SURAT

પાલિકાની ખજોદ ડિસ્પોઝલ સાઇટનો ઘનકચરો સુવાલીમાં ડમ્પ નહીં થાય : 9 ગામોના સરપંચોનો ઠરાવ

સુરત: ખજોદ ડ્રીમસિટી પ્રોજેક્ટ (Khajod dream city project)માં આવેલા સુરત ડાયમંડ બુર્સ (Surat diamond burs)ને નડતરરૂપ પાલિકાની ખજોદ ડિસ્પોઝલ સાઇટ (Khajod disposal site)નો ઘનકચરો (Solid waste) હજીરાના સુવાલી (Suvali)માં ડમ્પ કરવાની દરખાસ્તના વિરોધમાં સોમવારે હાડા વિસ્તાર એક્શન કમિટિ અને કોર કમિટિની બેઠક (Core committee) યોજાઇ હતી. આ બેઠકમાં હાડા વિસ્તારના 9 ગામોના સરપંચો સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કોઇ પણ સંજોગોમાં પાલિકાને ખજોદનો કચરો સુવાલીમાં ઠાલવવા નહીં દેવા સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો.

સોમવારે યોજાયેલી બેઠકમાં હાડા વિસ્તારના ગામોના સરપંચો, ઉપસરપંચો, પંચાયતના સભ્યો, તાલુકા અને જિલ્લા પંચાયતના વર્તમાન અને માજી સભ્યોએ બેઠક યોજી એક સુરે વિરોધ નોંધાવ્યો હતો તથા આગામી ગુરૂવારે સુરતના કલેક્ટર, પાલિકા કમિશનર અને જિલ્લા પંચાયતના ડીડીઓને આવેદનપત્ર આપવાનું નક્કી કરાયુ છે. તે ઉપરાંત ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય, પ્રદેશ પ્રમુખ અને નવસારી લોકસભાના સાંસદ સીઆર પાટીલને આવેદનપત્ર આપવામાં આવશે. આજે હાડા વિસ્તારના ગામો સુવાલી, શિવરામપુર(જૂનાગામ), રાજગરી, મોરા, ભટલાઇ, વાંસવા, દામકા, કવાસ અને હજીરા ગામના સરપંચ, ઉપસરપંચ, માજી સરપંચ, ઉપ સરપંચો, તાલુકા અને જિલ્લા પંચાયતના વર્તમાન અને માજી ચૂંટાયેલા સભ્યો, સહકારી આગેવાનો, ખેડૂત આગેવાનો, નિવૃત અધિકારીઓ સહિતના આગેવાનોએ મુખ્યમંત્રીને ઠરાવની નકલ મોકલાવી ખજોદનો કચરો સુવાલી ટુરિઝ્મ બીચ વિસ્તારમાં ઠાલવવા સામે વિરોધ નોંધાવ્યો છે. સાથે સાથે હાડા વિસ્તાર એક્શન કમિટિ અને હાડા વિસ્તાર કોર કમિટિ ગ્રામીણોના આરોગ્ય, પશુપાલન અને માછીમારીને બચાવવા વ્યાપર આંદોલન છેડશે તેવી ચેતવણી આપી હતી.

આગેવાનોએ જિલ્લા ભાજપ પ્રમુખ અને સુમુલના ડિરેક્ટર સંદીપ દેસાઇને આવેદનપત્ર આપી આ નિર્ણય બદલાવવા માંગ કરી છે. હાડા વિસ્તારના ગામો સુમુલ અને ચોર્યાસી ડેરીમાં દૂધ ભરી તથા પશુપાલનનો વ્યવસાય કરી રોજગારી મેળવે છે. કચરો નાખવાથી ગ્રામિણો રોજગારી ગુમાવશે. સુંવાલીમાં યોજાયેલી બેઠકમાં આ વિસ્તારના આગેવાનો બાબુભાઇ આહિર, ભગુભાઇ પટેલ( જૂનાગામ) ભગુભાઇ કે પટેલ( નિવૃત ટીડીઓ)સહિતના અગ્રણીઓએ બેઠક યોજી હતી. આગેવાનોનું કહેવુ છે કે 2019-20ના રાજ્ય સરકારના બજેટમાં સુંવાલી બિચ વિકસાવવા જોગવાઇ કરવામાં આવી હતી. તે હેઠળ કરોડોના ખર્ચે રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. ઘનકચરાનો નિકાલ અહીં થશે તો કયા પ્રવાસીઓ સુંવાલી બીચ પર આવશે? પાલિકાએ ખજોદ સાઇટનો કચરો સુંવાલીના દરિયા કિનારે ખેડૂતો અને પશુપાલકો માટે 1948માં નવસાધ્ય કરેલી સુંવાલીની સર્વે નંબર 76 અને 176 વાળી જમીન પર ઠાલવવા દરખાસ્ત લાવવામાં આવતા હજીરા એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી( હાડા) હેઠળના ગામો અને ખેડૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

હજીરામાં સોલિડ વેસ્ટ ડમ્પ કરવા સામે કોર્પોરેટ કંપનીઓ પણ નારાજ

હાડા વિસ્તારના સુવાલીમાં પાલિકાની ખજોદ વેસ્ટ સાઇટનો કચરો નાખવા સામે હજીરાની કોર્પોરેટ કંપનીઓએ પણ નારાજગી વ્યક્ત કરી છે. હાડા વિસ્તારના ગામો સાથે રહેવા છુપુ સમર્થન જાહેર કર્યુ છે. ઉદ્યોગ ગૃહોનું કહેવુ છે કે આ વિસ્તારમાં વિદેશી પ્રતિનિધિમંડળોની અવરજવર રહેતી હોય છે. તેવી સ્થિતિમાં હાડા વિસ્તારની ખરાબ છબિ વિદેશમાં જશે. પર્યાવરણને લગતા પ્રશ્નો આ વિસ્તારમાં શંકાની નજરે જોવામાં આવી રહ્યા છે. તેમાં ઉમેરો થશે.

Most Popular

To Top