સુરત: સુરત (SURAT) અને ઉધના (UDHNA) રેલ્વે સ્ટેશનના વર્લ્ડ ક્લાસ રેલ્વે સ્ટેશન (WORLD CLASS RAILWAY STATION)ની અટકેલી કામગીરીને આગળ વધારવા માટે આજરોજ પી.પી.પી.એ.સી.નું ગ્રીન સીગ્નલ મળતા હવે આગામી દિવસોમાં સુરતનું સૌથી મોટું સપનું આગળ વધશે.
1285 કરોડના ખર્ચે સુરત અને ઉધનાનું મલ્ટી મોડલ રેલ્વે સ્ટેશન ડેવપલ થાય તે માટે રિકવેસ્ટ ફોર ક્વોલીફિકેશન જાહેર કરાયું છે. આજે ભારતીય રેલ્વે સ્ટેશન વિકાસ નિગમ લિમિટેડ (IRSDC) દ્વારા આરએફક્યુ અપલોડ કરવામાં આવ્યું છે. રસ ધરાવનારી કંપનીઓ 31 ઓગસ્ટ સુધી બીડ સબમિશન કરી શકશે. 31 ઓગસ્ટે બીડ ખુલવાની તારીખ નક્કી થઈ છે. તે પહેલા કંપનીઓની સંખ્યા વધશે તો બોલી પણ લગાવવામાં આવશે.
પાંચ વર્ષ પછી મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ (MMTH) માં જાહેર ખાનગી ભાગીદારી (પી.પી.પી.) મોડ પર સુરત અને ઉધના રેલ્વે સ્ટેશનના પુનર્વિકાસ માટે આજે મોટા સમાચાર મળ્યા હતા. નાણાં મંત્રાલય હેઠળની જાહેર ખાનગી ભાગીદારી મૂલ્યાંકન સમિતિ (PPPS) એ સુરત રેલ્વે સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. તદનુસાર, ભારતીય રેલ્વે સ્ટેશન વિકાસ નિગમ (IRSDC) એ વિનંતી માટે ક્વોટેશન (આરએફક્યુ) ને ટેન્ડરમાં ભરવા આમંત્રણ આપ્યું છે.
17 ઓગસ્ટ, 2016 ના રોજ એસપીવીની રચના માટેના સમજૂતી પત્ર (MOU) પર ભારતીય રેલ્વે, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) દ્વારા સુરત રેલ્વે સ્ટેશનના પુનર્વિકાસ માટે એમઓયુ સહી કરવામાં આવી હતી. 5 હજાર કરોડની અંદાજીત કિંમત મુકાઈ હતી. પરંતુ ત્યારપછી ટલ્લે ચઢેલા કામને લઈને આટલી મોટી રકમ ઘટીને 895 કરોડ પર આવી હતી. આ ખર્ચ જોઈને આ પત્ર પીપીપીએસી પાસે ગયો હતો. જેને આજે મંજુરી મળી હતી અને 1285 કરોડના ખર્ચે બંને મોડલ સ્ટેશન બનાવવા સૈદ્ધાંતિક મંજુરી મળી છે.
મંત્રી તરીકે દર્શના જરદોષની નિમણુંક આ પ્રોજેક્ટ માટે સારી શુકન સાબિત થઈ
સુરત રેલ્વે સ્ટેશન ડેવલપમેન્ટ ફોરમ (SRSDF) ના રાજેશ મોદીએ કહ્યું હતું કે, “પીપીપીએસીની સૈદ્ધાંતિક મંજૂરીની લાંબા સમયથી રાહ જોવાતી હતી. હવે, એકવાર આરએફક્યુ જારી થાય છે, ત્યારે સુરત રેલ્વે સ્ટેશનના પુનર્વિકાસનું કામ શરૂ થઈ જશે. મને લાગે છે કે સુરતના સાંસદ દર્શના જરદોષની નિમણુંક સુરતના એમએમટીએચ પ્રોજેક્ટ માટે સારી શુકન સાબિત થઈ છે.
આઈઆરએસડીસીના ડિરેક્ટરે ટ્વીટ કરીને આપી માહિતી
આઈઆરએસડીસીના ડિરેક્ટર (પ્રોજેક્ટ્સ અને પ્લાનિંગ) રાજ કુમારસિંહે શનિવારે ટિ્વટ કર્યું હતું કે “મને એ જણાવતાં આનંદ થાય છે કે પીપીપીએસીએ સુરત રેલ્વે સ્ટેશન રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને સિદ્ધાંતરૂપે મંજૂરી આપી દીધી છે. તદનુસાર આઇઆરએસડીસીએ આરએફક્યુને આમંત્રણ આપ્યું છે. આ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માટે સારા વિકાસકર્તાઓ લાવવામાં અમારી સહાય કરો.”