Gujarat

૨૬ ડિસેમ્બરે રાજ્યકક્ષાનો ‘નદી ઉત્સવ’ સુરતમાં તાપી નદી કિનારે યોજાશે

રાજય સરકાર દ્વ્રારા આગામી તા.10મી જાન્યુઆરી 2022થી વાઈબ્રન્ટ સમિટનું (Vibrant Samit) આયોજન કરાયું છે, તે હાલની તૈયારીઓ મુજબ ચાલુ રહેશે, તેમ કેબિનેટ પ્રવકત્તા જીતુ વાઘાણીએ (Jitu Waghani) કહ્યું હતું . રાજયમાં કોરોના વાઈરસના નવા વેરિઅન્ટ એવા ઓમીક્રોનના (Omicron) 14 કેસો નોંધાયા છે ત્યારે વાઈબ્રન્ટ સમિટ યોજાશે કે કેમ તે મુદ્દે ગાંધીનગરમાં અટકળો ચાલી રહી છે. તેઓએ જણાવ્યુ કે આગામી તા.10મી જાન્યુ.ના રોજ પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે આ સમિટનું ઉદ્ધાટન થશે.

કેબિનેટમાં લેવાયેલા નિર્ણય અંગે વાઘાણીએ કહ્યું હતું કે, ભારતરત્ન અને પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી બાજપેયીના જન્મદિવસ તા. ૨૫ ડિસેમ્બરને ‘ગૂડ ગવર્નન્સ-સુશાસન દિવસ’ તરીકે પ્રતિ વર્ષ ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં આગામી તા. ૨૬ થી ૩૧ ડિસેમ્બર સુધી વિવિધ વિભાગો દ્વારા ‘સુશાસન સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવશે. જ્યારે તા. ૨૬ થી ૩૦ ડિસેમ્બર દરમિયાન લોકમાતા નદીને સન્માન આપવા ‘નદી ઉત્સવ’ મનાવાશે. તેમણે કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં તા. ૨૫ ડિસેમ્બરે રાજ્યકક્ષાનો સુશાસન દિવસ, સ્વર્ણિમ સંકુલ-૧, ગાંધીનગર ખાતે ઉજવાશે. જેમાં નવીન સ્વાગતકક્ષનો પ્રારંભ, eSarkar (IWDMS 2.0)નો શુભારંભ, વિવિધ વિભાગોની નવી નીતિ-પોલિસી જાહેર કરાશે તેમજ વિવિધ વિભાગોની મોબાઈલ એપનો શુભારંભ કરાશે. આ ઉપરાંત રાજ્યમાં વિવિધ સ્થળોએ શહેરી વિકાસ-શહેરી ગૃહ નિર્માણ વિભાગ, આરોગ્ય-પરિવાર કલ્યાણ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, કૃષિ-પશુપાલન અને ગ્રામ વિકાસ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, આદિજાતિ વિકાસ વિભાગ, શ્રમ-રોજગાર અને કૌશલ્ય વિભાગના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સહિતના પ્રજાલક્ષી કાર્યક્રમો તેમજ તા. ૩૧ ડિસેમ્બરે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે રાજ્યકક્ષાનો સમાપન સમારોહ યોજાશે.

પ્રવકતા મંત્રીએ નદી ઉત્સવની વિગતો આપતાં કહ્યું હતુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં તા. ૨૬ ડિસેમ્બરે રાજ્યકક્ષાનો ‘નદી ઉત્સવ’ સુરતમાં તાપી નદીના કિનારે યોજાશે. આ ઉપરાંત નર્મદા નદી કિનારે ભરૂચ અને ગરુડેશ્વર ખાતે વિવિધ કાર્યક્રમો યોજાશે. જયારે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સાબરમતી નદી અમદાવાદ ખાતે મહાઆરતી કરીને નદી ઉત્સવનું સમાપન યોજાશે. રાજ્યમાં યોજાનારા આ નદી ઉત્સવમાં તાપી, નર્મદા અને સાબરમતી નદી ખાતે આરતી, મેરેથોન, સંવાદ અને સફાઈ સહિતના વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે.તેમણે ઉમેર્યુ કે, રાજ્યના નાગરિકોને જનસુખાકારીના લાભો મળે એ માટે રાજ્ય સરકારે સધન આયોજન કર્યુ છે.

તાજેતરમાં ગ્રામ્યસ્તરે યોજાયેલ આત્મનિર્ભર ગ્રામ યાત્રા દરમિયાન ૧,૨૪,૮૦૭.૫૭ લાખના ૪૦,૨૦૭ વિકાસ કામોના ખાતમુહૂર્ત, રૂા.૪૪૭૫ લાખના ૩૨ કામોના ભૂમિપૂજન તથા રૂા.૫૨,૩૮૯.૨૨ લાખના ૨૩,૦૦૮ વિકાસ કામોના લોકાર્પણ કરાયા છે અને રૂા.૧૬,૭૫૪.૭૫ લાખની વ્યક્તિગત સહાય ૧,૯૨,૫૭૩ લાભાર્થીઓને ચૂકવાઇ છે. આ ઉપરાંત સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત રાજ્યભરમાં મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ અંદાજે રૂા.૫૨૮ કરોડના ૪,૬૮૧ વિકાસ કામોના ખાતમુહૂર્ત તથા રૂા.૨૨૨ કરોડના ૪,૯૩૨ વિકાસ કામોના લોકાર્પણ કાર્યક્રમો યોજાશે.

Most Popular

To Top