સુરત: સુરત (Surat)ના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ (Lalbhai contractor stadium), પીઠાવાલા સ્ટેડિયમ અને ખોલવડ જીમખાના ખાતે બી.સી.સી.આઈ (BCCI) વિમેન્સ અંડર-૧૯ (under 19 women) એલાઈટ-ડી ગ્રુપની ૧૫ મેચો ૨૮ મી સપ્ટેમ્બરથી પ્રારંભ થશે.
સુરતના આંગણે સુરત ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોસીએશન (SDCA)ના નેજા હેઠળ બી.સી.સી.આઈ. આયોજીત અને ગુજરાત ક્રિકેટ એસોસીએશન (GCA)ના સીધા માર્ગદર્શન હેઠળ ઉતરાખંડ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, ચંદીગઢ, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર એમ ૬ રાજયોની ટીમો વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે. મેચનો સમય સવારે ૯ થી ૫ સુધીનો રહેશે. વિમેન્સ અંડર-૧૯ એલાઈટ-ડી ટુનૉમેન્ટ ગ્રુપની ૧૫ મેચોનું આયોજન તારીખ ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૧ થી ૪ ઓકટોબર, ૨૦૨૧ દરમ્યાન સુરતના સુંદર અને રળિયામણા લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ, પીઠાવાલા સ્ટેડિયમ અને ખોલવડ જીમખાના પર કરવામાં આવ્યું છે.
બી.સી.સી.આઈએ તમામ ટીમોને જુદાજુદા ૮ ગ્રુપોમાં વિભાજીત કરી છે. ડી – ગ્રુપની તમામ લીગ મેચો સુરત ખાતે રમાનાર છે. ગ્રુપની મોખરાની બે ટીમ નોકઆઉટ માટે કવોલીફાય થશે. કોવિડ –૧૯ ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ ટીમો અને મેચ ઓફીશીયલ એરપોટૅથી સીધા હોટલ પર બાયો-બબલમાં કવોરન્ટાઇન થઇ છે. દરેક ખેલાડી, મેચ ઓફીશીયલ, વીડીયો એનાલિસ્ટનો કોવિડ આરટીપીસીઆર ટેસ્ટ ત્રણ વખત કરવામાં આવ્યો હતો. દરેક ટીમો બાયો બબલમાંથી તારીખ ર૬મી સપ્ટેમ્બરએ સવારે બહાર આવીને નેટ પ્રેકટીસ અને જીમ શેશન કર્યું હતું. ગુજરાતમાં પહોંચતા ચક્રવાતી તોફાન અને ભારી વરસાદને કારણે શરુઆતની મેચો મોડી શરુ થવાની સંભાવના દેખાઇ રહી છે.
બીસીસીઆઇ અને ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ ‘પ્રેક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે નહી. એસ.ડી.સી.એ.ના પ્રમુખ હેમંત કોન્ટ્રાકટર, મેન્ટર કનૈયાભાઇ કોન્ટ્રાકટર, સિનીયર ઉપપ્રમુખ નરેન્દ્ર પટેલ, જુનીયર ઉપપ્રમુખ એસ. એ. રાવલ, મંત્રી હિતેશ પટેલ (ભરથાણા), ખજાનચી સી.એ. મયંક દેસાઈ, ક્રિકેટ સેક્રેટરી ડો. નૈમેષ દેસાઇ તેમજ મેનેજીંગ કમિટી સભ્યો અને ક્રિકેટ કમિટી સભ્યો મુકેશ દલાલ, રમેશ શાહ, મિતુલ શાહ, દીપ શાહ, સંજય પટેલ, કિશોર પટેલ તેમજ પીઠાવાલા સ્ટેડિયમ અને ખોલવડ જીમખાના ગ્રાઉન્ડ સંચાલક બિરેન પીઠાવાલા, ઐયુબ કારા આ ટુર્નામેન્ટના સફળ આયોજન માટે ભારે જહેમત કરી રહ્યા છે.