં આવી હતી.
પુણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટથી વેક્સિનનો જથ્થો મંગળવારે ગુજરાત (Gujarat) પહોંચ્યો બાદમાં બુધવારે 40,000 વેક્સિનનો જથ્થો સુરત મોકલવામાં આવ્યો હતો, જેથી સમગ્ર ગુજરાત સહિત સુરત શહેર અને જિલ્લામાં શનિવાર સવારે 10.00 વાગ્યાથી વેક્સીનેશન પ્રક્રિયાનો આરંભ કરાયો હતો. શહેર અને જિલ્લાની 18 હોસ્પિટલોમાં(9 ખાનગી અને 9 સરકારી) ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ એવા આરોગ્ય કર્મીઓને કોરોનાની વેકસીન આપવાનો પ્રારંભ કરાયો હતો. વેક્સીનેશન પ્રક્રિયાના પ્રારંભ વેળાએ શહેરની સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોમાં પણ વેક્સીનેશન પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
આખા દેશને અપીલ છે કે કોરોના વેક્સીન લેવી જ જોઈએ : ડો.પારુલ વડગામા
ઇન્ડિયન મેડિકલ એસોસીએસન સુરત શહેર ઉપપ્રમુખ ડો.પારુલ વડગામાં જણાવે છે કે “મારી આખા દેશને અપીલ છે કે કોરોના વેક્સીન લેવી જ જોઈએ. અને કોઈ પણ વ્યક્તિએ ઘભરાયા વિના આ વેક્સિનેશનની પ્રક્રિયાને આગળ વધારવી જોઈએ. અમે પોતે ડોક્ટર હોય સાથે મેડિકલ એસોસિએશન દ્વારા પ્રથમ આ વેક્સિનને લઇ સુરતમાં 35 ડોકટરો દ્વારા પ્રમાણ કરવામાં આવ્યું છે કે કોઈ આડઅસર નથી. માટે કોરોનને હરાવવો હોય તો વેક્સીન લેવીજ જોઈએ. “BE SAFE , BE VACCINATE”.
વેક્સિનેશનથી કોઈપણ પ્રકારની આડઅસર નથી : ચેમ્બર પ્રમુખ દિનેશ નાવડીયા
સુરતમાં જયારે ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર એવા આરોગ્ય કર્મીઓને વેક્સીન આપવામાં આવી હતી ત્યાં જ સતત આવા દર્દીઓના સંપર્કમા રહેતા દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ (PRESIDENT) દિનેશ નાવડિયાને પણ આ વેક્સીન આપવામાં આવી હતી. ત્યારે તેમણે પણ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે “વેક્સિનેશનથી કોઈપણ પ્રકારની આડઅસર નથી, મને આ વેક્સીન આપ્યા બાદ 30 મિનિટ તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો હતો, અને અન્ય 28 દિવસ બાદ બીજા ડોઝ માટે સલાહ આપવામાં આવી છે. ત્યારે હું તમામ લોકોને અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવા અને આ વેક્સીન લેવાની સલાહ આપું છું.”