SURAT

સુરતની જરી વિશ્વમાં મેઇડ ઇન ચાઇના નામે વેચાય છે

સુરત: ભારત સરકારના ટેક્સટાઇલ મંત્રાલયની ટેકસટાઇલ કમિટી, હેન્ડીક્રાફટ ડેવલપમેન્ટ કોર્પોરેશન, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ધી સુરત જરી મેન્યુફેકચરર્સ એસોસિએશનના સંયુકત ઉપક્રમે સુરત ખાતે ‘આઇપીઆર પ્રોટેકશન ઓફ યુનિક ટેકસટાઇલ્સ એન્ડ હેન્ડીક્રાફટેડ પ્રોડકટ્‌સ થ્રુ જીઆઇ એન્ડ પોસ્ટ જીઆઇ ઇનિશેટિવ્સ’ વિષયના વર્કશોપને સંબોધતા ટેક્સટાઇલ રાજયમંત્રી દર્શના જરદોશે જણાવ્યું હતું કે, જરી ઉદ્યોગકારોએ નવી મશીનરી, નવી ટેકનોલોજી, નવી ડિઝાઇનો, જરી આર્ટિસ્ટની સ્કીલ અપગ્રેડેશન સાથે ઓનલાઇન માર્કેટિંગ ચેનલનો ઉપયોગ કરી વિશ્વભરમાં બ્રાન્ડ ડેવલપ કરવી જોઇએ. ચેમ્બર અને જરી એસોસિએશન તેમના તમામ કાર્યક્રમોમાં જીઆઇ પ્રોડકટ વિશે માહિતી લોકોને આપવી જોઈએ.

  • ઉદ્યોગકારોએ જીઆઇ ટેગનો ઉપયોગ કરી માર્કેટિંગ કરવાનું યુવા પેઢીને શીખવવું પડશે : દર્શનાબેન જરદોશ
  • ચેમ્બર દ્વારા વૈશ્વિક કક્ષાએ જરીનું માર્કેટિંગ કરાશે :આશીષ ગુજરાતી
  • ચાઇના સુરતની જરી કલકત્તાથી ખરીદી તેનો ટેગ લગાડી યુરોપમાં વેચે છે : અજિત ચવાણ

સુરતમાં અલગ અલગ પ્રકારની જરીની પ્રોડકટ બને છે. જરી બનાવવા માટે ઘણી મહેનત લાગે છે અને એની ફાઇનલ પ્રોડકટ પણ ખૂબ જ મોંઘી હોય છે. તામિલનાડુ અને વારાણસીમાં જવાનું થાય છે ત્યારે ત્યાં ખબર પડે છે કે અહીં સુરતની જરી આવે છે.  જરી ઉદ્યોગને ડેવલપ કરવો પડશે. જેમ કાશ્મીરમાં નવી પેઢીને કાશ્મીરી શાલ બનાવવાનું શીખવાડવામાં આવ્યું છે તેમ સુરતમાં પણ જરી ઉદ્યોગકારોએ તેમની યુવા પેઢીએ જીઆઇ ટેગનો ઉપયોગ કરીને માર્કેટિંગ કરવાનું છે અને જરીની પ્રોડકટ બનાવવાનું શીખવવું પડશે. આ યુવા પેઢીએ જરી ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરવાનો છે અને પ્રોડકટમાં વેલ્યુ એડિશન કરવાની છે.

સુરત જરીના નામે દેશમાં અથવા વિદેશમાં કોઇ કોપી કે, ઇમિટેશન નહીં કરી શકે: અજિત ચવાણ
ટેકસટાઇલ કમિટીના સેક્રેટરી અજિત બી. ચવાણે જરીના ઉદ્યોગકારોને જરી ઉદ્યોગ માટે  વિસ્તૃત માહિતી આપતાં જણાવ્યું હતું કે, જીઆઇ સર્ટિફિકેશન આપવાનો હેતુ એ છે કે, સુરત જરીના નામે દેશમાં અથવા વિદેશમાં કોઇ કોપી કે, ઇમિટેશન નહીં કરી શકે. જીઆઇ અંતર્ગત 417 પ્રોડકટ રજિસ્ટર્ડ કરવામાં આવી છે. એમાંથી 231 યુનિક ટેકસટાઇલની પ્રોડકટ છે. ટેકસટાઇલ કમિટીએ 69 પ્રોડકટને રજિસ્ટર્ડ કરવા માટે મહત્વનું યોગદાન આપ્યું છે અને અન્ય 49 જેટલા ક્રાફટને આઇડેન્ટીફાય કર્યા છે તથા આગામી દોઢ વર્ષમાં તેમના પ્રોડયુસર અને વિવર્સને પણ પ્રોટેકશન આપી શકાશે.

