રાજપીપળા: (Rajpipla) સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue Of Unity) પર રોજના હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. ત્યારે 2 એપ્રિલના રોજ સુરતની સ્નેહી જીવન ભારતી શાળાના અનન્ય વિક્રાંત નામના શિક્ષકે સ્ટેચ્યુ ઓફ યુનિટીને અડીને આવેલા અમૂલ પાર્લરમાં (Amul Parlour) નિયમ કરતાં વધુ ભાવ લેવાતો હોવાના આક્ષેપ સાથે કર્મચારીનો જાહેરમાં ઉધડો લીધો હતો. સુરતના પ્રવાસીએ આક્ષેપ લગાવ્યો હતો કે, આ પાર્લરમાં પ્રવાસીઓને લૂંટવામાં આવે છે.
- સ્ટેચ્યુ ઓફ યુનિટીને અડીને આવેલા અમૂલ પાર્લરમાં 20 રૂપિયાના આઈસક્રીમના 50 રૂપિયા લેવાતા હોવોનો સુરતના પ્રવાસીનો આક્ષેપ
- ગુજરાતી જાણકાર કર્મચારીની ભરતી થવી જોઈએ અને જો તેઓ જી.એસ.ટી.ના નિયમોનું પાલન ન કરતા હોય તો એમને નિયમ મુજબ દંડ થવો જોઈએ
સુરતની સ્નેહી જીવન ભારતી શાળાના શિક્ષક અનન્ય વિક્રાંત મિત્રો સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા હતા. દરમિયાન નજીકના અમૂલ પાર્લરમાં તેઓ આઈસક્રીમ લેવા ગયા, એમને આઈસક્રીમનો ભાવ વધારે અને વજન ઓછું લાગતાં અમૂલ પાર્લરના કર્મચારી પાસે પ્રાઈઝ લિસ્ટ માંગ્યું ત્યારે કર્મચારીએ કહ્યું હું કોઈ પ્રાઈઝ લિસ્ટ નહીં બતાવું તમે મારા સાહેબ નથી. કર્મચારીની એ વાત પર શિક્ષક ગુસ્સે ભરાયા અને દુકાનમાલિકનું નામ અને ગુમાસ્તા ધારાના લાઇસન્સની માંગણી કરી. એ પણ ન બતાવતાં તેઓએ અમૂલ પાર્લરના કર્મચારીનો જાહેરમાં ઉધડો લીધો હતો. ઉધડો લેતાં જણાવ્યું કે, ગુજરાતમાં રહી ધંધો કરો છો તો ગુજરાતી બોલતા શીખી જાવ, અમે ગુજરાતી છીએ, એટલે અમને ઉલ્લુ નહીં બનાવવાના, બહારથી આવો છો ઉપરથી અમારી સાથે દાદાગીરી કરો છો.
સુરતના પ્રવાસીએ આક્ષેપ લગાવ્યા હતા કે, દેશની શાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની બિલકુલ અડીને આવેલા અમૂલ પાર્લરમાં વાઈટ માફિયાગીરી થઈ રહી છે. અહીં 20 રૂપિયાનો આઈસક્રીમ 50માં વેચાય છે. આઈસક્રીમના કપ પર અમૂલનો માર્કો-વજન-કિંમત હોવી જોઈએ એની જગ્યાએ બે નંબરના કપમાં આઈસક્રીમ વેચે છે. એમણે માંગ કરી હતી કે, આ પાર્લર પર ગુજરાતીમાં પ્રાઈઝ લિસ્ટ હોવું જોઈએ, ગુજરાતી જાણકાર કર્મચારીની ભરતી થવી જોઈએ અને જો તેઓ જી.એસ.ટી.ના નિયમોનું પાલન ન કરતા હોય તો એમને નિયમ મુજબ દંડ થવો જોઈએ. આ બાબતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડેપ્યુટી કલેક્ટર નિલેશ દુબેનો સંપર્ક કરતાં તેમણે ફોન ઉપાડ્યો ન હતો. તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પીઆરઓ રાહુલ પટેલનો સંપર્ક કરતાં તેમનો ફોન સંપર્ક બહાર હતો.