સુરત : વરાછામાં (Varacha) વી.ડી.ગ્લોબલ પ્રા.લિ. કંપનીમાં મેનેજર (Manager) તરીકે પાંચ વર્ષથી નોકરી (Job) કરતા કામરેજના યુવકે રૂા.40 લાખની કિંમતના હીરાને પોલીસીંગ માટે લઇ જઇને ફરાર થઇ ગયો હતો. મેનેજરનો ફોન પણ બંધ આવતા તેની સામે વરાછા પોલીસે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ લંબે હનુમાન રોડ ઉપર જે.બી. ડાયમંડ સર્કલ પાસે ત્રિક્મનગરમાં રહેતા અને મુળ ભાવનગરના વતની સુમિતભાઇ મુળજીભાઇ વઘાસીયા ઉમિયાધામ મંદિરની પાછળના ભાગે વી.ડી.ગ્લોબલ પ્રા.લિ.ના નામે હીરાનું કારખાનું ધરાવે છે. સુમિતભાઇને ત્યાં છેલ્લા પાંચ વર્ષથી કામરેજના ભવાની કોમ્લપેક્ષમાં રહેતો નિલેશ છગનભાઇ કૈલા મેનેજર તરીકે નોકરી કરતો હતો. નિલેશ કૈલાનું કામ હીરાના કારખાનામાં હીરાને પોલીસીંગ કરવાનું હીરાના સ્ટોકનું ધ્યાન રાખવાનું હતું. છેલ્લા અઠવાડિયાના સમયમાં નિલેશે કારખાનામાંથી રૂા.40 લાખની કિંમતના 33.080 કેરેટના 140 હીરાના પડીકા લઇને પોલીસીંગ માટે લઇ ગયો હતો. ત્યારબાદ નિલેશે આ તમામ હીરા પોતાની પાસે જ રાખીને ફરાર થઇ ગયો હતો. બે દિવસથી નિલેશ નોકરી ઉપર નહીં આવતા હીરા કારખાનાના માલિક સુમિતભાઇએ તેનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેનો મોબાઇલ પણ બંધ આવતો હતો. ઘરે જઇને તપાસ કરતા નિલેશ ઘરે પણ મળી આવ્યો ન હતો. નિલેશે કંપની સાથે રૂા.40 લાખના હીરાની ઠગાઇ કરી હોય તેની સામે વરાછા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે નિલેશ કૈલાની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વેડરોડની સહયોગ સોસાયટીમાં આવેલી દુકાનમાંથી ૪.૭૫ લાખની સાડીની ચોરી
સુરત : વેડરોડની એક સોસાયટીમાં દુકાનના શટરના તાળા તોડીને અંદર ઘુસેલા તસ્કરો રૂા.4.75 લાખની કિંમતની સાડીનો જથ્થો ચોરી કરી ગયા હતા. જે અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. પ્રાપ્ત વિગતો મુજબ મૂળ બિહારના વતની અને હાલમાં સુરતમાં વેડરોડ સહયોગ સોસાયટીમાં ખાતા નં-બી-૪૬માં ત્રીજા માળે રહેતો મોહંમદ તાહીર મોહંમદ અકબર શેખ પોતાના ઘરે જ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર સાડીનો વેપાર કરે છે. ત્રણ દિવસ પહેલા રાત્રીના સમયે તેમની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. રાત્રીના સમયે તસ્કરોએ દુકાનના શટરનું લોક તોડી નાંખીને દુકાનમાં ઘુસીને રૂા.4.75 લાખની કિંમતની 190 સાડીની ચોરી કરી ગયા હતા. બીજા દિવસે સવારે નીચે આવેલા મોહંમદ તાહીરને શટર તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું અને સાડીનો જથ્થો પણ વેર-વિખેર જોવા મળ્યો હતો. બનાવ અંગે મોહંમદ તાહીરે ચોકબજાર પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બીજી તરફ પોલીસે સીસીટીવી કેમેરાના આધારે ત્રણ વ્યક્તિને અટકાયતમાં લીધા હોવાનું ચોકબજાર પોલીસે જણાવ્યું હતું.