SURAT

સુરતના મહિધરપુરાની જ્વેલર્સના ગોડાઉનમાં CCTV ચેક કરતા આ તે શું કેદ થઈ ગયું

સુરત : મહિધરપુરામાં (Mahidharpura) જ્વેલર્સનું ગોડાઉન ધરાવતા વેપારીને ત્યાં કામ કરતો કારીગર જ ચાર દિવસ પહેલા રૂા.9 લાખની કિંમતના દાગીના ચોરીને જતો રહ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઇ જતાં પોલીસ (Police) ફરિયાદ નોંધવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ નિકીત શંભુદયાલ અગ્રવાલ (રહે. સન ટેરેશ, જી.ડી.ગોએંકા સુક્લ પાસે, વેસુ) ઘોડદોડ રોડ ઉપર આમંત્રણ જ્વેલર્સના નામથી વેપાર કરે છે. તેઓનું ગોડાઉન મહિધરપુરાના ગજ્જર ફળિયાના હનુમાન શેરીમાં આવેલું છે. આ ગોડાઉનમાં દાગીના બનાવવા માટે તેઓએ રાજુ બાઉલ દાસ, એજાબુલ શેખ અને સંતુ મોંડલને નોકરીએ રાખ્યા હતા. દરમિયાન ચાર દિવસ પહેલા નિકીતભાઇ ગોડાઉને દાગીના લેવા માટે ગયા હતા. પરંતુ ત્યાં રાજુ દાસ હાજર ન હતો. નિકીતભાઇએ અન્ય બે કારીગરોને રાજુ વિશે પુછ્યું હતું પરંતુ તેઓને પણ કોઇ માહિતી ન હતી. ત્યારબાદ નિકીતભાઇએ ગોડાઉનના સીસીટીવી ફૂટેજ ચેક કરતા રાજુ રાત્રીના અઢી વાગ્યાની આસપાસ રૂા. 9 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના ચોરીને પેન્ટના ખિસ્સામાં મુકી રહ્યો હોવાની ઘટના કેદ થઇ ગઇ હતી. બનાવ અંગે નિકીતભાઇએ મહિધરપુરા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે રાજુની સામે ગુનો નોંધી તેને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

પાંડેસરામાં ચપ્પુના ઘા મારી યુવકનો મોબાઈલ અને 1500 રોકડની લૂંટ
સુરત : પાંડેસરા બમરોલી રોડ પર તાપ્તીનગરમાં રહેતો કિશન રામદયાળ દમામી મુળ રાજસ્થાનના ભીલવાડાનો વતની છે. તેણે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગત 25 તારીખે ડી-માર્ટની બાજુમાં, અનાયા બિઝનેસ સેન્ટરના બહારના પાર્કિંગ પાસે ચાર અજાણ્યા મોપેડ તથા મોટર સાઇકલ ઉપર આવ્યા હતા. અને તેની પાસેથી એક અજાણ્યાએ મોબાઈલ ખેંચવાની કોશિશ કરી હતી. તેનો પ્રતિકાર કરતા તેણે મોઢા ઉપર મુક્કો માર્યો હતો. જેથી કિશન નીચે પડી ગયો હતો. ત્યારે તેની સાથેના અન્ય અજાણ્યાઓએ પાસે રહેલા વકરાના રૂપિયા 1500 પેંટના ખિસ્સામાંથી કાઢી લીધા હતા. ચારેય જણાએ ભેગા મળી ઢીક્મુક્કીનો માર માર્યો હતો. ત્રણ ઈસમોએ પકડી રાખી અન્ય એકે ચપ્પુ વડે જમણા પગના થાપાના પાછળના ભાગે જાંઘ પાસે તથા છાતીના જમણા ભાગે ઘા કરી ઈજા પહોંચાડી નાસી ગયા હતા.

Most Popular

To Top