સુરત: રાજય સરકારે ધોરણ-1થી 9માં માસ પ્રમોશન જાહેર કરતાં સાથે આજે ડીઇઓએ સુરત શહેરની ગ્રાન્ટેડ શાળા 1200 શિક્ષકોને કોવિડ ડયુટી સોંપવા યાદી મનપાને મોકલી આપતા કચવાટ શરૂ થયો છે.
કોરોનાને કારણે આ વર્ષે સુરત શહેર સહિત દેશભરમાં એકેડેમિક કેલેન્ડર ખોરવાઇ ગયું છે. ગયું આખું વરસ શાળા ચાલુ નથી થઇ અને હાલ કોરોનાની બેકાબુ સ્થિતિને લઇને આ વર્ષે પણ પરીક્ષા લેવી અઘરી બની છે. રાજય સરકારે આજે સવારે શાળાના શિક્ષકો વાલીઓ અને વિદ્યાર્થીઓની મુંઝવણ દૂર કરી માસ પ્રમોશન જાહેર કર્યું હતું. માસ પ્રમોશન સાથે શિક્ષકોને રાહત થઇ હતી. પરંતુ આ રાહત અલ્પજીવી નિવડી છે. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ મનપાને 1200 શિક્ષકોની યાદી મોકલી આપી છે. શહેરની તમામ સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલ્સના ટીચર્સના નામો મનપા કમિશનરને મોકલી હવે કોવિડ ડયુટી સોંપી દેવામાં આવી છે.
ડીઇઓએ પરિપત્રમાં જણાવ્યું હતું કે કોરોના દરમિયાન મનપાની ધન્વંતરી રથ, વેક્સિનેશન, માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન, સર્વેલન્સ અને બેરિકેડિંગ જેવી કામગીરી માટે ગ્રાન્ટેડ સ્કૂલ્સના ટીચરને જોડી દેવાશે.
સ્મશાનને મડદા ગણવાથી માંડી એકપણ કામગીરીથી શિક્ષકોને દૂર ન રખાયા: શહેરના શિક્ષકોની હાલત સરકારે નબળા ધણી જેવી કરી નાંખી છે. સ્કૂલ્સના ટીચર્સને વસ્તી ગણતરી, પોલીયો ડયુટી, ચૂંટણી કામગીરી સહિત હવે કોરોનાની કામગીરીમાં પણ જોડી દેવાયા છે. આ વર્ષે શિક્ષકોને સ્મશાનમાં મડદા ગણવા પણ મોકલાયા હતા. પરંતુ ઉહાપોહ મચતા આખરે આ આદેશ ફેરવી નાંખવામાં આવ્યો હતો. હવે શિક્ષકોને કોવિડ ડયુટી અલોટ કરાશે.
અત્યાર સુધી પાંચ શિક્ષકોના મોત અને બસ્સોથી વધુ સંક્રમિત થયા : શિક્ષણ સૂત્રોનું માનીએ તો અત્યાર સુધી કોરોનાને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના 5 શિક્ષકોના મોત નિપજયા હતા. અને બસ્સોથી વધુ શિક્ષકો સંક્રમિત થયા છે તેવા સંજોગોમાં ફરી કોવિડ ડયુટી સોંપી દેવાતા ઘેરા પ્રત્યાઘાત પડયા છે.