SURAT

‘સંવેદનાદિન’ નામે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં અધિકારીઓ પોતે જ ‘સંવેદનાહીન’ બન્યા

સુરત : રાજયની રૂપાણી સરકાર (Rupani govt)ના પાંચ વર્ષ પુરા થવાની ઉજવણી (Five year celebration)ના ભાગ રૂપે સુરત મનપા (SMC)એ તમામ ઝોનમાં એક સાથે સેવાસેતુ (surat seva setu) કાર્યક્રમ યોજીને દાટ વાળ્યો હતો. કાર્યક્રમ માટેના દિવસને સંવેદનાદિવસ નામ આપવામાં આવ્યું હતું પરંતુ કાર્યક્રમમાં સંવેદનાનો જ છેદો ઉડાડી દેવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં સરકારી મદદની આશાએ આવેલા સેંકડો લોકોએ લાઈનમાં જ ઊભા રહેવું પડ્યું હતું અને જોવા જેવી વાત એ હતી કે લાઈનમાં ઊભા રહ્યાં બાદ પણ લોકોને ધક્કો જ પડ્યો હતો. એક નહીં મનપાના તમામ ઝોનમાં યોજાયેલા સેવાસેતુના કાર્યક્રમમાં આ જ સ્થિતિ રહી હતી. આ જોતાં જરૂરીયાતમંદોની જાણે હાંસી ઉડાડવાનો જ કાર્યક્રમ હોય તેવી પ્રતિતી થઈ હતી. ખાસ કરીને રેવન્યુ કર્મચારીઓમાં સહકારની કોઇ ભાવના નહી જણાતા મનપાના અધિકારીઓની હાલત કફોડી થઇ ગઇ હતી. કોર્પોરેટરો માટે પણ તેમના મતવિસ્તારના લોકોના કામ નહીં થતા પસ્તાળ પડવા જેવો ઘાટ થયો હતો. આ કાર્યક્રમનો સમય પાંચ વાગ્યા સુધીનો હતો. છતાં ત્રણ વાગ્યે જ રેવન્યુ કર્મચારીઓ ચાલ્યા જતાં સેવાસેતુમાં આવેલા અને કલાકોથી લાઇનમાં ઉભેલા હજારો લાભાર્થીઓને ધક્કો પડ્યો હતો.

એક તરફ ત્રીજી લહેરને રોકવાનો પ્રયાસ અને બીજી તરફ કાર્યક્રમમાં મેયર, કમિ.ની હાજરીમાં જ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા

મનપા દ્વારા સેવાસેતુનું આયોજન કરાયું પરંતુ ઘણા ધારાસભ્યો સાથે તો સંકલન જ નહોતું કરાયું, તેથી પણ અરાજકતાનો માહોલ જોવા મળ્યો હતો. મોટી વાત તો એ હતી કે એક બાજુ મનપા દ્વારા ત્રીજી લહેર (Corona third wave)ને રોકવા માટે મથામણ ચાલી રહી છે. ત્યારે બીજી બાજુ માત્ર સરકારી કાર્યક્રમના તાયફા હેઠળ મેયર, મનપા કમિશનર સહિતના અધિકારીઓની હાજરીમાં હજારો લોકોને મનપાના જ કાર્યક્રમમાં ભેગા કરી સોશિયલ ડિસ્ટન્સ (Social distance)ના ધજાગરા ઉડાવાયા હતા.

