પેમેન્ટ વસૂલ કરતી કંપની પાસેથી થઈ તિજોરીની વસૂલાત, તસ્કરોએ સીધે સીધી તિજોરી જ ઉઠાવી લીધી

સુરત(Surat): ઉનમાં આવેલી વન વર્લ્ડ લોજિસ્ટિક કંપનીમાંથી તસ્કરોએ લોખંડની ગ્રીલ તોડીને કંપનીમાંથી 5.90 લાખ રોકડ ભરેલી તિજોરી જ ચોરી કરી ગયા હતા. આ ઉપરાંત તસ્કરો સીસીટીવી (CCTV)કેમેરાના ડીવીઆર પણ ચોરી કરી ગયા હોય પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ પલસાણાના કડોદરા નીલમ હોટલ પાસે કલ્પતરુ કોમ્પ્લેક્સમાં રહેતા પવનકુમાર શિવનાથ તિવારી ઉન ગ્રીનપાર્ક લાઈટ ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં વન વર્લ્ડ લોજિસ્ટ્રિક પ્રા.લિ. નામની કંપનીમાં એરિયા મેનેજર તરીકે નોકરી કરે છે. આ કંપની મરફતી રીલાયન્સ જીઓમાંથી જે ગ્રાહકોએ ઓનલાઇન કરિયાણાનો માલ ખરીદ્યો હોય તેમને માલ પહોંચાડવાનું અને પેમેન્ટ વસૂલ કરવાનું કામ કરે છે. દરમિયાન સોમવારે સાત વાગ્યે કંપનીના સુપરવાઇઝર કૌશિક કશુ સોરઠિયા આવ્યા હતા. તેઓએ કંપનીમાં તોડફોડ જોતાં પવનકુમારને જાણ કરી હતી. તપાસ કરતાં બે અજાણ્યા ઇસમો કંપનીની પાછળના ભાગે ગ્રીલ તોડીને પ્રવેશ્યા હતા અને કંપનીમાં રોકડા રૂ.5.90 લાખ ભરેલી ગોદરેજ કંપનીની તિજોરી, કંપનીનું લેપટોપ, બારકોડ સ્કેનર મશીન અને ડીવીઆર સહિત કુલ રૂ.6.19 લાખની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે સચિન જીઆઇડીસી પોલીસમાં ફરિયાદ કરવામાં આવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

‘અડધો કલાક પછી અલમારી ખોલજો’ કહી ચાવી બનાવવા આવેલો ચીકલીગર 1.35 લાખ ચોરી ગયો
સુરત : પાંડેસરામાં ઘરની અલમારીની ડુપ્લિકેટ ચાવી બનાવવા આવેલા ચીકલીગરે કહ્યું કે, ‘અડધો કલાક પછી અલમારી ખોલજો’. ત્યારબાદ તપાસ કરતા રૂા. 1.35 લાખની ચોરી થઇ હોવાનું બહાર આવતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. પ્રાપ્ત વિગતો મુજબ પાંડેસરા સુખીનગરમાં રહેતા આરતીબેન શ્રીનિવાસ સિંગ ઘરકામ કરે છે, જ્યારે તેમના પતિ શ્રીનિવાસ એમ્બ્રોઇડરી કારખાનામાં નોકરી કરે છે. આરતીબેન સોસાયટીમાં જ તેમની માતાની તબિયત ખરાબ હોવાથી તેઓ ત્યાં કામકાજ માટે ગયા હતા. ત્યારે સોસાયટીમાં ડુપ્લિકેટ ચાવી બનાવવા વાળો નીકળ્યો હતો. આરતીબેનના માતા દૂકાને વસ્તુ ખરીદવા માટે ચાલ્યા ગયા હતા અને આરતીબેન ત્યાં જ ઊભા રહ્યા હતા. થોડીવાર બાદ ચીકલીગરે અલમારીની ચાવી બનાવીને આરતીબેનને ચાવી આપી હતી અને કહ્યું કે, અલમારી અડધો કલાક બંદ રહેવા દેજો ત્યારબાદ ખોલજો, તેમ કહીને ડુપ્લીકેટ ચાવીના 140 રૂપિયા લઇ જતો રહ્યો હતો. ચીકલીગર જતો રહ્યા બાદ અલમારી ચેક કરવામાં આવતા તેમાંથી રૂા. 50 હજારની કિંમતનું મંગળસૂત્ર, સોનાના જૂમખા તેમજ રોકડા રૂા. 50 હજાર મળી કુલ્લે રૂા. 1.35 લાખની ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું. બનાવ અંગે પાંડેસરા પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top