સુરત: શહેરમાં વેક્સિનેશનનો પ્રારંભ શરૂ થયો હતો. પરંતુ પ્રથમ દિવસે જ સામાન્ય ટેક્નિકલ ભૂલ આવતાં શરૂઆતના તબક્કામાં કર્મચારીઓમાં ગણગણાટ શરૂ થઇ ગયો હતો. આધારકાર્ડનો આગ્રહ રાખતી સરકાર વેક્સિનેશનના સોફ્ટવેરમાં આધારકાર્ડનો વિકલ્પ જ રાખવાનું ભૂલી ગઇ હતી. જેના કારણે જે ફ્રન્ટલાઇન વોરિયર્સ વેક્સિન લેતા હતા, તેમણે આધારકાર્ડની જગ્યાએ અન્ય ઓળખપત્ર રજૂ કરી વેક્સિનેશન ડિટેઇલમાં રેકોર્ડ રાખવામાં આવ્યો હતો.
કેન્દ્ર સરકાર દ્વારા શરૂઆતમાં જ દેશભરમાં 3 કરોડ લોકોને વેક્સિન આપવાનું આયોજન
કોરોના વેક્સિનેશનમાં કેન્દ્ર સરકારે તમામ લોકોને સૌપ્રથમ ફ્રીમાં વેક્સિન આપવાનું નક્કી કર્યું હતું. શરૂઆતમાં દેશભરમાં 3 કરોડ લોકોને વેક્સિન આપવાનું આયોજન છે. આ તમામ લોકોના રેકોર્ડ સરકાર પાસે રહે એ માટે એક સિસ્ટમ ડેવલપ કરવામાં આવી હતી. આ સિસ્ટમ પ્રમાણે કેન્દ્ર અને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે એક સોફ્ટવેર તૈયાર કર્યું હતું, જેમાં જે લોકો વેક્સિન લેવાની સંમતિ દર્શાવે છે તેઓનાં નામ-સરનામાં અને મોબાઇલ નંબરનો રેકોર્ડ રહે છે.
લોકોએ મેસેજ બતાવ્યા બાદ જ વેક્સિનેશન રૂમમાં જવાનું હોય છે.
મોબાઇલ નંબર રજિસ્ટર્ડ કરતાની સાથે જ વેક્સિન લેનારની તમામ ડિટેઇલ સ્ક્રીન ઉપર આવી જાય છે. જે લોકોના મોબાઇલમાં વેક્સિનનો મેસેજ આવ્યો હોય એ લોકોએ મેસેજ બતાવ્યા બાદ જ વેક્સિનેશન રૂમમાં જવાનું હોય છે. આ માટે કમ્પ્યૂટરમાંથી પોતાને રેકોર્ડ કાર્ડ કાઢી ત્યારબાદ વેક્સિન લેવાની હોય છે. પરંતુ વેક્સિન લીધી છે કે પછી લેવાની છે. ત્યારબાદ પોતાનું ઓળખકાર્ડ રજૂ કરી આરોગ્ય વિભાગની ટ્રેકિંગ સિસ્ટમમાં એડ વેક્સિનેશન ડિટેઇલ્સનું એક ઓપ્સન આવતું હતું.
આધારકાર્ડ નહીં આવતાં ચૂંટણીકાર્ડ આપીને વેક્સિનેશન કરાવાયું
આ ઓપ્શનમાં વેક્સિનેશનની તારીખ ત્યારબાદ ડોક્યુમેન્ટનો પ્રકાર આવતો હતો. પરંતુ અહીં આધારકાર્ડ રાખવામાં આવ્યો જ ન હતો. શરૂઆતના જે ડોક્ટરોએ વેક્સિન લીધી હતી તેમણે પોતાનું આધારકાર્ડ આપ્યું હતું. પરંતુ આધારકાર્ડ નહીં આવતાં બાદમાં ચૂંટણીકાર્ડ આપીને વેક્સિનેશન એડ કરાવાયું હતું.
આ પ્રોસેસ પૂરી કરતાની સાથે જ ડિસ્પ્લે ઉપર વેક્સિનેશન અપાઇ ગઇ છે તેવો મેસેજ આવી જતો હતો. જો કે, પ્રથમ દિવસે જ ટ્રેકિંગ સિસ્ટમમાં સામાન્ય ટેક્નિકલ ભૂલ આવી હતી. પરંતુ તે વાતનું ધ્યાન આવતાં જ તેને સુધારી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.