સુરત: અડાજણ (Adajan) ખાતે રહેતી યુવતી સાથે ભટારમાં રહેતા યુવકે પ્રેમસંબંધ બાદ પરિવારની (Family) જાણ બહાર આર્યસમાજની વાડીમાં લગ્ન (Marriage) કર્યા હતા. બાદમાં કોર્ટમાં (Court) પણ લગ્ન કરી બંને ભાગી ગયા હતા. યુવકના પરિવારે તેમને પરત બોલાવી સ્વીકાર કર્યાનું નાટક રચ્યું હતું. અને બાદમાં યુવતીને પ્રેમથી સમજાવી બે દિવસ પિયરમાં મોકલી આપી પુત્રને (Son) યુ.એસ. ભગાવી દીધો હતો. જેને કારણે યુવતીએ યુવક સામે બળાત્કારનો (Rape) અને સાસુ સસરા સામે માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી હતી.
અડાજણ ખાતે રહેતી રોશની (નામ બદલ્યું છે) વર્ષ 2015 થી કરણ મિતેષભાઇ શાહ સાથે પ્રેમ સંબંધ હતો. બંને જણા સાથે રહેતા અને ફરતા તથા લગ્ન કરવા માંગતા હતા. વર્ષ 2016-17 માં કરણના માતા-પિતાને તેના પ્રેમસંબંધની જાણ થતા તેમને વિરોધ કર્યો હતો. જોકે તેમને પરિવારના વિરોધ સામે વર્ષ 2021 અપ્રિલમાં આર્યસમાજની વાડીમાં મિત્રોની હાજરીમાં લગ્ન કરી લીધા હતા. પરિવારનો વિરોધ રહેતા તેમને ડિસેમ્બરમાં કોર્ટ મેરેજ કર્યા હતા. કરણના પરિવારનો વિરોધ રહેતા બંને લગ્ન કરીને અમદાવાદ અને ત્યાંથી અંબાજી ભાગી ગયા હતા. બાદમાં કરણની માતા સ્વીટી ઉર્ફે ફાલ્ગુનીબેન તથા મિતેશભાઇ દલીચંદ શાહે બંનેને સમજાવી પરત બોલાવી લીધા હતા. ત્યારબાદ રોશની બે દિવસ તેના સાસરે રહી હતી. બાદમાં કરણની માતાએ રોશનીને તમે ભાગી ગયા હોવાથી સમાજમાં ભારે વાતો થઈ રહી છે. અને કરણનું બીજે નક્કી કર્યું હતું ત્યાથી પણ દબાણ આવી રહ્યું છે. રોશનીને આવું કહીને બે-ત્રણ દિવસ માટે તેના પિયરમાં મોકલી આપી હતી. અને આ બે દિવસમાં તેમને પુત્ર કરણને યુએસએ ભગાવી દીધો હતો. બાદમાં જ્યારે રોશનીને આ અંગે જાણ થઈ તો તેને અડાજણ પોલીસ સ્ટેશનમાં કરણ અને તેના માતા-પિતા માનસિક ત્રાસ આપતા હોવાની તથા કરણે લગ્ન કરી તેની સાથે અનેક વખત શરીર સંબંધ બાંધી તરછોડી દઈ યુએસ ભાગી ગયાની દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. અડાજણ પોલીસે કેસમાં વધારે તપાસ હાથ ધરી છે.
યુવતીએ ચાર દિવસ પહેલા ઉંઘની ગોળી ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો
કરણને તેના માતા-પિતાએ એક મહિના પહેલા યુએસ ભગાવી દીધો હતો. ત્યારથી રોશની સાસરે ધક્કા ખાતી હતી. સાસુ સસરાના માનસિક ત્રાસથી કંટાળી રોશનીએ ચાર દિવસ પહેલા ઉંઘની ગોળીઓ ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડતા સારવાર બાદ બચાવી લેવાઈ હતી.