સુરતઃ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી નિરામય યોજના અંતર્ગત શહેરમાં પોલીસ(Police) કર્મીઓ અને તેમના પરિવાર(Family) માટે દર શુક્રવારે ચેકઅપ(Check Up) કેમ્પ(Camp)નું આયોજન કરાય છે. નવી સિવિલમાં અઢી મહિનામાં 1664 પોલીસ કર્મચારીઓનો સ્વાસ્થય ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં 291 પોલીસ કર્મીઓને કોઇને કોઇ બીમારી હોવાથી હોવાનું જાણવા મળ્યું છે.
- અઢી માસમાં સુરત પોલીસના 1664 પોલીસ કર્મીઓનું ચેકઅપ કરાયું તો તેમાંથી 291 અનફિટ
- 46 પોલીસ કર્મીઓને બ્લડપ્રેશર, 42ને ડાયાબિટીસ અને 194 પોલીસ કર્મીઓને હાઈ કોલેસ્ટ્રોલ હતો
- અન્ય 9 પોલીસ કર્મીઓને અલગ અલગ પ્રકારની બિમારીઓ સામે આવી
- પોલીસકર્મી અને તેમના પરિવાર માટે શરૂ કરાયેલી નિરામય યોજનામાં કર્મીઓની બીમારી બહાર આવી
રાજયના મુખ્યમંત્રી દ્વારા તાજેતરમાં જ પોલીસ કર્મચારી અને તેમના પરિવાર માટે નિરામય યોજનાનો શુભારંભ કરાયો હતો. આ યોજના હેઠળ પોલીસ કર્મીઓને તથા તેમના પરિવારને હાયપરટેન્શન, ડાયાબિટીસ, મોઢા, સ્તન અને ગર્ભાશયના મુખનું કેન્સર, કિડનીની બીમારી, એનિમિયા તથા કેલ્શિયમની ઉણપ જેવી ગંભીર બિનચેપી બીમારીઓ માટે તપાસથી સારવાર અર્થે ની:શુલ્ક આરોગ્ય કેમ્પ કરાય છે. દર શુક્રવારે નવી સિવિલમાં પોલીસ કર્મી અને તેમના પરિવાર માટે આ તપાસ થાય છે. નવી સિવિલમાં 18 ફેબ્રુઆરીથી આ યોજના શરૂ કરાઈ હતી. જેમાં કુલ 1664 પોલીસકર્મીઓએ ચેકઅપ કરાવ્યું હતું. તેમા 291 એટલે કે 17 ટકા પોલીસકર્મી અનફીટ હતા. આ પોલીસકર્મીઓમાંથી 46 પોલીસ કર્મીઓને બ્લડપ્રેશર, 42 ને ડાયાબિટીસ અને 194 પોલીસ કર્મીઓને હાઈકોલેસ્ટ્રોલ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસકર્મીઓની અનિયમિત જીવનશૈલી અને સતત સ્ટ્રેસમાં નોકરી કરવાથી અનેક બિમારીઓ ઘર કરી જતી હોય છે. પરંતુ કામના ભાગદોડમાં તેઓ ચેકઅપ કરવાનું ટાળે છે અને મોટી બિમારીમાં સપડાય છે.
બીજી કઈ કઈ બિમારી
ચેકઅપ દરમિયાન એક પોલીસકર્મીને શ્વાસની તકલીફ, એકને કીડનીની તકલીફ, 2ને સ્કીન ડીસીઝ, એકને ખેંચની બિમારી, બે ને પાઈલ્સ, એકને સીકલસેલ અને એક પોલીસકર્મીને સ્પાઈનની જન્મજાત તકલીફ સામે આવી હતી.
પોલીસ દ્વારા આવા પોલીસકર્મીઓ માટે યોગા અને એરોબિક્સ કરાવવાનું શરૂ કરાયું
જે પોલીસકર્મીઓને પ્રેશર, સુગર સહિતની બીમારીઓ હોવાનું ખબર પડે છે. તેમના માટે પોલીસ વિભાગે યોગા અને મહિલા પોલીસકર્મીઓ માટે એરોબીક્સના ક્લાસ શરૂ કર્યા છે. જેથી આ પોલીસ કર્મીઓ ત્યાં નિયમીત કસરત કરીને પોતાને સ્વસ્થ રાખી સેવા આપી શકે.