સુરત: (Surat) શહેરમાં રસીકરણ (Vaccination) અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. પ્રથમ તબક્કામાં મનપા દ્વારા ખાનગી તેમજ સરકારી હેલ્થ વર્કરોને વેક્સિન આપવામાં આવી રહી છે. શહેરમાં કુલ 36,000 કરતા પણ વધુ હેલ્થ વર્કરો નોંધાયા છે. જેઓને હાલમાં વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારે હવે સુરત શહેરનાં ઉચ્ચ અધિકારીઓ પણ વેક્સિન લઈ શહેરવાસીઓને વેક્સિન લેવા માટે પ્રેરણા આપી છે.
આજે સવારે સુરત મહાનગરપાલિકાના કમિશ્નર બંછાનિધી પાની, સુરત જિલ્લા કલેક્ટર ડો. ધવલ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી અને સુરત શહેર પોલીસ કમિશ્નર અજય તોમર સહિતના મોટા અધિકારીઓએ વેક્સિનનો ડોઝ લીધો હતો.
વેક્સિન લીધા બાદ સુરત જિલ્લા કલેક્ટર ડો. ધવલ પટેલે ગુજરાતમિત્રના પત્રકાર સાથે વાતચીત કરતાં કહ્યું કે, વેક્સિન સંપૂર્ણ રોગપ્રતિકારક અને અસરકારક છે જેની કોઇ ખાસ આડઅસર નથી. આજે મે અને જિલ્લા વિકાસ અધિકારીએ સાથે વેક્સિન લીધી છે અને સુરતના તમામ લોકોને પોતાનો વારો આવે તો તેમને વેક્સિન લેવી જ જોઇએ.
એ જ રીતે સુરત મહાનગરપાલિકાના કમિશ્નર બંછાનિધી પાનીએ પણ વેક્સિન લેવા માટે શહેરીજનોને આગળ આવવાં અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, મે હમણાં જ વેક્સિનનો ડોઝ લીધો છે અને તે સંપૂર્ણ સ્વસ્થ છે. વેક્સિનની કોઇ આડઅસર નથી અને તે સંપૂર્ણ રોગપ્રતિકારક છે. કમિશ્નર બંછાનિધી પાનીએ એસએસીના તમામ આરોગ્ય કર્મચારીઓને પોતાનો વારો આવવાં પર રસી લેવા માટે કહ્યું છે.