SURAT

મકરસંક્રાંતિ પહેલા સુરત પોલીસની ખાસ અપીલ: ટુ-વ્હીલર પર બાળકોને આગળ ન બેસાડો

મકરસંક્રાંતિના તહેવારને ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ દ્વારા માર્ગ સલામતી માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે શહેરના નાગરિકોને અપીલ કરી છે કે મકરસંક્રાંતિ દરમિયાન ટુ-વ્હીલર વાહન પર નાના બાળકોને આગળ ન બેસાડવામાં આવે. જેથી પતંગના દોરાથી થનારા અકસ્માતો અટકાવી શકાય.

સુરત શહેર ‘ઓવરબ્રિજ સિટી’ તરીકે ઓળખાય છે. ઉતરાયણ સમયે શહેરના ધાબાઓ પર પતંગ ચગાવવાની પરંપરા છે. આ દરમિયાન પતંગનો દોરો રસ્તા પર આવી જતાં વાહન ચાલકો અને રાહદારીઓને ગળા, હાથ અથવા ચહેરા પર ગંભીર ઇજાઓ થતી હોય છે. કેટલીક વખત તો આવા અકસ્માતોમાં જીવલેણ ઘટનાઓ પણ બનતી રહી છે.

આ સમસ્યાને અટકાવવા માટે સુરત પોલીસ દ્વારા ગયા વર્ષે ‘ભગીરથ અભિયાન’ શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ ટુ-વ્હીલર ચાલકોને સેફ્ટી ગાર્ડ અને નેક ગાર્ડ મફતમાં આપવામાં આવ્યા હતા. ખાસ કરીને બાળકોને આગળ બેસાડવાથી તેઓ વધુ જોખમમાં આવે છે, તેથી મકરસંક્રાંતિ પહેલાં અને પછી કુલ 5 થી 17 જાન્યુઆરી સુધી બાળકોને આગળ ન બેસાડવાની અપીલ કરવામાં આવી હતી.

આ વર્ષે પણ 2026ની મકરસંક્રાંતિ પહેલા આ અભિયાનને વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં સ્થાનિક પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ટ્રાફિક સિગ્નલ અને માર્ગો પર વાહન ચાલકોને સમજાવવામાં આવી રહ્યું છે કે બાળકોને પાછળ બેસાડવા અને સેફ્ટી ગાર્ડનો ઉપયોગ કરવો જરૂરી છે.

એનજીઓ અને વિવિધ સંસ્થાઓના સહયોગથી પોલીસ દ્વારા સેફ્ટી ગાર્ડ અને નેક ગાર્ડનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. પબ્લિક એડ્રેસ સિસ્ટમ દ્વારા પણ લોકોને સતત જાગૃત કરવામાં આવી રહ્યા છે. સરકારી હોસ્પિટલમાંથી મળેલી માહિતી મુજબ, છેલ્લા પાંચથી સાત દિવસમાં પતંગના દોરાથી કોઈ ગંભીર ઇજાની ઘટના નોંધાઈ નથી, જે આ અભિયાનની સફળતા દર્શાવે છે.

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે આ ઝુંબેશનો હેતુ દંડ કરવો નહીં પરંતુ લોકોના જીવનની સુરક્ષા છે. સુરત મોડલને હવે રાજ્યના અન્ય શહેરો અને ગામડાઓમાં પણ અપનાવવાની ચર્ચા ચાલી રહી છે. સુરત શહેરને ટ્રાફિક સલામતીમાં પણ દેશનું શ્રેષ્ઠ શહેર બનાવવા માટે પોલીસ સતત પ્રયાસ કરી રહી છે.

Most Popular

To Top