સુરત : ગુજરાત સ્ટેટ જીએસટી વિભાગ (SGST) સુરત (Surat) દ્વારા બોગસ બિલીંગનો (Billing) ખાત્મો કરવા માટે જાન્યુઆરી મહિનાનાં પ્રારંભથી સતત સર્ચ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે કુલ 23 શંકાસ્પદ પેઢીઓનાં સ્થળો પર ગુજરાત સ્ટેટ જીએસટી વિભાગના સુરત યુનિટના અધિકારીઓ દ્વારા ચકાસણીની કામગીરી કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં 13 પેઢીઓ બોગસ હોવાનું જાણવા મળ્યું હતું.
અધિકારીઓને મળી આવેલી બોગસ પેઢીઓ પૈકી 11 પેઢીઓના ડોક્યુમેન્ટસ ફોર્ડ જણાયા હતાં. તથા 2 પેઢીનાં ડોક્યુમેન્ટસનો દુરુપયોગ કર્યો હોવાનું ધ્યાને આવ્યું છે. ચકાસણીની કામગીરીમાં 12 પેઢીના નામ સરનામે કંપની કે, એના માલિકો મળી આવ્યાં ન હતાં. મોટાભાગના સરનામાં રહેઠાણના હતાં. જ્યાં આવી કોઈ પેઢી અસ્તિત્વમાં ન હતી. સરકારની તિજોરીને કરોડોનો ચુનો લગાડનાર ચીટરોની શોધખોળ કરવામાં આવી રહી છે. આ 13 બોગસ પેઢીઓ મારફત 269.61 કરોડનાં બોગસ બિલો ઇસ્યુ કરી 28.52 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ (વેરાશાખ) પાસઓન કરવામાં આવી હતી.
આવી બોગસ પેઢીઓની મદદથી છેતરપિંડી આચરી ખોટી વેરાશાખ મેળવનાર રીયલ ટેક્ષપેયર એટલે કે બેનીફીશયરી સુધી જીએસટી સિસ્ટમથી પહોચી શકાય છે. જેથી વિભાગ દ્વારા આવી પેઢીઓ થકી ખોટી વેરાશાખ ભોગવનાર પાસેથી વેરાની વસુલાત તથા આવી પેઢીઓ ઉભી કરનાર અને તેને સંચાલિત કરતા ઇસમો સામે ધરપકડ સહિતની કાર્યવાહી કરવામાં આવશે એમ એસજીએસટી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.
શનિ, સોમ, મંગળ અને બુધવારે 4 સર્ચમાં 56 બોગસ પેઢીઓ થકી 677.22 કરોડનાં બોગસ બિલ સામે 95.97 કરોડની ITC પાસઓન કરાઈ
ઓપરેશન ક્લિન હેઠળ સ્ટેટ જીએસટી વિભાગનાં સુરત યુનિટ દ્વારા શનિવાર, સોમવાર, મંગળવાર અને બુધવાર એમ 4 સર્ચ ઓપરેશનમાં કુલ 82 પેઢીઓમાં તપાસ યોજવામાં આવી હતી. એ પૈકી 56 બોગસ પેઢીઓ થકી 677.22 કરોડનાં બોગસ બિલો સામે 95.97 કરોડની ITC પાસઓન કરવામાં આવી હતી. 82 માંથી 56 પેઢીઓ એવી હતી જે જીએસટી રજિસ્ટ્રેશનનાં નોંધણી સરનામે મળી આવી ન હતી. માત્ર ઇનપુટ ટેક્સ ક્રેડિટ કમિશન બેઇઝથી ટ્રાન્સફર કરવા અને કરોડોની કમાણી કોઈપણ જેન્યુઇન વેપાર વિના સરકારની તિજોરીને ફટકો મારી કરવામાં આવી હતી. જીએસટીનું ઇન્ટેલિજન્સ યુનિટ આઇટીસી કોને પાસઓન થઈ એમને અને કોને પાસઓન કરી એ કૌભાંડીઓ શોધી રહ્યું છે.