સુરત: શહેરના પરવટ પાટિયા ખાતે ચાર દિવસ પહેલા સિગારેટ (CIGARETTE) ખરીદવાના બહાને ટોબેકો શોપ (TOBACCO SHOP)માં બે તત્વો ઘુસી જઈ વેપારી ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. વેપારીનું મોઢું દબાવી કાઉન્ટર ખોલવા પ્રયાસ કરતા વેપારીએ બહાર દોડી જઈ બૂમાબૂમ કરતા બંને ત્યાંથી ભાગી ગયા હતા. આ અંગે લીંબાયત પોલીસે ફરિયાદ (FIR) દાખલ કરી બંનેની શોધખોળ આરંભતા આજે એક લબરમુછીયાની ધરપકડ કરી હતી.
ક્રાઈમ બ્રાંચ (SURAT CRIME BRANCH)ની ટીમના માણસોને મળેલી બાતમીના આધારે સોયેબખાન ઉર્ફે નુર અફજલખાન પઠાણ (ઉ.વ.૨૦. રહે. સુગરાનગર ઝુપડપટ્ટી, લાલ બિલ્ડીંગ પાસે, લીંબાયત. મુળવતન: જી.જલગાંવ, મહારાષ્ટ્ર)ને પકડી પાડ્યો હતો. આરોપીની પુછપરછ કરતા તેને જણાવ્યું હતું કે, ચાર દિવસ પહેલા બપોરના આશરે ત્રણેક વાગ્યાના અરસામાં બંને આરોપીઓએ ભેગા મળી ડુંભાલ ચોર્યાસી ડેરીની સામે આવેલી જયભિક્ષુ ટોબેકો નામની દુકાનમાં લુંટ કરવાના ઇરાદે ઘુસ્યા હતા. દુકાનના કાઉન્ટર પાસે જઇ હાજર વેપારીને સો પેકેટ ગોલ્ડ ફ્લેક તથા વીસ પેકેટ ફોર સ્કવેર સીગારેટનાં તથા એક વિમલનો કદો જોઇએ છે તેમ કહ્યું હતું.
વેપારી દુકાનમાં અંદર સામાન લેવા જતા બંનેજણા હથિયાર (WEAPON) સાથે દુકાનની અંદર ઘુસી ગયા હતા. વેપારીને ધક્કો મારી નીચે પાડી દઇ આરોપી અલતાફ પિંજારીએ તેની પાસેનું ચપ્પુ વેપારીના પેટ ઉપર મુકી ડરાવી ધમકાવ્યો હતો. આરોપી સોયેબખાન અફજલખાને દુકાનના ડ્રોવર ખોલી રૂપિયા કાઢવા જતા વેપારીએ બુમાબુમ કરી આરોપી સાથે બાથભીડી પ્રતિકાર કર્યો હતો. બંને આરોપીઓએ પોતાની પાસે રહેલા ચપ્પુ (KNIFE)થી વેપારીને શરીર ઉપર ઘા મારી દીધા હતા. આરોપી ભાગવા જતા વેપારીએ અલતાફ પિંજારીના પગ પકડી લેતા તેના હાથ માંથી ચપ્પુ તથા એક બુટ પગમાંથી નિકળી ગયો હતો.
સોયેબખાન પઠાણ પાસે જે સ્કુલ બેગ તથા ચપ્પુ હતા તે દુકાનમાં પડી ગયા હતા. અને તેઓ બન્ને જણા ત્યાંથી ભાગી જઇ રોડ ઉપરથી રીક્ષા (RIKSHA) ભાડે કરી લીંબાયત મીઠીખાડી તરફ ભાગી ગયા હતા. ક્રાઈમ બ્રાંચે આ ગુનામાં 20 વર્ષીય સોયેબખાનની ધરપકડ કરી હતી. સોયેબની સાથે આ ગુનામાં સામેલ મિત્ર અલતાફ હજી ગાયબ (MISSING) છે. સોયેબ ગયા વર્ષે લીંબાયત પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિષના ગુનામાં પણ ઝડપાયો હતો.