SURAT

હાય..હાય..ગરમી…સુરતીઓ 41 ડિગ્રીમાં શેકાયા, માર્ચમાં મે જેવી ગરમીથી લોકો ત્રાહિમામ

રાજ્યમાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પ્રકોપ વધવા લાગ્યો છે. ગુજરાતના અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીની નજીક પહોંચી રહ્યું છે. ડાયમંડ સિટી સુરતમાં પણ કાળજાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, જ્યાં તાપમાન 39 ડિગ્રીને પાર જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. માર્ચ મહિનામાં જ મે જેવી ગરમી અનુભવાતા શહેરવાસીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. બપોરના સમયે સૂર્યપ્રકાશ અને ગરમ પવનને કારણે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. તેથી ઘણા લોકો બપોર દરમિયાન બહાર જવાનું ટાળી રહ્યા છે અને રસ્તાઓ પર વાહનચાલકોની સંખ્યા પણ ઘટી ગઈ છે. અને જે લોકોને વગર બહાર નીકળીએ છૂટકો જ નથી તેઓ આકરા તાપથી ખુદને બચાવવા ઉપરથી નીચે સુધી કવર કર્યા બાદ જ બહાર નીકળતા જોવા મળી રહ્યા છે. ઘણી જગ્યાઓએ તો ડામર પીગળ્યા હોવાના સમાચાર પર પણ સામે આવ્યા હતા.

થોડા દિવસ પહેલા જ હવામાન વિભાગે 5 દિવસ હીટવેવની આગાહી કરી હતી. આકરા તાપથી બચવા એ.સીનો મારો પણ વધ્યો છે. ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડા પીણાંનો સહારો લઈ રહ્યા છે. શહેરના ઠંડા પીણાં, જ્યૂસ અને આઈસ્ક્રીમની દુકાનો પર લોકોની ભીડ જોવા મળી રહી છે. વધતી ગરમીને કારણે લોકો છાંયડા અને ઠંડકવાળા સ્થળો શોધતા નજરે પડી રહ્યા છે. હવામાન નિષ્ણાતો મુજબ આગામી દિવસોમાં તાપમાન વધુ વધવાની શક્યતા છે, તેથી લોકોને બપોરના તડકામાં બહાર નીકળતા સમયે સાવચેત રહેવાની અને પૂરતું પાણી પીવાની સલાહ આપવામાં આવી રહી છે.

Most Popular

To Top