સુરત : સુરત (Surat) રેલવે સ્ટેશને (Railway Station) પહોંચેલી અમદાવાદ-પુરી એક્સપ્રેસ ટ્રેનના રિઝર્વેશન કોચનો દરવાજો ખોલવા બાબતે બોર્ડર સિક્યુરિટી ફોર્સ 09 બટાલીયનના જવાન અને તેમના ત્રણ સ્ટુડન્ટ (Student) સાથે સુરત આરપીએફના (Surat RPF) ત્રણ કર્મચારીઓએ ઝપાઝપી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા સમગ્ર મામલે જીઆરપી (GRP) અને આરપીએફમાં (RPF) સામ-સામી ફરિયાદ નોંધાઇ હતી.
રેલવે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ઓરિસ્સાના મલકાનગીરી જિલ્લાના ચિત્રકુંડા 09 બીએસએફ બટાલીયન હેડ ક્વાટર્સ ખાતે રહેતા અને એએસઆઇ તરીકે ફરજ બજાવતા ભોલાનાથ શિવચરણ ઓરાન (ઉ.વ.56, મુળ રહે. રૂપચક પોસ્ટ, જી.ભાગલપુર, બિહાર) ગત 13મી ઓક્ટોબરે તેમની સાથેના બીજા 6 બીએસએફ જવાનો તથા 70 ટ્રાયબલ સ્ટુડન્સ સાથે સુરક્ષા માટે ઓરિસ્સાના જયપુરા રેલવે સ્ટેશનથી ટ્રેન મારફતે અમદાવાદ પહોંચ્યા હતા. જ્યાં નેહરૂ યુવા કેન્દ્રમાં ટ્રાયબલ યુથ એક્ષચેન્જનો પ્રોગ્રામ પૂર્ણ કરી ગત 22મી ઓક્ટોબરે અમદાવાદથી પુરી એક્સપ્રેસ ટ્રેનના રિઝર્વ્ડ કોચમાં ઓરિસાના તિતલાગઢ જવા રવાના થયા હતા.
દરમિયાન સુરત રેલવે સ્ટેશન ખાતે 22મી ઓક્ટોબરે રાત્રે 11 વાગ્યાની આસપાસ ટ્રેન પ્લેટફોર્મ નંબર-2 ઉપર ઉભી રહી હતી. આ સમયે કોચનો દરવાજો બંધ હતો અને દરવાજા પાસે મુસાફરોની ખૂબ ભીડ હતી. તે સમયે બહારથી મુસાફરોએ દરવાજો ખખડાવ્યો હતો. જોકે ડબ્બામાં ટ્રાયબલ લેડીઝ તેમજ જેન્ટ્સ સ્ટુડન્ટો હોય સુરક્ષાને ધ્યાને લેતા દરવાજો ખોલ્યો ન હતો. ટ્રેન રેલવે સ્ટેશનેથી ઉપડતાની સાથે જ ચેન પુલિંગ થયું હતું. દરમિયાન સિવિલ ડ્રેસમાં આરપીએફ કોન્સ્ટેબલ સુનિલકુમાર સહિત બે થી ત્રણ આરપીએફના જવાનો બીજા દરવાજાથી ડબ્બામાં ચઢી ગયા હતા અને દરવાજો કેમ ખોલતા નથી તેમ જણાવતા બોર્ડર સિક્યુરિટી ફોર્સના એએસઆઇ ભોલાનાથ ઓરાનએ અંદર લેડીઝ સ્ટુડન્ટો હોવાનું કહ્યું હતું.
આ સમયે કેટલાક કુલીઓ અને આરપીએફના બે થી ત્રણ જવાનાઓએ બીએસએફના સ્ટુડન્ટ જયરામ સોરબી મુદુલી, રમેશ અર્જુન ગોલોરી તેમજ સુરેન્દ્ર સમરા ખિલ્લોને ડબ્બામાંથી નીચે ઉતારી માર મારવાનું શરૂ કર્યું હતું. વચ્ચે પડેલા બીએસએફ એએસઆઇ ભોલાનાથ ઓરાનને પણ તેમની સાથે પણ ઝપાઝપી કરી ગાળો આપવામાં આવી હતી. આ મામલે સુરત રેલવે પોલીસ અને આરપીએફ દ્વારા સામ-સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.