સુરત : દશેક દિવસ પહેલા કતારગામમાં (Katargam) સાતથી આઠ લાખના હીરાની લૂંટ (Diamond Robbery) કરીને લૂંટારાઓ ફરાર થઇ ગયા હતા, તેમાં હજુ પણ આરોપીઓ પોલીસ (Police) પકડથી દૂર છે, ત્યાં હવે કાપોદ્રા વિસ્તારમાં ચાર જેટલા બુકાનીધારીઓ 15 થી વધુ કારીગરોની વચ્ચે હીરાના વેપારીને છરા બતાવીને સાત લાખના હીરા તેમજ રોકડા રૂા.1 લાખ લૂંટીને ફરાર થઇ જતા પોલીસ દોડતી થઇ છે. કારીગરોની હાજરી છતાં એકપણ કારીગરે લૂંટારુઓનો વીડિયો બનાવવાની તસ્દી લીધી ન હતી, ત્યાં આ લૂંટારુઓ ભીડનો લાભ લઇને પલાયન થઇ ગયા હતા. દશિ દિવસ પહેલા પણ આવી જ લૂંટ થઇ હતી
પ્રાપ્ત વિગતો મુજબ કાપોદ્રા ચાર રસ્તા નજીક અક્ષર ડાયમંડ બિલ્ડીંગ નં.૫માં હીરાનું કારખાનું ધરાવતા હીરા વેપારી મનસુખભાઇ અવૈયા અને તેમના બીજા ભાગીદારો કારખાનું બંધ કરીને ઘરે જવાની તૈયારીઓ કરી રહ્યા હતા. આ દરમિયાન ચાર જેટલા ઇસમો મોંઢા ઉપર રૂમાલ અને માથે ટોપી બાંધીને કારખાનામાં ધસી આવ્યા હતા. ચારેયના હાથમાં તિક્ષ્ણ છરા પણ હતા. આ તમામે કારખાનામાં હાજર 15 થી વધુ કારીગરોને ધમકાવ્યા હતા, સાથે સાથે મનસુખભાઇની ઓફિસમાં ઘૂસીને તેઓની પાસેથી રોકડા રૂા.1 લાખ તેમજ સાત લાખની કિંમતના પોલિશ્ડ કરવા માટેના રફ હીરાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. ચારેય લૂંટારુઓ લાખોની લૂંટ કરીને ભાગી ગયા ત્યાં સુધી ત્યાં હાજર કારીગરો અને વેપારીઓ જોતા જ રહી ગયા હતા. માત્ર પાંચ જ મિનિટના સમયગાળામાં થયેલી આ લૂંટને લઇને સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. લૂંટ બાદ આ ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા હીરા વેપારીઓ અને કારીગરોમાં ભારે હોબાળો મચી ગયો હતો. ઘટના અંગે કાપોદ્રા પોલીસને જાણ કરવામાં આવતા કાપોદ્રા પીઆઇ તેમજ એસીપી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે આજુબાજુમાં તપાસ કરીને સીસીટીવી ફૂટેજ કરવાની સાથે સાથે લૂંટનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
ચારેય લૂંટારુઓ અલગ અલગ દિશામાં ભાગ્યા
સ્થાનિકોના કહેવા પ્રમાણે ચાર લૂંટારુઓ કારખાનામાં આવ્યા હતા. જે કારખાનામાં લૂંટ થઇ તે કારખાનાની આજુબાજુમાં બે ગલીઓ પડે છે. લૂંટ બાદ બે લૂંટારુઓ એક ગલીમાં અને બીજા બે લૂંટારુઓ બીજી ગલીમાં ચાલ્યા ગયા હતા.