સુરત: વિધાનસભાની ચૂંટણીની (Election) આચારસંહિતા ગમે ત્યારે લાગી જવાની શક્યતા વચ્ચે સુરત મનપાના (SMC) વિકાસ અને પ્રાથમિક સુવિધાનાં કામોની ગતિ યથાવત રહે એ માટે જુદી જુદી કમિટીઓમાં અંદાજો અને ટેન્ડર (Tender) મંજૂરી આપવા ઝુંબેશ ચાલી રહી હોય તેવો માહોલ છે.
- ગુરુવારે મળનારી સ્થાયી સમિતિના એજન્ડા પર 100થી વધુ દરખાસ્ત મુકાઈ, વધારાના કામ પણ મોટી સંખ્યામાં આવશે
- સ્થાયી સમિતિમાં મંજૂરી બાદ તુરંત મળનારી સામાન્ય સભામાં શાસકો આ કામોને લીલી ઝંડી આપી દેશે
- 20મી તારીખે સ્થાયી સમિતિની સાથે સાથે જાહેર બાંધકામ સમિતિ પણ મળનારી છે
- વિધાનસભાની ચૂંટણીનીને પગલે જુદી જુદી કમિટીઓમાં અંદાજો અને ટેન્ડર મંજૂરી આપવા ઝુંબેશ ચાલી રહી હોય તેવો માહોલ
ગુરુવારે મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં એક હજાર કરોડથી વધુનાં કામોને લીલી ઝંડી આપવાનો તખ્તો શાસકો દ્વારા ગોઠવી દેવાયો છે. એટલું જ નહીં સ્થાયી સમિતિ મળ્યા બાદ સાંજે ચાર વાગ્યે ચૂંટણી પહેલાની છેલ્લી સામાન્ય સભા મળશે, તેમાં આ તમામ કામો વધારાનાં કામો તરીકે એજન્ડા પર લઇ ફટાફટ મંજૂરી આપવાનું પ્લાનિંગ પણ કરી દેવાયું છે.
જાહેર બાંધકામ સમિતિમાં એકસાથે 34.58 કરોડના અંદાજો મુકાયા
20મી તારીખે સ્થાયી સમિતિની સાથે સાથે જાહેર બાંધકામ સમિતિ પણ મળનારી છે. તેમાં પણ રૂ.34.58 કરોડનાં વિવિધ કામોના અંદાજોને મંજૂરી માટે મુકાયા છે, જેમાં પાલનપોર ગામ કેનાલથી પાલ ગૌરવપથ સુધીના હયાત કેનાલ રોડને સિમેન્ટ કોંક્રીટ કરવા, પાલ-પાલનપોર ગામ કેનાલ કલવર્ટથી ગૌરવપથ સુધીના કેનાલ રોડને લાઇનિંગ કરી તેની બંને બાજુ સ્ટ્રીટ ફર્નિચર, કતારગામ ઝોનમાં અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર અને વોર્ડ ઓફિસ, ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં.62 ડિંડોલી-ભેસ્તાન-ભેદવાડ એફ.પી. નં.આર-19માં વાંચનાલય, રૂ.1 કરોડના ખર્ચે પાલમાં 30 મીટર પહોળાઇના બાગબાન સ્કૂલથી પાલ હજીરા મેઇન રોડ સુધીના ગૌરવપથના બંને તરફના સર્વિસ રોડને રિકાર્પેટ કરવાના અંદાજોનો સમાવેશ થાય છે.