કોના બાપની દિવાળી: નાણાંની રેમલછેલ થઇ હોવા છતાં, સુરત મનપાનું તંત્ર ઉણું ઊતરી રહ્યું હોવાનું બહાર આવી રહ્યું

સુરત(Surat): અઢી કરોડ કરતાં પણ વધુનો ખર્ચ કરીને સુરત મહાપાલિકા (SMC) દ્વારા પાર્લેપોઈન્ટ ખાતે ફ્લાય ઓવરબ્રિજની (Fly Over) નીચે બ્યુટિફિકેશન તેમજ મલ્ટિપર્પઝ એક્ટિવિટી ઝોન તૈયાર કરવામાં આવ્યો છે. હાલમાં દિવાળી વેકેશનમાં મોટાપાયે લોકો આ બ્યુટિફિકેશનને જોવા માટે ઊમટી રહ્યા છે. પરંતુ જોવા જેવી વાત એ છે કે, આ સ્થળની સુરક્ષા માટે મનપા દ્વારા કોઈ જ આયોજનો કરવામાં આવ્યાં નથી. આ સ્થળે કોઈ સિક્યુરિટી ગાર્ડ દેખાતા નથી અને તેને કારણે જે બ્યુટિફિકેશન કરાયું છે તે બગડી રહ્યું છે. આ સ્થળની સફાઈ પણ કરવામાં આવતી નથી. એટલું જ નહીં એક બાજુ મનપાની આર્થિક સ્થિતિનું બહાનું આપી સુવિધાનાં કામો વિલંબમાં પડી રહ્યાં છે. ત્યારે અહીં બ્યુટિફિકેશનના નામે થયેલા ખર્ચમાં નાણાંની રેલમછેલ કરાઇ હોવાનું પણ આરટીઆઇના માધ્યમથી બહાર આવ્યું છે, જેમાં ખાસ કરીને આ બ્રિજ નીચે લગાવાયેલી લાઇટ પાછળ જ 26.85 લાખથી વધુ ખર્ચાયા છે તેમજ એક લાઇટના 3621 રૂપિયા ખર્ચાયા હોવાનો ઘટસ્ફોટ થયો છે.

પ્રાપ્ત વિગત મુજબ શહેરના જાગૃત નાગરિક ચિરાગ ગગલાણી જે એડ્વોકેટ પણ છે, તેમણે પાર્લેપોઇન્ટ નીચે થયેલા બ્યુટિફિકેશનમાં ખર્ચ થયેલા 2.70 કરોડ બાબતે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ માહિતી માંગી હતી, જેમાં આઇટમવાઇઝ જે ખર્ચ બતાવાયો છે તે આંખો પહોળી કરી નાંખે તેવો છે. જેમ કે, ૭૬૯ લાઈટ લગાવવાનો કુલ ખર્ચ ૨૭,૮૫,૦૬૭ રૂપિયા થયો એટલે કે એક લાઈટ લગાવવાનો લગભગ ખર્ચ ૩૬૨૧ રૂપિયા થયો છે. જ્યારે બજારમાં તપાસ કરીએ તો આ પ્રકારની લાઇટ 1400થી 1500 રૂપિયામાં ઉપલબ્ધ છે. એટલે કે, ડબલ જેટલો ભાવ ચૂકવાયો છે. આવી જ રીતે અન્ય ચીજવસ્તુઓ પાછળ પણ નાણાંની રેમલછેલ થઇ હોવા છતાં તેની જાળવણીમાં સુરત મનપાનું તંત્ર ઉણું ઊતરી રહ્યું હોવાનું બહાર આવી રહ્યું છે.

બ્યુટિફિકેશનમાં કયા કામ પાછળ કેટલો ખર્ચ થયો ?
-બે ફુવારા લગાવવાનો કુલ ખર્ચ ૮,૬૧,૯૦૦ રૂપિયા થયો, એટલે કે એક ફુવારાનો ખર્ચ લગભગ 4 લાખ ૩૦ હજાર રૂપિયા જેવો થયો, જે ફુવારા હાલમાં બંધ હાલતમાં છે.
-બાર પૂતળા લગાવવાનો ખર્ચ અને ૧૨,૧૯,૦૦૦ રૂપિયા થયો એનો મતલબ એક પૂતળાનો ખર્ચ એક ૧,૦૦,૧૦૦ રૂપિયાની આસપાસ.

છત્રી અને ટોઇલેટ બ્લોકના ખર્ચની વિગત જ નથી
આરટીઆઇ કરનાર ચિરાગ ગગલાણીએ જણાવ્યું હતું કે, આ આરટીઆઇમાં અહીં લગાવાયેલી છત્રીનો કુલ ખર્ચ જણાવવામાં આવ્યો નથી. તેવી જ રીતે ટોઇલેટ બ્લોકની માહિતી પણ આપવામાં આવી નથી. તો આઈ લવ સુરત લખેલ સાઈન બોર્ડ કેટલામાં થયું તેની માહિતી પણ આપવામાં આવી નથી. તેથી શંકા ઊઠી રહી હોવાથી મનપાના તંત્રની આ નીતિના વિરોધમાં જરૂર પડ્યે એડ્વોકેટ ચિરાગ ગગલાની દ્વારા આરટીઆઇ અપીલ અધિકારી સમક્ષ અપીલ દાખલ કરવાની તૈયારી કરવામાં આવી છે.

ટેન્ડર પ્રક્રિયાથી જ પ્રોજેક્ટ થયો છે તેથી તેમાં શંકા જેવું કશું નથી : ઝોનલ વડા
મનપાના સિટી ઇજનેર અને અઠવા ઝોનના વડા આશિષ દુબેએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ ઝોન દ્વારા સાકાર કરાયો છે. તેમાં પારદર્શક રીતે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી અને જે ટેન્ડરનું ટેન્ડર યોગ્ય હતું તેને જ કામ સોંપાયું હતું. અમુક ચીજોના ભાવ તેની સ્પેશિયાલિટી મુજબ વધુ ઓછા હોય શકે છે.

Most Popular

To Top