SURAT

સુરતની ધનાઢ્ય ગણાતી સોસાયટીમાં ચોરે ફિલ્મી ઢબે ઘરમાં ઘુસવાનો પ્રયાસ કર્યો પરંતુ મળ્યું મોત

સુરત: સુરતમાં (Surat) છેલ્લાં કેટલાય સમયથી ચોરીની (Theft) ઘટનામાં વઘારો થઈ રહ્યો છે. પોલીસના (Police) કોઈ પણ જાતના ડર વગર ચોરો ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યાં છે. સોમવારના રોજ સુરતના કાપોદ્રા વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપવા જનાર રીઢો ચોરને મોત (Death) મળ્યું હતું. મળતી માહિતી મુજબ સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી મમતા પાર્ક સોસાયટીમાં ચોરી કરવા માટે ઘુસેલો ચોર ફિલ્મી ઢબે બંગલાના ત્રીજા માળની બાલ્કનીમાં લટકીને ઘરમાં ઘુસવાનો પ્રયાસ કરતો હતો તે દરમ્યાન તેનું ત્રીજા માળેથી નીચે પટકાતા મોત થયું હતું. કાપોદ્રા પોલીસે આ ઘટના અંગેનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ કાપોદ્રામાં મમતાપાર્ક સોસાયટીમાં રવિવારે રાત્રીના સમયે ચોરીનો પ્રયાસ થયો હતો. રાત્રીના સમયે ચોરી કરવા આવેલો ચોર દિવાલ કુદીને ઉપર ટેરેસ ઉપર ચઢ્યો હતો, ત્યાંથી તે બંગલામાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને સીધો જ નીચે પટકાયો હતો. નીચે પટકાતાની સાથે યુવકને માથામાં ગંભીર ઇજાના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સવારના પોણા સાત વાગ્યાના અરસામાં બંગલામાં રહેતા પરિવારના સભ્યો ઊભા થયા ત્યારે તેઓએ બંગલાના પાર્કિંગ વિભાગમાં વાડાના ભાગે ડેડબોડી જોઇ હતી અને પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી. કાપોદ્રા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતા મૃતક ઉત્રાણ વિસ્તારમાં રહેતો અંદાજીત 30 વર્ષિય અજય ઉર્ફે બોડો રામુભાઇ વસાવા નીકળ્યો હતો. પોલીસે અજયની ડેડબોડીને સ્મીમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને તપાસ કરી હતી.

પોલીસને અજયના ખીસ્સામાંથી એક મોબાઇલ મળી આવ્યો હતો. જેના આધારે અજયની બહેન અને બનેવીનો સંપર્ક કરીને તેને સ્મીમેર હોસ્પિટલ બોલાવાયા હતા. ત્યાં જ અજય 11 ચોરીમાં સંડોવાયેલો રીઢો ચોર હોવાનું બહાર આવ્યું હતું. છેલ્લા માર્ચ મહિનામાં અજયે અમરોલી વિસ્તારમાં 17 લાખ ભરેલી હીરાની બેગની ચોરી કરી હતી. પરંતુ કાળા કલરની બેગમાં કશુ જ નહીં મળતા બેગ ખાલી હોવાથી તાપી નદીમાં ફેંકી દીધી હતી. આ ગુનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચે અજયને પકડી પાડ્યા બાદ બેગની શોધખોળ કરતા તેમાં 17 લાખના હીરા હોવાનું બહાર આવ્યું હતું.

અજયના શરીરના પગ અને હાથના આંગળની બનાવટ એવી હતી કે તે આસાનીથી ચઢી જતો હતો
ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા પ્રમાણે અજયના શરીરના હાથ અને પગની આંગળીઓ જ એવી રીતે હતી કે તે ત્રણથી ચાર માળ સુધી આસાનીથી પાઇપ વડે ચઢી જતો હતો. માર્ચ મહિનામાં ક્રાઇમ બ્રાન્ચે અજયની ધરપકડ કરી ત્યારે તેની ચોરી કરવાની સ્ટાઇલ અને મકાન ઉપર ચઢવાની વાત સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ક્રાઇમ બ્રાન્ચે અજયની ધરપકડ કરી તેના 10 થી 12 દિવસમાં જ તે જેલમાંથી બહાર આવી ગયો હતો. અજય જેલમાંથી છૂટ્યા બાદ તે પોતાની બહેન-બહેવીના ઘરે તેમજ ભટકતો ભટકતો રહેતો હતો.

જે બંગલામાં ચોરી કરવા માટે ઘૂસ્યો ત્યાં કેન્દ્રીય આરોગ્ય મંત્રીની અવર-જવર રહેતી હતી
સ્થાનિકોના કહેવા પ્રમાણે કાપોદ્રાની મમતાપાર્ક સોસાયટી કાપોદ્રા વિસ્તારની સૌથી ધનાઢ્ય સોસાયટી ગણાય છે. આ સોસાયટીમાં કાપડના, હીરાના મોટા-મોટા વેપારીઓ રહે છે, આ સોસાયટીનો એક-એક બંગલો અંદાજીત 8 થી 10 કરોડનો છે, આ ઉપરાંત આ સોસાયટીમાં કેન્દ્રીય મંત્રીની તેમજ ગુજરાતના મોટા ધારાસભ્યોની પણ અવર-જવર રહેતી હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top