સુરત: સિન્થેટિક રેયોન એન્ડ ટેક્સટાઇલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (SRTEPC) દ્વારા ચેમ્બરના સરસાણા (Sarsana) કન્વેનશનમાં આયોજિત સોર્સ ઇન્ડિયા ઇન્ટરનેશનલ એક્ઝિબિશનને બમ્પર પ્રતિસાદ (Response) મળ્યો છે. SRTEPC ના ચેરમેન ધીરજ.આર.શાહે પ્રદર્શનના અંતિમ દિવસે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે કોવિડને (Covid) લીધે સરકારની ગાઈડ લાઇન મુજબ મર્યાદિત સંખ્યામાં બાયર્સ (Buyers) અને એક્ઝિબીટર્સની હાજરી રાખવામાં આવી હોવા છતાં 150 મિલિયન ડોલરનો વેપાર થયો છે.
યુએસએ,ફ્રાન્સ,યુકે,તુર્કી,શ્રીલંકા,બાંગ્લાદેશ,કેન્યા, દક્ષિણ આફ્રિકા,સહિત 20 દેશોના 75 બાયર્સ અને 54 એક્ઝીબીટર્સ સાથેનો બીટુબી પ્રયોગ સફળ રહ્યોં છે. 300 મિલિયનની ઇન્કવાયરી પણ નોંધાઇ છે. રિસાયકલ ફેબ્રિક્સ,નાયલોન અને ફેન્સી યાર્ન, કાર્પેટ યાર્નની ડિમાન્ડ સારી રહી છે. ટેકનિકલ ટેક્સટાઇલની પ્રોડક્ટની માટે પણ ઇન્કવાયરી જોવા મળી છે. સુરતની કંપનીએ પ્લાસ્ટિકની બોટલમાંથી બનાવેલું યાર્ન આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું.કોરોના ઇફેક્ટને લીધે ચીનનું ફેબ્રિક્સ મોંઘુ થતા એનો લાભ સુરતના કાપડ ઉદ્યોગને થયો છે.
કોવિડ પછી પ્રથમવાર ટેક્સટાઇલનો 6.1 બિલિયનનો એક્સપોર્ટ પૂર્ણ થશે: ધીરજ.શાહ.
એસઆરટીપીસીના ચેરમેન ધીરજ આર.શાહે જણાવ્યું હતું કે,કોવિડ19 પછીના વર્ષમાં પ્રથમવાર નાણાંકીય વર્ષ 2021-22 દરમ્યાન 6.1 બિલિયનનો ઍકપોર્ટ લક્ષ્યાંક પૂર્ણ થશે.જાન્યુઆરી 2022 સુધીમાં 5.9 બિલિયનનો વેપાર થયો હતો. જ્યારે 31 માર્ચ 2022 સુધી 6.3 બિલિયનનો વેપાર થશે. વર્ષ 2019-20 માં 5.9 અને 2020-21 માં 4.8 બિલિયન એક્સપોર્ટ રહ્યોં હતો. હવે કેન્દ્ર સરકારે 2022-23 માટે 6.8 બિલિયનનો લક્ષ્યાંક આપ્યો છે. ધીરુભાઈ શાહે વધુમાં કહ્યું હતું કે 2021-22 માં ફેબ્રિક્સ અને યાર્નના એક્સપોર્ટમાં 25 ટકા સુધીનો સરેરાશ વધારો નોંધાયો છે. સૌથી વધુ એમએમએફનો એક્સપોર્ટ સુરતથી રહ્યો છે.