SURAT

સુરતની ઘટના: પત્નીએ તબિયત પૂછવા કોલ કર્યો તો પતિએ તલાક તલાક તલાક કહી ફોન કાપી નાંખ્યો

સુરતઃ કાદરશાની નાળ પાસે પિયરમાં રહેતી પરિણીતાએ પતિની (Husband) તબિયત પુછવા ફોન (Call) કર્યો તો પતિએ ફોનમાં તલાક તલાક તલાક કહીને ફોન કાપી નાંખ્યો હતો. આ પરિણીતાને પતિ અને સાસરીયાએ પાંચ લાખ દહેજ માટે ઘરમાંથી કાઢી મૂકી હતી. અંતે પરિણીતાએ પતિ, સાસુ, સસરા અને દિયર સામે ફરિયાદ નોંધાવી હતી.

નાનપુરા કાદરશાની નાળ પાસે ઓટો રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા શેખ સલીમશાહની ૨૨ વર્ષીય પુત્રી છેલ્લા છ મહિનાથી માતા-પિતાના ઘરે જ રહે છે. ૨૨ વર્ષીય નસરીનબાનુના લગ્ન અનિશ મુસ્તાક શાહ (રહે-અનવરનગર, આંજણા ફાર્મ) સાથે થયા હતા. લગ્ન બાદ સાસરીમાં તે સંયુક્ત કુટુંબમાં રહેતી હતી. લગ્નબાદ પતિ પત્ની અનવરનગર આંજણા ફાર્મ ખાતે રહેવા આવી ગયા હતા.

લગ્નના એક મહિના સુધી સારી રીતે રહ્યા બાદ પતિ અને સાસરિયા નાની નાની વાતે ગુસ્સો કરતાં હતા. બાદમાં પતિએ ઝઘડો કરવાનું શરૂ કર્યું હતું. આ અંગે સાસુ સસરા અને દિયરને કહેતા તેમને પણ પતિનો પક્ષ લીધો હતો. પતિએ તારા માતા પિતાએ મને કંઇ જ આપ્યું નથી, જો તારા ઘરવાળા મને દહેજના પૈસા આપશે તો તને ખુશ રાખતે પણ તારી સાથે લગ્ન કરીને મારી જીંદગી બરબાદ થઇ ગઈ છે. તુ તારી માતા પાસેથી ૫ લાખ લઈને આવ તો ઘરમાં રાખીશ તેવું કહ્યું હતું.

પતિ મોડે સુધી મોબાઇલમાં વ્યસ્ત રહેતા તેનું કોઈ છોકરી સાથે અફેર હોવાની પત્ની નસરીનબાનુને શંકા ગઈ હતી. ફોન વોટ્સએપ ચેક કરતા તેના પતિનું અન્ય છોકરી સાથે સંબંધ હોવાનુ જાણવા મળ્યું હતું. પતિને પુછતા તેનો બીજી છોકરી સાથે પ્રેમસંબંધ હોવાનું કહીને માર માર્યો હતો. ગત ૨૫ જુને નસરીનબાનુએ જમવાનું બનાવ્યુ તેમાં સાસુએ મીઠુ વધારે નાંખી દીધું હતું. જેથી પતિ, સસરા અને દિયરે જમવાનું નથી બનાવતા આવડતુ કહીને માર માર્યો હતો. અને ઘરેથી કાઢી મૂકી હતી. અને પતિએ હવે હુ તારી સાથે રહેવાનો નથી જો તારે મારી સાથે રહેવું હોય તો ૫ લાખ મંગાવી લે તો જ તારી સાથે રહીશ તેમ કહ્યું હતું. ત્યારબાદ નસરીનબાનુ પિતાના ઘરે જતી રહી હતી. નસરીનને સગા સંબંધીઓ દ્વારા ગઈકાલે તેના પતિની તબિયત સારી ન હોવાનું જાણવા મળતા તેને ફોન કર્યો હતો. ફોન કરતા પતિએ ફોનમાં ગુસ્સે થઈને “તલાક.. તલાક.. તલાક’’ એવું બોલીને ફોન મૂકી દીધો હતો.

Most Popular

To Top