સુરત: કેન્સરની સારવાર લીધા બાદ વાળ ખરી જવા સહિતની તકલીફ ધરાવતા દર્દીઓને વિગ મળી રહે એ માટે ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીએ બે અઢી વર્ષ સુધી વાળ લાંબા કરી કેન્સર પેશન્ટની હેર ટ્રીટમેન્ટ કરતા ટ્રસ્ટને દાન કર્યા હતા. સોશિયલ મિડીયા ઉપર મોટિવેશનલ વિડીયો જોયા બાદ વિદ્યાર્થીને વિચાર આવ્યો હતો અને તેણે વાળને 13થી 14 ઇંચ જેટલા વધાર્યા હતા.
- ધ્રુવ ડબકાવાળાને સોશિયલ મીડિયા ઉપર વિડીયો જોઈ પ્રેરણા મળી હતી
- કેન્સરના દર્દીઓની હેર ટ્રીટમેન્ટ કરતા શીતકલ્પ ટ્રસ્ટને વાળનું દાન અપાયું
- દાન કરવા વાળને 13થી 14 ઇંચ જેટલા વધાર્યા હતા
શહેરના પરવટ પાટિયા વિસ્તારમાં રહેતા અંકુર ડબકાવાલાનો પુત્ર ધ્રુવ ડબકાવાલા ધોરણ-12 સાયન્સ પી.પી.સવાણી અબ્રામા ખાતે અભ્યાસ કરે છે. ધ્રુવે સોશિયલ મિડીયા ઉપર કેન્સરના દર્દીઓને હેર ડોનેટ કરાતા હોવાનો વિડીયો જોયો હતો. આ વિડીયોથી પ્રોત્સાહિત થઇ ધ્રુવે પણ કેન્સરના દર્દીઓને વાળ આપવાનું નક્કી કર્યું હતું અને 2020થી વાળ લાંબા કરવાનું શરૂ કર્યું હતું. તાજેતરમાં જ 13થી 14 ઇંચ જેટલા લાંબાવાળા ધ્રુવે અડાજણના શીતકલ્પ ચેરિટેબલ ટ્રસ્ટને કેન્સરના દર્દીઓ માટે ડોનેટ કર્યા છે.
હેર ડોનેશનથી વિગ બનાવી દર્દીને આપવામાં આવે છે
શીતકલ્પ ટ્રસ્ટના કલ્પેશ શાહે જણાવ્યું હતું કે, તેમનું ટ્રસ્ટ વાળનું દાન સ્વીકારે છે. આ વાળની વિગ બનાવીને કેન્સરના દર્દીઓને આપવામાં આવે છે. તેમજ કિમોથેરાપી લીધા બાદ જે દર્દીના વાળ ખરી ગયા હોય તેવા દર્દીને કલ્પેશ શાહ અને શીતલ શાહ બ્યુટીપાર્લરમાં હેર ટ્રીટમેન્ટ આપે છે. આમળા, સિકાકાઇ, પ્રોટીન, એલોવેરા, દૂધીનું તેલ સહિત અલગ-અલગ નેચરલ વસ્તુઓથી બનેલી રાડનો પણ દર્દીઓની હેર ટ્રીટમેન્ટમાં ઉપયોગ કરાય છે. એક દર્દીની ચારથી પાંચ મહિના સુધી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. ગરીબ દર્દીઓને નિ:શુલ્ક ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. હેર ડોનેશન સ્વીકાર્યા બાદ તેની ઉપર પ્રોસેસ કરીને વિગ બનાવી જરૂરિયાતમંદ દર્દીને આપવામાં આવે છે.