SURAT

સુરત ગ્રામ્ય પોલીસના PSI આરોપીને તાલીબાની સજા આપતા ફરી વિવાદમાં

સુરત: સુરત (Surat) જિલ્લાના ગ્રામ્ય પોલીસની (Police) તાલિબાની સજાનો (Talibani Punishment) એક વીડિયો (Video) વાઇરલ થઈ રહ્યો છે. 29 સેકન્ડના આ વાઇરલ વીડિયોમાં પોલીસ દંડા વડે જાહેરમાં મારામારીના કેસના આરોપીને ફટકારી રહી છે એટલું જ નહીં પણ વીજળીનો થાંભલો (Electricity pole) પકડાવી દંડાથી માર મારી રહી છે. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તાલિબાની સજાને લઈને અગાઉ હાઇકોર્ટ પણ ધણાં કિસ્સાઓમાં ટિપ્પણી કરી ચુકી છે. છતાં પોલીસની દબંગગીરી સામે આવતા અનેક પ્રશ્ન ઉભા થયા છે.

વાઇરલ વિડીયો સુરત ગ્રામ્ય પોલીસના સાયણ પોલીસ મથક વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. આરોપીને બે પોલીસ કર્મીઓ હાથ પગ ખેંચીને વીજળીના થાંભલા પાસે લઈ ગયા બાદ ખાખી વર્દીમાં હાથમાં દંડો લઈને ઉભેલા સાયણ પોલીસ મથકના પી.એસ.આઇ યુ.કે. ભરવાડ આરોપીને બે દંડા મારી રહ્યા હોવાનું સ્પષ્ટ દેખાય છે. આરોપી નીચે પડી જતો હોવા છતાં તેને ફરી ઉભો કરી પીએસઆઇ ભરવાડ ત્રણ દંડા મારે છે અને ફરી એક વખત આરોપી નીચે પડી જાય છે.

વાઇરલ વિડીયોમાં સૌથી અગત્યની વાત છે કે આરોપી ઉપર કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે તો પછી જાહેરમાં તાલિબાની સજા આપી પોલીસ લોકોમાં પોતાનો ડર કેમ ઉભો કરવા માંગે છે. પીએસઆઇ યુકે ભરવાડ અગાઉ પણ વિવાદમાં રહી ચૂક્યા છે. સાયણ પહેલા જે પોલીસ મથકમાં તેઓ ફરજ બજાવી રહ્યા હતા ત્યાં એજન્સી દ્વારા રેડ કરવામાં આવી હતી અને પ્રોવિબેશનનો કેસ નોંધાયો હતો. જેથી તેમની બદલી સુરત ગ્રામ્યમાં કરવામાં આવી હતી. ચોમાસાની ઋતુમાં વીજળીના થાંભલા સાથે આરોપીને આવી રીતે અડાડીને માર મારવાથી ઘાતક પણ સાબિત થઈ શકે એ જવાબદાર PSI ભરવાડ ભૂલી ગયા હોય એમ કહી શકાય છે.

વિડિયો વાયરલ થયા બાદ પીએસઆઇ યુ.કે.ભરવાડે જણાવ્યું હતું કે તેણે કોઈપણ આરોપીને જાહેરમાં માર માર્યો નથી. આવો કોઈ પણ વિડીયો નથી. ચાર દિવસ પહેલા હત્યાનો પ્રયાસ અંગે કેસ નોંધાયો હતો. પરંતુ આરોપીને માર મારવામાં આવ્યો નથી.

Most Popular

To Top