સુરત: દબાણની સમસ્યાને લઈ કોટ વિસ્તારના લોકોનો આક્રોશ હવે સાતમા આસમાને પહોંચી ચૂક્યો છે. કોટ વિસ્તાર એ ગીચ વિસ્તાર છે. તેમાં પણ જાહેર રોડ પર લારી-ગલ્લાવાળાઓનાં દબાણ થતા હોવાથી ટ્રાફિકની (Traffic) સમસ્યા ખૂબ વકરી રહી છે. જેથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. જેને લઈ રવિવારે કોટ વિસ્તારના સ્થાનિકો ધારાસભ્ય અરવિંદ રાણાના ઘરે રજૂઆત કરવા પહોંચ્યા હતા. તો બીજા દિવસે કોટ વિસ્તારના તેમાં પણ ખાસ કરીને વોર્ડ નં.13ના 3 કોર્પોરેટર ગુમ થયાનાં પોસ્ટર્સ (Posters) સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ થયાં હતાં.
છેલ્લા ઘણા દિવસોથી શહેરના રાજમાર્ગ ઉપર દબાણ મુદ્દે હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. મનપાની ટીમ આ વિસ્તારનાં દબાણો દૂર કરવા જતાં દબાણકર્તાઓ અને મનપાની ટીમ વચ્ચે ઝપાઝપી થઈ હતી, જેમાં આ વિસ્તારના સ્થાનિક કોર્પોરેટર સંજય દલાલ પણ હાજર હતા અને તેમના પી.એ.ને ઈજા પણ થઈ હતી. પરંતુ તે સિવાયના 3 કોર્પોરેટર આ મામલે ન દેખાતાં આ ત્રણેય કોર્પોરેટરોના ફોટા સાથેની પોસ્ટ વાયરલ થઈ છે, જેમાં તેઓ ગુમ થયા છે તેવું લખાણ લખાયું છે. વોર્ડ નં.13 (વાડી ફળિયા-નવાપુરા-બેગમપુરા-સલાબતપુરા)નાં રેશમા લાપસીવાળા, મનીષા મહાત્મા, નરેશ રાણાના ફોટા સાથેની પોસ્ટ વાયરલ થઈ હતી. આ મુદ્દે વોર્ડ નં.13ના એક કોર્પોરેટર સંજય દલાલ સ્થાનિકોની પડખે રહ્યા હતા. જેથી તેમનો ફોટો ન હતો. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, ‘‘કોટ વિસ્તારના 3 કોર્પોરેટર ગુમ થયેલ છે, જેને મળે તેઓ તાત્કાલિક આ લોકોને લઈ દબાણો દૂર કરાવા રાજમાર્ગ પર હાજર કરો, હાથ જોડીને વોટ માંગનારાએ હવે જનતા પાસે હાથ જોડાવી રહ્યા છે. લિ. લીમડા ચોક, ઘંટી શેરી, બાલાજી રોડના સ્થાનિક રહેવાસીઓ.’’
કોટ વિસ્તારની દબાણની સમસ્યાઓ અંગે વારંવાર ઝોનમાં, કમિશનરને રજૂઆત કરતા આવ્યા છે. વોર્ડ.13ના 3 કોર્પોરેટર
કોટ વિસ્તારની દબાણની સમસ્યા અંગે હવે સ્થાનિકો ખૂબ જ પરેશાન થયા છે. રવિવારે આ વિસ્તારના લોકો સ્થાનિક ધારાસભ્ય અરવિંદ રાણાને રજૂઆત કરવા પહોંચ્યા હતા. તેમજ હવે સ્થાનિક કોર્પોરેટરોને પણ દબાણ મુદ્દે બાનમાં લેવામાં આવી રહ્યા છે. કોટ વિસ્તારના વોર્ડ નં.13ના 3 કોર્પોરેટર ગુમ થયા હોવાના ફોટા સોશિયલ મીડિયામાં ફરતા થયા હતા. જેના પગલે આ કોર્પોરેટરો પદાધિકારીઓને મળવા પહોંચ્યા હતા. અને આ દબાણની સમસ્યાનો નિવેડો લાવવા સ્થાયી અધ્યક્ષને પણ રજૂઆત કરી હતી. દબાણની સમસ્યા મુદ્દે સ્થાનિક કોર્પોરેટરોનું કહેવું છે કે, મહિધરપુરા, સૈયદપુરા, રાજમાર્ગ, રૂદરપુરા નવો રોડ, રાજશ્રી પાણીની ટાંકી, કાદરશાની નાળ, અર્પણ એપાર્ટમેન્ટ પાસે, ચૌટા બજાર જેવાં સ્થળોનાં દબાણની સમસ્યા છે તે અંગે વારંવાર અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું છે. ઝોન મિટિંગો, વોર્ડ લેવલની મિટિંગોમાં તેમજ મનપા કમિશનરે પણ વારંવાર રજૂઆતો કરવામાં આવી જ છે તેમ કોર્પોરેટરોએ જણાવ્યું હતું.
