SURAT

સુરત: દુષ્કર્મ કેસના આરોપી આસારામને 6 મહિનાના જામીન મળ્યા

દુષ્કર્મના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામને ગુજરાત હાઇકોર્ટે 6 મહિનાના નિયમિત જામીન મંજૂર કર્યા છે. કોર્ટે જણાવ્યું કે જોધપુર હાઇકોર્ટે પહેલેથી જ આરોગ્યના આધારે જામીન આપ્યા છે. તેથી ગુજરાત હાઇકોર્ટ અલગ નિર્ણય લઈ શકતું નથી.

સુરત અને જોધપુરના દુષ્કર્મ કેસમાં દોષિત ઠરાવાયેલા આસારામે તેમની ખરાબ તબિયતનો હવાલો આપી જામીનની અરજી કરી હતી. તેમના વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી કે આસારામ હૃદયરોગથી પીડિત છે અને સારવાર મેળવવાનો હકદાર છે. જેથી જોધપુર હાઇકોર્ટે તેમને 6 મહિનાનો જામીન આપ્યા હોવાથી ગુજરાત હાઇકોર્ટએ પણ સમાન શરતો સાથે રાહત આપી.

કોર્ટે જણાવ્યું કે જો રાજસ્થાન સરકાર આ જામીનને પડકારશે તો ગુજરાત સરકાર પણ એ મામલે કાર્યવાહી કરી શકશે. સરકાર પક્ષે દલીલ કરી હતી કે જો જોધપુર જેલમાં મેડિકલ સુવિધાઓ અપૂરી હોય તો આસારામને સાબરમતી જેલમાં ખસેડવા જોઈએ.

ગુજરાત હાઇકોર્ટે ચારવાર હંગામી જામીન લંબાવ્યા ​​​​​​​આ પહેલાં ગુજરાત હાઈકોર્ટે આસારામના હંગામી જામીન 4 વખત લંબાવ્યા હતા. હાઇકોર્ટે 27 જૂને ગુજરાત હાઇકોર્ટે 07 જુલાઈ સુધી જામીન લંબાવી આપ્યા હતા. ત્યાર બાદ 03 જુલાઈએ 01 મહિનો અને 7 ઓગસ્ટ, 2025એ ત્રીજીવાર જામીન લંબાવ્યા હતા. હાઇકોર્ટે 19 ઓગસ્ટે ચોથીવાર 3 સપ્ટેમ્બર સુધી જામીન લંબાવ્યા હતા.

કેસની પૃષ્ઠભૂમિ
સુરતની એક મહિલાએ આસારામ સામે 1997 થી 2006 વચ્ચે શારીરિક શોષણનો આરોપ લગાવ્યો હતો. વર્ષ 2013માં દાખલ થયેલી આ ફરિયાદ બાદ કેસ ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. 2023માં ગાંધીનગર કોર્ટએ તેમને દોષિત ઠરાવ્યા બાદ આજીવન કેદની સજા ફટકારી હતી.

આસારામ અને તેના પુત્ર નારાયણ સાઈ સામે સુરતની બે બહેનોએ પણ દુષ્કર્મના કેસ નોંધાવ્યા હતા. એક બહેને આસારામ વિરુદ્ધ, જ્યારે બીજી બહેને નારાયણ સાઈ વિરુદ્ધ ફરિયાદ કરી હતી.

હવે આસારામને 6 મહિનાની જામીન રાહત મળી છે પરંતુ કોર્ટએ સ્પષ્ટ કર્યું છે કે જો સુનાવણી આગળ નહીં વધે તો સમય પૂર્ણ થયા બાદ ફરી અરજી કરી શકાશે. જોકે કેસની આગામી કાર્યવાહી આગામી મહિનાઓમાં થવાની છે.

Most Popular

To Top