ભરૂચ: ભરૂચ (Bharuch) શહેર અને જિલ્લામાં નશાકારક વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ (Sell) બંધ થાય એ માટે પોલીસ (Police) દ્વારા વિશેષ તકેદારી રાખવામા આવી રહી છે. જેના ભાગરૂપે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સભ્યો નર્મદા ચોકડી નજીક પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન બાતમીવાળી કાર (Car) આવતાં તેને અટકાવી કારમાં તપાસમાં કરતાં બોનેટના ભાગે સંતાડેલો રૂ.૫૯,૩૦૦ની કિંમતનો ૫ કિલોથી વધુ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપી હાર્દિક ભાટ્ક(ઉં.વ.૩૬)ની ધરપકડ કરી હતી. આરોપી ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલા સહજાનંદ કોમ્પ્લેક્સમાં રહે છે. પોલીસે ગાંજાનો ૫ કિલો ૯૩૦ ગ્રામ જથ્થો કિંમત રૂ.૫૯,૩૦૦, ટોયોટા કોરોલા ગાડી GJ-૦૧,HF-૬૧૪૬ કિંમત રૂ.૧ લાખ, એક મોબાઈલ રૂ.૫૦૦૦ અને અંગજડતીના રોકડા રૂ.૨૩૦ મળી કુલ રૂ.૧,૬૪,૫૩૦ની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને તેણે સુરતના એક ઈસમ પાસેથી ગાંજાનો જથ્થો લીધો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે મામલામાં આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આવી જ રીતે સી. ડિવિઝન પોલીસે ભરૂચના ગાયત્રી મંદિર પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી. ભરૂચના ગાયત્રી મંદિર પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો અન્ય એક ફરાર થઇ ગયો હતો. ભરૂચ સી ડિવિઝન પોલીસમથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. એ દરમિયાન બાતમી મળી હતી કે, સુરત તરફથી અગાઉ પ્રોહિબિશન એક્ટના ગુનામાં પકડાયેલા બુટલેગર આલોકસિંગ ચંદ્રવલીસિંગ રાજપૂત કારમાં દારૂ ભરી ગાયત્રી મંદિર પાસે આવનાર છે.
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. એ દરમિયાન બાતમીવાળી કાર આવતાં પોલીસે તેને અટકાવવાનો ઈશારો કરતાં એક ઇસમ કાર મૂકી ફરાર થઇ ગયો હતો. જ્યારે અન્ય એકને પકડી પાડ્યો હતો. પોલીસે કારમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની 54 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 20 હજારનો દારૂ અને ફોન-૩ તેમજ કાર મળી કુલ 1.43 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ શ્યામ કોમ્પ્લેક્સમાં રહેતો ચંદ્રવલી કિસબહાદુરસિંગ સિંગને ઝડપી પાડ્યો હતો. જયારે મુખ્ય સૂત્રધાર ફરાર થઇ ગયો હતો.
મહુવાના પથરોણ ખાતેથી દારૂ ભરેલી કાર ઝડપાઈ
અનાવલ: મહુવા પોલીસને બાતમી મળી હતી કે, કાર નં.(જીજે ૫ સીકે ૨૫૯૦)માં દારૂ ભરીને પથરોણથી તરસાડી તરફ જઈ રહ્યા છે. બાતમીના આધારે મહુવા પોલીસના સ્ટાફ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. વધુમાં બાતમીવાળી કારની તપાસ કરાતાં પથરોણ ખાતેથી બાતમીવાળી કાર મળી આવી હતી. જેમાં તપાસ કરાતાં ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ ૨૦૯ બોટલ મળી ૨૯,૭૦૦ રૂપિયાનો દારૂનો જથ્થો તેમજ કાર રૂ.૩ લાખ મળી કુલ ૩,૨૯,૭૦૦નો મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.