SURAT

સોશિયલ મીડિયા મજા કે સજા? સુરતમાં ઘટી એવી ઘટનાઓ કે જાણીને તમે પણ સ્તબઘ થઈ જશો

સુરત: ફેસબુક (Facebook), ઇન્સ્ટાગ્રામ (Instagram) સહિતની સોશિયલ મીડિયા (Social Media) સાઈટનો ઉપયોગ જેમ જેમ વધે છે તેમ તેમ લોકોને વધારે સાવધાન રહેવાની જરૂર છે. સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવા અને ફસાવવાના અનેક કેસ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં (Police Station) તથા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે. જેમાં ફેસબુક પર લોન લેવાના ચક્કરમાં રત્નકલાકારે 36 હજાર ગુમાવ્યા હતા. તો એલ એન્ડ ટી કંપનીના કર્મચારીએ ગુગલ ઉપર સર્ચ કરી પત્નીનું બંધ બેંક એકાઉન્ટ (Bank Account) ચાલું કરવાના ચક્કરમાં 1.89 લાખ ગુમાવ્યા હતા. રૂસ્તમપુરામાં રીક્ષા ચાલકના ક્રેડિટ કાર્ડમાંથી 42 હજાર ઉપડી ગયા હતા. તો પ્રધાનમંત્રી વિકાસ યોજના હેઠળ સિલાઈ મશીન કીટના નામે 60 હજારમાં ટેલર સાથે છેતરપિંડી થઈ હતી.

કાપોદ્રામાં રત્નકલાકાર સાથે લોન અપાવવાના બહાને 36 હજારની ઠગાઈ
સુરત: કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મીની બજાર શિવ ઍપાર્ટમેન્ટમાં હિરાના કારખાનામાં હિરામજુરી કરતા 47 વર્ષીય જયેશ ધરમશીભાઈ નાકરાણીએ પાંચ મહિના પહેલા ફેસબુક પર લોનની જાહેરાત જોઈ હતી. જયેશને પૈસાની જરૂર હોવાથી તેણે આપેલા નંબર પર સંપર્ક કર્યો હતો. સામેવાળાએ દિવ્યાંગ પટેલ તરીકે ઓળખ આપી હતી. જયેશે રૂપિયા 5 લાખની લોનની વાત કરી હતી. સામેવાળાએ તેની પાસે 10 લાખ છે તમે 10 લાખની લોન લઈ લો તેમ કહ્યું હતું. 30 ઓક્ટોબરે ઘરે આવી લોનના ડોક્યુમેન્ટ માટે આધારકાર્ડ, પાનકાર્ડ, બે ફોટા સહિતના ડોક્યુમેન્ટ લીધા હતા. ત્યારબાદ લોનના ઍગ્રીમેન્ટ, પ્રોસેસ, સહિત અલગ અલગ બહાને ટુકડે ટુકડે કરી કુલ 36,860 રૂપિયા પડાવી લીધા હતા. આ અંગે કાપોદ્રા પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

રૂસ્તમપુરા ખાતે રીક્ષા ચાલકના ક્રેડિટ કાર્ડમાંથી 42 હજાર ઉપડી ગયા
સુરત : સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રૂસ્તમપુરા પઠાણવાડ અકબર સઈદ ટેકરો ખાતે રહેતા 35 વર્ષીય ઈમરાનખાન જલીલખાન પઠાણ રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તે ઓનલાઈન ખરીદી કરવા માટે ઈન્ડુસીયન બેન્ક અને આઈસીઆઈસીઆઈ બેન્કના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. ગત 12 ફેબ્રુઆરીના સાંજે કોઈ ભેજાબાજે ક્રેડિટ કાર્ડનો ઓટીપી નંબર કોઈક રીતે મેળવી લઈ પેટીઍમ મારફતે રૂપિયા ૪૨,૪૨૦ ઓનલાઈન ટ્રાન્સફર કરી છેતરપિંડી કરી હતી.

‘અહીંયા તો ફાયરીંગ અને મર્ડર પણ થઈ શકે’ તેવી ચેટ કરી યુવતીની સગાઈ તોડવા પ્રયાસ
સુરત: ચોકબજાર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સિંગણપોર કોઝવે રોડ પર રહેતી 22 વર્ષીય રીટાબેન (નામ બદલ્યું છે) ની ગત 20 ફેબ્રુઆરી 2022 ના રોજ પરિવારની હાજરીમાં સગાઈ થઈ હતી. 22 ફેબ્રુઆરીએ તરૂણભાઈની ઇન્સ્ટા આઈડી પરથી યુવતીના મંગેતરને મેસેજ કરાયો હતો કે ‘તારા મિત્રને સમજાવજે કે રીટા સાથે સગાઈ તોડી નાખે, મારે તેની સાથે અફેર છે’. ત્યારબાદ 21 માર્ચે મંગેતરની પિતરાઈ બહેનના ઇન્સ્ટા આઈડી પર મેસેજ કરી તે પોતે રીટાનો બોયફ્રેન્ડ હોવાનું કહ્યું હતું. તથા અહિયા તો ફાયરીંગ અને મર્ડર પણ થઈ શકે તેવી ધમકી આપી હતી. અને રીટાની જાણ બહાર તેના ફોટો પ્રોફાઈલ પિક્ચરમાં અપલોડ કર્યો હતો.