કોટ વિસ્તારનાં દબાણો દૂર કરવા ફરી લેખિત રજૂઆત કરાઈ
કોટ વિસ્તારની દબાણની વધી રહેલી સમસ્યા અંગે હવે સ્થાનિકો વિફર્યા છે. ત્યારે સોમવારે ફરી વોર્ડ નં.13ના સ્થાનિક કોર્પોરેટર રેશમા લાપસીવાળાએ મનપા કમિશનરને લેખિત રજૂઆત કરી હતી. અગાઉ પણ તેમણે મનપા કમિશનરને આ અંગે રજૂઆત કરી હતી. અને સોમવારે ફરી મનપા કમિશનરને લેખિતમાં રજૂઆત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ વિસ્તાર ખૂબ ગીચ વસતી ધરાવે છે. જાહેર રસ્તા ઉપર દબાણની ફરિયાદો વારંવાર આવે છે. જે અંગે સેન્ટ્રલ ઝોનલી ચીફ તેમજ કાર્યપાલક ઈજનેરને વારંવાર રજૂઆતો કરી છે. આ વિસ્તારોમાં દબાણની સમસ્યાઓ કાયમી દૂર કરવા રજૂઆતમાં તેમણે જણાવ્યું હતું.
અગાઉ વાડી ફળિયાની શેરીઓમાં પણ પોસ્ટર્સ લાગ્યાં હતાં
કોટ વિસ્તારની ઘણી સમસ્યાઓ અંગે નિરાકરણ ન આવતાં સ્થાનિકો ખૂબ રોષે ભરાયા હોવાથી કોર્પોરેટરો પર ભારોભાર આક્રોશ ઠાલવી રહ્યા છે. હાલ વોર્ડ નં.13ના 3 કોર્પોરેટર ગુમ થયા હોવાનાં પોસ્ટર્સ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. તેમજ અગાઉ પણ વાડી ફળિયાની શેરીઓમાં આ કોર્પોરેટરો વિરુદ્ધ બેનર્સ લાગ્યાં હતાં. અને જે-તે સમયે ખૂબ વિવાદ પણ થયો હતો.
કોર્પોરેટર મનીષા મહાત્માની જગ્યાએ તેમના પતિ રજૂઆત કરવા આવતાં ચર્ચાનો વિષય
સુરતના કોટ વિસ્તારમાં વોર્ડ નં.13ના 3 કોર્પોરેટર મનપાની મુખ્ય કચેરીએ પહોંચ્યા હતા. તેઓ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થતાં તેઓ સ્થાયી અધ્યક્ષને તેમજ મનપા કમિશનરને ફરીવાર આ સમસ્યા મુદ્દે રજૂઆત કરવા પહોંચ્યા હતા, જેમાં ત્રણમાંથી બે કોર્પોરેટર મનપાના અધિકારી અને પદાધિકારીઓ રજૂઆત કરવા પહોંચી ગયા હતા. જ્યારે એક મહિલા કોર્પોરેટર મનીષા મહાત્મા પોતે ન આવ્યા, પણ તેમના પતિ રજૂઆત કરવા માટે આવ્યા હતા. જે મનપામાં ચર્ચાનો વિષય બની ગયો હતો. કોર્પોરેટરો નરેશ રાણા, રેશ્મા લાપસીવાલા મનપા કચેરીએ જાતે આવ્યા હતા. જ્યારે મનીષા મહાત્માના બદલે તેમના પતિ રજૂઆત કરવા માટે આવ્યા હતા.
15 દિવસ અગાઉ આ જ 3 કોર્પોરેટર પારિવારિક ટૂર પર જઈ આવ્યા, તે પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો
વોર્ડ નં.13ના 4 કોર્પોરેટર પૈકી 3 જ કોર્પોરેટર વિરુદ્ધમાં પોસ્ટ વાયરલ થતાં વિવિધ ચર્ચાઓએ જોર પકડ્યું હતું, જેમાં પણ હાલ 15 દિવસ અગાઉ જ આ 3 કોર્પોરેટર તેમના પરિવાર સાથે મધ્યપ્રદેશના મનસોર ટૂર પર ગયા હતા. તે પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.