SURAT

સુરતને રોડમેપ ડેવલપમેન્ટ ફોર સસ્ટેનેબલ ટેક્સટાઈલ હબ ઈન ઇન્ડિયાના પાયલોટ પ્રોજેક્ટ તરીકે પસંદ કરાયું

સુરત. યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ તથા સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન દ્વારા સુરતને રોડમેપ ડેવલપમેન્ટ ફોર સસ્ટેનેબલ ટેકસટાઇલ હબ ઇન ઇન્ડિયાના પાયલોટ પ્રોજેકટ માટે સુરતને પસંદ કરવામાં આવ્યું છે. આજે ભારત સરકારના ટેકસટાઇલ સેક્રેટરી ઉપેન્દ્ર સિંઘ તથા ગુજરાત સરકારના એડીશનલ ઇન્ડસ્ટ્રીઝ કમિશનર એચ.ડી. શ્રીમાળીની હાજરીમાં યોજાયેલી વિડિયો કોન્ફરન્સમાં આ જાહેરાત કરવામાં આવી હતી. ચેમ્બર તથા સાઉથ ગુજરાત ટેકસટાઇલ પ્રોસેસર્સ એસોસીએશનના સહયોગથી આ પાયલોટ પ્રોજેકટને લોન્ચ કરવામાં આવ્યો હતો. ભારતમાં ટેકસટાઇલ ક્ષેત્રે સસ્ટેનેબલ મેન્યુફેકચરીંગ પ્રેકિટસિસ માટે કયા માપદંડો હોઇ શકે તે અંગેના સૂચનો તથા તેની સાથે તે અંગેના અમલીકરણ માટે સુરતથી આ પાયલોટ પ્રોજેકટની શરૂઆત કરવામાં આવી છે.

ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, જીઆઇડીસીમાં કોમન ઇન્ફ્રાસ્ટ્રકર જેમ રોડ – રસ્તા અને ઇલેકટ્રીસિટીની લાઇનો હોય છે તે દિશામાં જીઆઇડીસીમાં કોમન ઇટીપી (એફલુએન્ટ ટ્રિટમેન્ટ પ્લાન્ટ) તથા કોમન સ્ટીમ જનરેશન પ્લાન્ટ મુળભૂત પાર્કની સુવિધામાં જ ઉમેરવા પોલિસી બનાવવી જોઇએ. ચેમ્બરના ઉપપ્રમુખ અગ્રણી આશિષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, સુરતના ટેકસટાઇલ ઉદ્યોગ દ્વારા હાલમાં ઘણી સસ્ટેનેબલ મેન્યુફેકચરિંગ પ્રેકિટસિસ જેવી કે એનર્જી એન્ડ વોટર કન્ઝર્વેશન, રિડકશન ઓફ કાર્બન એમીશન, સેફ ડિસ્પોઝલ ઓફ હઝાર્ડીયસ એન્ડ હર્મફૂલ કેમિકલ, ફોઝીલ ફયુલનો ઉપયોગ ઘટાડવાની દિશામાં અમલમાં મુકવામાં આવી છે. મોટા ભાગની ટેકસટાઇલ કંપનીઓ પોતાની થર્મલ એનર્જીની જરૂરિયાત માટે કોલસાનો ઉપયોગ કરે છે. જેને ગેસ આધારીત રૂપાંતર કરવા માટે પણ ખાસ નિતિ ટેકસટાઇલ મંત્રાલય દ્વારા જાહેર કરવી જોઇએ.

વિશ્વમાં ચાઇના પછી સૌથી વધુ વૉટરજેટ વિવિંગ ઉદ્યોગ સુરત ધરાવે છે

સુરત વિશ્વમાં ચાઇના પછી બીજા નંબરે સૌથી વધુ વોટર જેટ વિવિંગ ઉદ્યોગ ધરાવે છે. આ ઉદ્યોગોમાંથી હાલમાં સ્પેન્ટ વોટરને ટ્રિટમેન્ટ કરવા માટે 70 એમએલડીના પ્લાન્ટની જરૂરિયાત છે. અંતે તેમણે આવતા વર્ષથી અમલમાં આવનાર નવા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સને કારણે સિંગલ યુઝ પ્લાસ્ટિક વાપરવા પર પ્રતિબંધ લાગનાર હોઇ ટેકસટાઇલ ક્ષેત્રે પેકિંગ માટે ઉપયોગમાં લેવાતા મટિરિયલમાં કયું મટિરિયલ વાપરવું તે અંગે સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન પાસે સલાહ માંગી હતી.

સચિન જીઆઇડીસીમાં એર પોલ્યુશન ઘટાડવા કોમન સ્ટીમ જનરેશન પ્લાન્ટ નાખવામાં આવ્યો

સચિન ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં કોમન સ્ટીમ જનરેશન પ્લાન્ટ નાંખવામાં આવ્યો છે. જેનાથી ટેકસટાઇલ એકમોના એર પોલ્યુશનમાં ઘટાડો કરવાની સુવિધા મળી છે. હાલમાં ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ પોલિસી 2020ની ઇન્સેન્ટિવ ટુવર્ડસ કોમન ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં રૂપિયા રપ કરોડ સુધીની મહત્તમ કેપિટલ સબસિડીની જોગવાઇ છે. આ જોગવાઇમાં રૂપિયા રપ કરોડની કેપ ખસેડીને કોઇપણ મર્યાદા વગર મોટા પ્રોજેકટને 80 ટકા જેટલી કેપિટલ સબસિડી મળી રહે તે પ્રમાણે સુધારો કરવો જોઇએ.

સુરતના ટેકસટાઇલ એકમો દ્વારા કલીન એન્ડ ગ્રીન એનર્જીનો ઉપયોગ કરવાની શરૂઆત થઇ

ઘણા ટેકસટાઇલ એકમો દ્વારા કલીન એન્ડ ગ્રીન એનર્જીનો ઉપયોગ કરવાની શરૂઆત થઇ ગઇ છે. પરંતુ ટેકસટાઇલ મંત્રાલય દ્વારા આ અંગે સ્પેસીફિક ઇન્સેન્ટિવ સ્કીમ બનાવવી જોઇએ, જે ટાર્ગેટ આધારીત હોય અને જેમાં પર્યાપ્ત કેપિટલ સબસિડી મળી રહે તેવી જોગવાઇ કરવી જોઇએ. હાલમાં હવા પ્રદુષણમાં સૌથી મોટો ફાળો વાહન વ્યવહારથી નીકળતા ગ્રીન હાઉસ ગેસીસના કારણે થાય છે. ત્યારે ટેકસટાઇલ ક્ષેત્ર દ્વારા પોતાના માલ–સામાનની હેરફેર માટે ઇલેકટ્કિ વ્હીકલનો ઉપયોગ વધે તે માટે પણ ટેકસટાઇલ મંત્રાલય દ્વારા ટાર્ગેટ સ્પેસિફિક પોલિસી બનાવવી જોઇએ. ઘણા ટેકસટાઇલ એકમો કેમિકલનો વપરાશ કરતા હોય છે. જેના કારણે પાણી પ્રદુષિત થાય છે.ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં સમુદ્ર કિનારે આવેલી પડતર જમીનને રિઝર્વ કરવી જોઇએ, જેનાથી ડીપ સી ડિસ્ચાર્જ સહેલાઇથી કરી શકાય.

Most Popular

To Top