ડભોલીમાં ટેલર સાથે પીએમકેવીવાય યોજના હેઠળ સિલાઈ મશીન કીટના બહાને 60 હજારની ઠગાઈ
સુરત: ડભોલી રોડ સ્વામિનારાયણ મંદિરની સામે મહેતાનગર સોસાયટીમાં રહેતા 36 વર્ષીય દિપકભાઈ જયંતીભાઈ સંચાણીયા ધ ફેશન આર્ટ ઍન્ડ ડિઝાઈનીંગ નામથી ટેલરીંગનું કામ કરે છે. ગત 29 માર્ચે દિપકભાઈને અજાણ્યાઍ ફોન કરી પોતાની ઓળખ નાનપુરા બહુમાળીથી અમીત પટેલ તરીકે આપી હતી. અને પીએમકેવીવાય (પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના) હેઠળ ટેલરીંગ કલાસનો કોર્ષ કરતા વિદ્યાર્થીઓને સિલાઈ મશીન, ઈન્ટરલોક મશીન, દોરા અને કાતરની કીટ વિતરણ કરી રહ્યા હોવાનું કહ્યું હતું. તો તમે અને તમારા સ્ટુડન્ટ લાભ લેવા માંગતા હોય તો રૂપિયા 7500 ઓનલાઈન ભરી દો અને તમારા ઘરના સરનામા ઉપર મશીન મોકલાવી દઈશું. તેમ કહી વિશ્વાસમાં લઈને ક્યુઆર સ્કેન વોટ્સઅપ ઉપર મોકલી આપ્યો હતો. ઠગબાજની વાતોમાં આવીને દિપકે ગુગલ પેથી બેન્ક ઍકાઉન્ટમાંથી રૂપિયા 7500 કુલ 7 વખત ટ્રાન્સફર કર્યા હતા. કુલ 60 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા બાદ ઠગબાજે વોટ્સઅપ ઍકાઉન્ટ ડીલીટ કરી મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો હતો. સિંગણપોર પોલીસે આ અંગે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

પત્નીનું બંધ એકાઉન્ટ શરૂ કરવા ગુગલ પર સર્ચ કરતા ભેજાબાજે 1.89 લાખની પર્સનલ લોન મેળવી લીધી
ડિંડોલી ખાતે શ્રી રેસીડેન્સીમાં રહેતા 39 વર્ષીય પંકજભાઈ ધનજીભાઈ પટેલ એલ એન્ડ ટી કંપનીમાં નોકરી કરે છે. તેમની પત્નીનું આઈસીઆઈસીઆઈ બેંકમાં એકાઉન્ટ છે. જે ઘણા સમયથી બંધ હોવાથી ચાલું કરવા માટે ગુગલ પર નંબર સર્ચ કર્યો હતો. આ નંબર પર સંપર્ક કરતા સામેવાળી વ્યક્તિએ ઘર બેઠા એકાઉન્ટ ચાલું થઈ જશે તેમ કહી તેમના સિનિયર બેંક મેનેજરનો કોલ આવશે તેમ કહ્યું હતું. થોડીવાર પછી એક વ્યક્તિનો ફોન આવ્યો અને તેને એનીડેસ્ક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. ત્યારબાદ ખાતામાંથી પહેલા 7123 રૂપિયા ઉપાડી લીધા હતા. બાદમાં તેને આ પૈસા પરત તેમની પત્નીના ખાતામાં જમા કરાવવાનો વિશ્વાસ અપાવ્યો હતો. જોકે બાદમાં મેસેજ આવ્યો હતો કે તેમની પત્નીના ખાતામાં 1.82 લાખની પર્સનલ લોન કરી સામાવાળાએ પોતે નાણા ઉપાડી લીધા હતા. ડિંડોલી પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી છે.

મંગેતરની મિત્રએ યુવક સાથેના ચેટીંગના સ્ક્રિન શોટ મોકલી આપતા સગાઈ તુટી ગઈ
ગોપીપુરા ખાતે રહેતા 25 વર્ષીય પ્રકાશ (નામ બદલ્યું છે) ડાયમંડ કંપનીમાં નોકરી કરે છે. ગત 29 જાન્યુઆરીએ તે મિત્ર સાથે નાવડી ઓવારા પર બેઠા હતા. ત્યારે તેમના મિત્રએ કોઈ રીદ્ધી જરીવાલા નામની છોકરી સાથે ચેટીંગના સ્ક્રીન શોટ બતાવ્યા હતા. અને આ સ્ક્રીન શોટ પ્રકાશની મંગેતરને મોકલી આપ્યા હોવાનું જણાવ્યું હતું. રીદ્ધી પ્રકાશની મંગેતરની મિત્ર હોવાથી તેણે જ આ મેસેજના સ્ક્રિન શોટ મોકલ્યા હતા. જેને કારણે પ્રકાશની સગાઈ તુટી ગઈ હતી. બાદમાં પ્રકાશે પોલીસમાં તેનું ઇન્સ્ટા હેક થયાની અરજી કરી હતી. જેના આધારે પોલીસે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top