રેવન્યુ કર્મચારીઓએ વેઠ ઉતારી, દાખલાઓમાં ભૂલોની ભરમારથી લોકોને ધક્કો પડ્યો

સેવાસેતુ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થી લોકોને એક જ જગ્યાએથી તમામ ડોકયુમેન્ટ મળી રહે અને ત્યાંથી જ તેની સહાય કે અન્ય કામ થઇ જાય તે હોય છે. પરંતુ સોમવારે સુરતમાં યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં જાણે લોકોને હેરાન કરવા જ ભેગા કરાયા હોય તેવી હાલત હતી. સેવાસેતુ માટે મુકાયેલા રેવન્યુ કર્મચારીઓએ વેઠ ઊતારી હોવાથી કાર્યક્રમમાં અંધાધુધી સર્જાઇ હતી. કતારગામ કોમ્યુનિટી હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તો રેવન્યુ કર્મચારીઓ ત્રણ વાગ્યે જ ચાલ્યા જતા હજારો લોકો અટવાયા હતા. ત્યાર બાદ જેના ડોકયુમેન્ટ તૈયાર થઇ ગયા હોય તેને આવકના દાખલા, મા કાર્ડ વગેરેની કામગીરી થઇ હતી. વળી અહીં અડાજણ તેમજ કતારગામ મામલતદાર ઓફિસના ટેબલ પરથી આવકના દાખલા તેમજ અન્ય જે ડોક્યુમેન્ટ અપાયા તેમાં લાભાર્થીઓના નામ, સરનેમ વગેરે જરૂરી બાબતોમાં જ થોકબંધ ભૂલો આવી હોય ટેબલ પરના કર્મચારીઓએ ભારે બેદરકારી બતાવી હોય તેવો માહોલ સર્જાયો હતો.

ગેરવર્તનની બૂમ ઉઠતા ધારાસભ્યએ ડેપ્યુટી મામલતદાર બારડ સહિતના સ્ટાફનો ઉઘડો લીધો

કતારગામ ઝોનના સેવાસેતુ કાર્યક્રમમાં આવકના દાખલા, વિધવા સહાય સહિતના ટેબલ પર લોકોનો ધસારો હતો ત્યાં કલાકોથી લાઇનમાં ઉભેલા અને બિચારા-બાપડી બની ગયેલા લાભાર્થીઓ સાથે કતારગામ અને અડાજણ મામલતદારના આવકના દાખલાના ટેબલ પર તોછડું વર્તન કરાતું હોવાની બૂમ ઉઠી હતી. જે ફરિયાદ ધારાસભ્ય વિનોદ મોરડીયાને થતાં તેમણે કતારગામના ડેપ્યુટી મામલતદાર બારડ તેમજ અડાજણ મામલતદાર ઓફિસના રાવળ નામના કર્મચારીને આડે હાથ લીધા હતા તેમજ સરકારની છબી બગડે તેવું વર્તન નહીં કરવા માટે તાકીદ કરી હતી.

કતારગામના માથે ચાંદલાવાળા એક નગર સેવકે સતત ચંચુપાત કરતા લોકો અકળાઈ ઉઠ્યા

કતારગામ ઝોનના સેવાસેતુ કાર્યક્રમમાં એક દોઢ ડાહ્યા અને માથે ચાંદલાવાળા નગર સેવકે લાભાર્થીઓની લાઇન અને રેવન્યુ કર્મચારીઓની કામગીરીમાં સતત ચંચુપાત કર્યો હતો. જેને કારણે અધિકારીઓ તેમજ લોકો અકળાઈ ઉઠ્યા હતાં. એક બાજુ લોકો કલાકો સુધી લાઇનમાં ઉભીને પોતાનો વારો આવવાની રાહ જોતા હતા ત્યારે આ ચૂંટણી વખતે જ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને જેના કારણે કતારગામ ઝોનમાં ભાજપની એક પેનલ તૂટી છે તે નવા સવા આ તિલકધારી નગર સેવક કર્મચારીઓ સાથે મજાક-મસ્તી કરતા હોવાથી પણ લોકોમાં અકળામણ જોવા મળી હતી.

અન્ય નગર સેવકો એક બાજુ બેસીને તેની પાસે આવતા લોકોને માર્ગદર્શન આપતા હતા ત્યારે બીજી આજુ આ નગર સેવક પોતે કર્મચારી હોય તેમ કોમ્યુટર ટેબલ પર બેસી જઇ કામગીરીમાં વિક્ષેપ પાડતા હતા.

Most Popular

To Top