સુરત : વિધાનસભાની ચૂંટણીમાં (Election) પ્રથમ તબક્કાનો પ્રચાર ધીરેધીરે તેના અંત તરફ આવી રહ્યો છે ત્યારે સુરતમાં (Surat) બાર પૈકી છ બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ હોવાને કારણે વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી દ્વારા આવતીકાલે પાટીદારોના ગઢ સમાન મોટા વરાછામાં ગોપીન ગામ ખાતે સભા કરવામાં આવશે. સુરતમાં અન્ય બેઠકો જીતવી સહેલી પરંતુ પાટીદાર મતદારોવાળી બેઠકો પર મુશ્કેલીઓ હોવાથી મોદી કોઈ જ કસર છોડવા માંગતા નથી અને તેને કારણે જ આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે સાંજે સાત કલાકે યોજાનારી આ સભા પહેલા મોદી એરપોર્ટથી સભાસ્થળ સુધી રોડ માર્ગે જશે અને મોદી દ્વારા કારમાં બેઠા-બેઠા જ લોકોનું અભિવાદન ઝીલવામાં આવશે.
અગાઉ મોદીના રોડ શો માટે આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ ઠેરઠેર ટ્રાફિક જામ થવાની સ્થિતીને જોતાં આખરે રોડ શોનું આયોજન પડતું મુકવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીનો કાફલો આ રોડ પરથી પસાર થશે ત્યારે ભીડને નિયંત્રિત કરવા માટે રસ્તા પર બેરિકેડ લગાડી દેવામાં આવ્યા છે. મોદીનો કાફલો ધીરેધીરે જશે અને રસ્તામાં છ જગ્યા પર બનાવવામાં આવેલા સ્ટેજ ખાતે ભાજપના કાર્યકરો દ્વારા મોદીનું સ્વાગત કરવામાં આવશે. મોદીની સભાનું એવી રીતે આયોજન કરવામાં આવ્યું છે કે તેને કારણે પાટીદાર મતદારો ધરાવતી છ વિધાનસભા બેઠકોને અસર કરાશે.
સુરત એરપોર્ટથી ગોપીન ગામ સુધી અલગ અલગ સ્પોટ પર સ્વાગત થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જ્યાં જ્યાં સ્વાગત કરવામાં આવશે તેમાં ઓનએનજીસી બ્રિજ, સરગમ શોપિંગ સેન્ટર, અઠવા ગેટ, મજુરા ગેટ, જૂની આરટીઓ, માન દરવાજા, એપીએમસી માર્કેટ, સીમાડા કેનાલ રોડ અને મોટા વરાછાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વડાપ્રધાન મોદી મોડી સાંજે સભા પુર્ણ કરી રાત્રિ રોકાણ સુરતમાં જ કરશે
સુરત સહિત ગુજરાતની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી પણ મેદાને છે. તેવામાં હવે પાટીદાર પ્રભુત્વવાળી બેઠક પર મોદી મોડી સાંજે જાહેર સભા કરશે. મોટા વરાછામાં જાહેર સભાનો સમય સાંજે 7 વાગ્યાનો રાખવામાં આવ્યો છે. સભા પુર્ણ થયા બાદ મોદી રાત્રિ રોકાણ પણ સુરતમાં જ સર્કિટ હાઉસમાં કરશે તેમ જાણવામાં આવ્યું છે. અને તેઓ બીજા દિવસે બપોરે 12 વાગ્યા સુધી સુરતમાં રોકાણ કરશે.