સુરત(Surat): મોટા વરાછા પાસે ટ્રાફિક સિગ્નલ (Trafic Signal) બંધ થતા ટીઆરબીએ (TRB) એક તરફથી આવતા વાહનોને અટકાવીને રસ્તો બંધ કર્યો હતો, આ દરમિયાન મોટા વરાછામાં રહેતા યુવકે ટીઆરબી પાસે આવીને તેની પાસેથી જ પ્લાસ્ટિકની લાકડી આંચકી લઇ તેને હાથમાં મારી દેતા વાતાવરણ તંગ બન્યું હતું. પોલીસની સાથે મારામારી કરનાર યુવકની સામે પોલીસે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
- યુવકે ટ્રાફિક પોલીસની પ્લાસ્ટિકની લાકડી લઇને તેને મારતા વાતાવરણ તંગ બન્યું
- હાથમાંથી પ્લાસ્ટિકની લાકડી લઇને ટીઆરબીના હાથ ઉપર જ મારી દીધી
- યુવકની સામે પોલીસે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી
પ્રાપ્ત વિગતો મુજબ અમરોલી કોસાડ ગામ શિવનગર સોસાયટીમાં રહેતા સુશિલકુમાર પુનાભાઈ ખીંચી (ઉ.વ.૨૦) ટીઆરબીમાં નોકરી કરે છે. સુશિલકુમાર મોટા વરાછા વી.આઈ.પી સર્કલ ચાર રસ્તા પાસે ફરજ બજાવતા હતા, ત્યારે રાત્રીના નવ વાગ્યાના અરસામાં ત્યાંથી મોટાવરાછા લજામણી ચોક પાસે રાજહંસ ટાવરમાં રહેતો વિજય બાબુભાઇ વઘાસીયા પસાર થયો હતો. સુશિલકુમારે સિગ્નલ બંધ થઇ જતાં હાથ લાંબો કરીને રસ્તો અટકાવ્યો હતો, પરંતુ વિજય પોતાની મોટરસાઇકલ લઇને આગળ જવા લાગતા પોલીસે તેને અટકાવ્યો હતો. આ દરમિયાન વિજય ઉશ્કેરાઇને સુશિલકુમાર પાસે આવ્યો હતો અને તેના હાથમાંથી પ્લાસ્ટિકની લાકડી લઇને તેના જ હાથ ઉપર મારી દીધી હતી. આ દરમિયાન અન્ય ટીઆરબી જવાનો વચ્ચે પડતા તેઓની સાથે પણ મારામારી કરવામાં આવી હતી. પોલીસે બનાવ અંગે ગુનો નોંધીને વિજય વઘાસીયાની ધરપકડ કરી હતી.