જરીનો ઉપયોગ ઘણા વર્ષો પહેલાથી થાય છે: આશીષ ગુજરાતી
ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતી જણાવ્યું હતું કે, જરીનો ઉપયોગ ઘણા વર્ષો પહેલાથી થાય છે પણ જરીને જીઆઇ સર્ટિફિકેટ મળે એટલે પ્રોડકટની વેલ્યુ વધી જશે. ચેમ્બર દ્વારા વૈશ્વિક કક્ષાએ આ બાબતે માર્કેટિંગ કરવામાં આવશે. ફ્રાન્સ પછી આપણો બીજો નંબર આવે છે ત્યારે એના માટે કેપિટલાઇઝેશન કરવું જોઇએ. તેમણે વધુમાં કહ્યું હતું કે, તેઓ યુરોપમાં હતા ત્યારે ધ્યાનમાં આવ્યું હતું કે, ત્યાના બજારોમાં મેઇડ ઇન ચાઇનાના નામે જે જરી વેચાઇ છે તે ખરેખર તો સુરતમાં બનેલી છે. ચાઇના સુરતની જરી કલકત્તાથી મંગાવે છે અને તેના નામે વેચે છે. જો જીઆઇ ટેગનો ઉપયોગ કરવામાં આવે તો આવી પરિસ્થિતથી બચી શકાય છે.

જરીના ૧૮ ઉદ્યોગકારોને જીઆઇ સર્ટિફિકેટ અપાયા
આ વર્કશોપમાં કેન્દ્રીય ટેકસટાઇલ્ રાજય મંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે જરીના ૧૮ ઉદ્યોગકારોને જીઆઇ સર્ટિફિકેટ આપવામાં આવ્યાં હતાં. ટેકસટાઇલ કમિટી દ્વારા વર્ષ 2010 થી જ સુરત જરીના જીઆઇ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તે સંદર્ભે આજે નવા 18 ઓથોરાઇઝ યુઝર્સનો ઉમેરો કરવામાં આવ્યો હતો. ચેમ્બરના ગૃપ ચેરમેન બિજલ જરીવાલા અને સુરત જરી મેન્યુફેકચરર્સ એસોસિએશનના પ્રમુખ નવીન જરીવાલાએ વર્કશોપનું સંચાલન કર્યુ હતું.આ વર્કશોપમાં ધારાસભ્ય અરવિંદ રાણા ઉપસ્થિત રહ્યાં હતા.

જરીની પ્રોડકટ માટે યુરોપ તથા અમેરિકાના ડેવલપ માર્કેટમાં રિસર્ચ કરવાની જરૂર
સીએમએઆઇના ચીફ મેન્ટર રાહુલ મહેતાએ જણાવ્યું હતું કે, જરી ઉદ્યોગકારોએ બદલાવ લાવવો પડશે. ઘણા લોકો પ્રોડકટ ઉપર રિસર્ચ કરે છે પણ માર્કેટ અંગે પણ રિસર્ચ કરવું પડશે. માર્કેટ સ્ટડી કરીને કસ્ટમર અને પ્રોડકટ વિશે રિસર્ચ કરી આગળ વધવું પડશે. ડિઝાઇનર બેલા સંઘવીએ જણાવ્યું હતું કે, જરીની સાડીઓ તથા અન્ય પ્રોડકટ બનાવવાની જૂની પદ્ધતિ આજની નવી પદ્ધતિ કરતા ઘણી સારી હતી. આથી યુવા પેઢીએ એના ઉપર ફોકસ કરવો જોઇએ. આ ઉપરાંત જરીની પ્રોડકટ માટે યુરોપ તથા અમેરિકાના ડેવલપ માર્કેટમાં રિસર્ચ કરવાની જરૂર છે. સાથે જ વિશ્વમાં પ્લાસ્ટીક જરીની પ્રોડકટની માંગ વધી ત્યારે આ અંગે રિસર્ચ કરવાની તેમજ આ પ્રોડકટને ઓરિજીનલ જરીમાં કઇ રીતે કન્વર્ટ કરી શકાય તે દિશામાં રિસર્ચ કરવાની જરૂર છે.

Most Popular

To Top