સુરત: રાહુલ ગાંધીની (Rahil Gandhi) સંસદ સભ્ય તરીકેની સભ્યતા રદ કરતા સમગ્ર દેશમાં કોંગ્રેસ (Congress) દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. સુરત (Surat) શહેરમાં કોંગ્રેસ દ્વારા ધરણા શરૂ થયાની બે જ મિનિટમાં પોલીસ (Police) ત્રાટકી કોંગ્રેસ પ્રમુખ સહિત અગ્રણી કાર્યકરો, નેતાઓની ધરપકડ (Arrest) કરી હતી. અઠવા પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી કરી હતી.
- રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ રદ કરતા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું
- કોંગ્રેસના નેતાઓ કરતા તો પોલીસ કાફલો વધારે હતો
- કોંગ્રેસ દ્વારા ધરણા શરૂ થયાની બે જ મિનિટમાં પોલીસ ત્રાટકી કોંગ્રેસ પ્રમુખ સહિત અગ્રણી કાર્યકરો, નેતાઓની ધરપકડ કરી
રાહુલ ગાંધીને માનહાની કેસમાં કોર્ટે બે વર્ષની સજા સંભળાવ્યા બાદ કોંગ્રેસી કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે રાજ્યભરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ધરણા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારે સુરત ચોક બજાર ખાતે આવેલા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર કોંગ્રેસે ધરણાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. પરંતુ કોંગ્રેસના ધરણા કાર્યક્રમની શરૂઆત થતા બીજી જ મિનિટે પોલીસ ત્રાટકી કોંગ્રેસના નેતાઓની અટકાયત કરી હતી. બીજી બાજુ કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ કરતા 10 ગણો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસ ધરણા કરી પોતાનો વિરોધ પ્રદર્શન કરે તે પહેલા જ પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસી કાર્યકર્તા, મહિલાઓની અટકાયત કરી હતી. નાનપુરા મક્કાઈપુલ સર્કલ પાસે કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ ભેગા થયા હતા. અને ધરણા પ્રદર્શન કરીને પુતળા દહન કરાયું હતું.
ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ મેહુલભાઈ દેસાઈ, કતારગામ વિધાનસભા મહામંત્રી યુથ કોંગ્રેસ સમીરખાન પઠાણ, ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ મંત્રી હિરેન કંથારીયા, સુરત પુર્વ વિધાનસભા પ્રમુખ 159 મોઈન મેમણ અને ગુજરાત યુથ કોંગ્રેસના મહામંત્રી ઇરફાન શેખની પોલીસે અટકાયત કરી હતી. આ સિવાય અઠવાલાઈન્સ પોલીસે ટાયર ઉપર પુતળા દહન કરતા જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.