સુરત : નાનપુરા (Nanpura) ખાતે રહેતા માથાભારે સજ્જુ કોઠારી સામે અઠવા પોલીસમાં (Police) મનીલોન્ડરીંગનો વધુ એક ગુનો નોંધાયો છે. બિલ્ડર પાસેથી વ્યાજે આપેલા રૂપિયા સહિત અલગ અલગ ઉઘરાણી કરીને ધમકી આપતો હતો.
રાણીતળાવ મોહમ્મદ મુસ્તુફા પેલેસમાં રહેતા 49 વર્ષીય મોહમ્મદ આરીફ સાબીર કુરેશી બિલ્ડર છે. તેમને દ્વારા અઠવા પોલીસ સ્ટેશનમાં સાજીદ ઉર્ફે સજ્જુ કોઠારી, મો. સમીર સલીમ શેખ, અલ્લારખા ગુલામ મુસ્તુફા શેખ અને ગુલામ ભોજાણીની સામે ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2014 માં નાનપુરા જમરૂખ ગલીના નાકે આવેલી વોર્ડ નં. 1 સિટી સર્વે નં.264 વાળી મિલકત હોમી ફરામરોઝ દોટીવાલા તથા જમશેદજી ફરામરોઝ દોટીવાલાની દિકરી સીરીન નેરીઓસંગ શેઠના પાસેથી અવેજ ચુકવી ખરીદી કરી હતી. આ જુની મિલકત ઉતારીને ત્યાં દુકાન અને ફ્લેટ બનાવવાનું આયોજન કર્યું હતું. મો. આરીફે આ મિલકતમાં નાનપુરા માછીવાડમાં રહેતા ભદ્રેશ મનવાવાલા અને અમરતભાઈ નવસારીવાળાને ભાગીદાર બનાવ્યા હતા. આ મિલકત તોડતી વખતે સજ્જુએ ‘તુઝે મેરે ઇલાકે મે ધંધા કરના હૈ તો ચાર્જ દેના પડેગા નહીં તો મે તુઝે ધંધા નહીં કરને દુગા, કલ સે મેરે બંગલે પે મટીરીયલ ભેજને કા ચાલુ કર દે’ તેમ કહીને ધમકી આપી હતી. તેના બંગલે સામાન નહીં મોકલતા સજ્જુ ફરી સાઈટ પર આવીને ‘તુને અભી તક સામાન નહીં ભેજા તુ અભી કે અભી મેરી ઓફિસ પે’ તેમ કહી ઓફિસે બોલાવ્યો હતો. મો.આરીફ ઓફિસ પર જતા સજ્જુએ અગર તુ મેરા ચાર્જ ભેજના ચાલુ નહીં કરેગા તો તુજે યહા રહેતા ભારી પડેગા ઓર જ્યાદા હોશિયારી કી તો હાથ પેર તોડ કે જાનસે માર દુંગા, ચલ નીકલ યહાં સે તેમ કહેતા મો.આરીફ નીકળી ગયો હતો. ગભરાઈ ગયેલા બિલ્ડરે સજ્જુના બંગલે લાકડાનો સામાન મોકલવાનું ચાલું કર્યું હતું. અને તેના ઘરે વર્ષ 2016 સુધીમાં 7.60 લાખના રોકડાનો માલ મોકલી આપ્યો હતો.
નોટબંધી બાદ 10 ટકા વ્યાજે 60 લાખ લીધા
નોટબંધી બાદ બાંધકામ માટે રૂપિયાની જરૂર હોવાથી બિલ્ડરે સજ્જુ પાસેથી વ્યાજે રૂપિયા માંગ્યા હતા. સજ્જુએ 10 ટકા વ્યાજે રૂપિયા આપવાનું કહેતા 70 લાખ રૂપિયા લીધા હતા. બાંધકામ પુર્ણ થતા બિલ્ડરના ભાગે બાલાજી એન્કલેવના 4 ફ્લેટ આવ્યા હતા. જેમાંથી બે ફ્લેટ સજ્જુ કોઠારીએ તેના સાગરીત મો.સમીર શેખના નામે કબજા રસીદથી આપ્યા હતા. તથા બીજા બે ફ્લેટ અન્ય સાગરીત અલ્લા રખા ગુલામ શેખના નામે કબજા રસીદથી લખાવી ગીરવે રાખી હતી. સજ્જુની સામેથી લીધેલા 70 લાખની સામે 72 લાખ રૂપિયા વ્યાજ ચુકવી દીધું હતું. પરંતુ મુદ્દલની ઉઘરાણી કરતા બિલ્ડરે આ રૂપિયા ચુકવી આપતા તેને ચારેય ફ્લેટનું લખાણ રદ કર્યું હતું. પરંતુ ત્યારપછી પણ પૈસાની ઉઘરાણી માટે સજ્જુ બિલ્ડરની બીજી સાઈટ પર જઈને પરેશાન કરતો હતો.
સજ્જુએ જીમમાં 4.20 લાખના 9 એસી બિલ્ડર પાસે મંગાવ્યા
સજ્જુ કોઠારીએ અડાજણમાં સીલ્વર સ્પ્રિંગ કોમ્પલેક્ષમાં એક જીમ બનાવ્યું છે. જીમમાં 9 એસી બિલ્ડર પાસે મંગાવ્યા હતા. બિલ્ડરે એસી સાથે 4.20 લાખનું બીલ મોકલી આપ્યું હતું. બિલ્ડર પાસે પૈસા નહીં હોવાથી તેને પરિવારના અલગ અલગ સભ્યોના નામે બજાજ ફાયનાન્સમાંથી લોન કરાવી એસી લઈને મોકલ્યા હતા.
સજ્જુ જેલમાં હોવાથી ખર્ચના રૂપિયા બિલ્ડર પાસેથી લીધા
સજ્જુ ફોન પર ધમકીઓ આપતા ગુલામ ભોજાણીએ મે ભાઈ કે સાથ તુમ્હારા કામ કરવા દેતા હું તો મુઝેભી દો ફોન ચાહીએ નહીં તો તુઝે ભારી પડેગા તેમ કહીને ધમકી આપી હતી. સજ્જુ સામે ગુજસીટોકના ગુનામાં જેલમાં હોવાથી ભોજાણીએ ભાઈને પૈસા માંગા હે તેમ કહેતા સજ્જુના ડરથી બિલ્ડરે 2 લાખ રૂપિયા આપ્યા હતા.