SURAT

સુરત: ઉગત રોડની ઇન્ટરનેશનલ સ્કૂલનો બસ ચાલક કાર ને અડફેટે લઈ ભાગી ગયો

સુરત: ડભોલી ચાર રસ્તા નજીક રાંદેર ઉગતની રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના (School) બસ ચાલકે (Bus driver) કારને (Car) પાછળથી અડફેટે (Accident) લેતા ભારે હોબાળો થયો હતો. નવાઈની વાત એ હતી કે BRTS રૂટ ક્રોસ કર્યા બાદ કારને અડફેટે લેનાર વિદ્યાર્થીઓથી (Student) ભરેલી બસનો ચાલક પીધેલી હાલતમાં મળી આવતા સિંગણપોર પોલીસ સ્ટેશન (Police Station) લઈ જવાયો હતો. મોડી સાંજે બનેલી ઘટના બાદ ભેગા થઈ ગયેલા વાલીઓએ જણાવ્યું હતું કે સ્કૂલ બસનો ચાલક પીધેલ હોય તો અમારા બાળકોની સુરક્ષા શું? હાલ સિંગણપોર પોલીસે બસ જમા લઈ બસ ચાલક વિરુદ્ધ તપાસ હાથ ધરી હોવાનું વાલીઓએ જણાવ્યું હતું.

ઘટનાને જોનાર કૃણાલ પટેલે જણાવ્યું હતું કે ઘટના લગભગ 5:30 વાગ્યા ની હતી હું મારી સ્વીફ્ટ કાર લઈ ડભોલી થી વરાછા જવા નીકળ્યો હતો. જ્યાં બાજુમાં BRTS રૂટ ઉપર સ્કૂલના વિદ્યાર્થીઓ ભરેલી બસે સ્વીફ્ટ કારને પાછળ થી અડફેટે લઇ ભાગી ગયો હતો. જોકે વરાછા બેક સુધી બસ નો પીછો કરી વિદ્યાર્થીઓ ભરેલી બસને રોકવા મજબુર બન્યો હતો. વધુમાં તેણે જણાવ્યું હતું કે બસમાં ધોરણ-4-5નાં વિદ્યાર્થીઓ હતા. ઘટનાની જાણ શાળામાં કરવા શાળાના સંપર્ક નંબર પર ફોન કરવામાં આવ્યો હતો પણ કોઈએ ફોન ઉપાડ્યા ન હતા. જોકે ઘટનાની જાણ થતા જ વાલીઓ દોડી આવ્યા હતા. ત્યારબાદ ડ્રાઇવરને ઠપકો આપતા મોઢામાંથી દારૂની દુર્ગંધ આવતી હતી. જેને લઈ વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. એટલું જ નહીં પણ વિદ્યાર્થીઓને બસમાંથી ઉતારી વાલીઓ જ બસ અને તેના ચાલકને સિંગણપોર પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.

હિટ એન્ડ રન કેસમાં સ્કૂલના બસ ચાલકે કોઈ જવાબદાર વ્યક્તિના નંબર સુધ્ધાં આપવાની ના પાડી દીધી હતી. જો કે વાલીઓનો ગુસ્સો જોઈ નંબર આપ્યો હતો. ત્યારે શાળાના કોઈ જવાબદાર વ્યક્તિએ બસ અને તેના ચાલકને સિંગણપોર પોલીસ સ્ટેશન લઈ જવા જણાવ્યું હતું. અને કહ્યું હતું કે પોલીસ ફરિયાદ કરી દો, હાલ પોલીસે ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top